વલસાડનાં મગોદ ગામે દારૂના નશામાં ધુત થઈ આવેલા દાહોદના એક શિક્ષક સહીત ભાગોળ ગામે આવી પહોચ્યા બાદ, પોતાની કાર નંબર જીજે/17/બીએન/0264 પાર્ક કરી શિક્ષક અને તેમનો સાથીદાર સ્થાનિક તથા રસ્તા ઉપરથી પસાર થઈ રહેલા રાહદારીઓ અને વાહન ચાલકોને તેમણી ઓળખ પોલીસ તરીકે આપી માસ્ક નહિ પહેરનારા લોકો પાસેથી દંડ વસુલ કરી રહ્યા હતા.
આ દરમિયાન ગામના દોહરી ફળિયામાં રહેતા યશ મનીષભાઈ દેસાઈ પોતાના ઘરેથી કામ અર્થે વલસાડ તરફ આવી રહ્યા હતા. તે સમય દરમિયાન પોલીસ તરીકેની ઓળખ આપનાર બંને ઈસમોએ યશને અટકાવી તેની પાસે માસ્ક નહિ પહેરવા બદલ દંડ ભરવાનું જણાવ્યું હતું. યશને બંને ઈસમોની હિલચાલ શંકાસ્પદ લાગતા તેમનો આઈકાર્ડ માંગતા, તેમનો ભાંડો ફૂટી ગયો હતો. આથી ગભરાઈ ગયેલા બંને ઈસમોએ સ્થળ ઉપરથી ભાગવાનો પ્રયાસ કરતા બંને ઇસમોને ગ્રામજનોએ ઝડપી પાડી મેથીપાક ચખાડ્યો હતો.
ગામના રહીશોએ દારૂના નશામાં ધુત બંને ઈસમોને વલસાડ રૂરલ પોલીસના હવાલે કર્યા હતા. પોલીસે હાથ ધરેલ પૂછપરછ દરમિયાન બે પૈકીના સિધાર્થ કિશોરભાઈ ડામર(ઉ.વ.30, રહે.ગોધરા દાહોદ) ચીલાકોટા મુખ્ય પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હોવાની અને તેની સાથે તેનો પિતરાઈ ભાઈ ગૌરાંગ છત્રસિંહ ડામોર(ઉ.વ.37, રહે.ભાયંદર મહારાષ્ટ્ર) હોવાની વિગતો બહાર આવી હતી.
દારૂના નશામાં ધુત થઈ પોલીસના નામે દંડ વસુલ કરી રહેલા બંને ઈસમો વિરીદ્ધ પોલીસે પ્રોહી. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500