ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સિગારેટના હોલસેલ વિક્રેતાઓને ત્યાં વોચ રાખી સિગારેટ ચોરતા બે યુવકને વલસાડ એલ.સી.બી.એ વાપીથી સિગારેટના મોટા જથ્થા સાથે પકડી પાડ્યા હતા. આ બે યુવાન મોપેડ પર જ જે તે રાજ્યના શહેરમાં જતા અને સિગારેટના પેકેટની ચોરી કરતા હતા. જેમને એલસીબીએ સિગારેટ, મોપેડ અને મોબાઇલ મળી કુલ રૂપિયા 2.11 લાખના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ, વલસાડ એલ.સી.બી. પી.આઇ.ની ટીમે વાપીમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતુ. આ દરમિયાન તેમણે વલસાડ એ.એસ.આઇ.એ બાતમીના પગલે હાઇવે નં.48 પર નાકાબંધી હાથ ધરી હતી. તે દરમિયાન ત્યાંથી એક નંબર વિનાના મોપેડ પર મોટા થેલા લઇ જતા બે યુવાનને અટકાવ્યા હતા.
તેમની પૂછતાછ કરતાં તેઓ આકાશ ભવરસીંગ ગુલાબસીંગ રાજપુત (ઉવ.20., રહે.પીપળી ચીંચવડ, પુના) અને રોહન ઉર્ફે ધુમ પલંગે ભોંસલે (ઉ.વ.18., રહે.મંચર ગામ, આંબીગામ તાલુકો, પુના) હોવાનું બહાર આવ્યું હતુ. તેમની પાસેથી એલ.સી.બી.એ એક કાપડના થેલામાંથી સિગારેટના 524 પેકેટ જેની કિંમત રૂપિયા 55,767/-, બીજા થેલામાંથી સિગારેટના 620 પેકેટ જેની કિંમત રૂપિયા 51,230/- અને ત્રીજા થેલામાંથી સિગારેટના 443 પેકેટ જેની કિંમત રૂપિયા 47,780/-નાં મળી સિગારેટના કુલ 1603 પેકેટ જેની કિંમત રૂપિયા 1,54,777/-ની મળી આવી હતી. જેના કોઇ બિલ ન હતા. આમ, એલ.સી.બી.એ તેને પકડી તેની કડક પુછતાછ કરતાં તેઓ આ સિગારેટ ચોરીને લાવ્યા હોવાનું કબુલ્યું હતુ. જેના પગલે તેમણે તેમનું મોપેડ અને મોબાઇલ પણ કબજે લીધો હતો. આ બંનેને વાપી ટાઉન પોલીસ મથકે સોંપતા બંનેના વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500