વલસાડ અને નવસારી જિલ્લામાં એક સપ્તાહથી સવારે વાદળોનાં પરિભ્રમણ અને તેજ પવનના માહોલ વચ્ચે વલસાડ શહેરના તિથલ રોડ પંથકમાં ગતરોજ સવારે 8 થી 8.30 વાગ્યાનાં સુમારે આગોતરા વરસાદનાં ભારે ઝાપટાં થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અન્ય વિસ્તારોમાં છૂટા છવાયા ઝાપટાં થયા હતા. જોકે, 4 થી 5 મિનિટ બાદ ઝાપટાં બંધ થઇ ગયા હતા અને વાતાવરણ સ્વચ્છ થઇ ગયું હતું. જયારે છૂટા છવાયા ઝાપટાંને લઇ ડિઝાસ્ટર કચેરી કન્ટ્રોલમાં વરસાદ નોંધાયો ન હતો.
વલસાડ નજીક આવેલા નવસારી જિલ્લાના બીલીમોરા શહેર અને અડીને આવેલા ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી ઝાંપટા પડ્યા હતા. ચોમાસાના આગમનના દિવસો નજીક આવી રહ્યા છે તેમ વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે. વલસાડ જિલ્લામાં દક્ષિણ પશ્ચિમનાં પવનો છેલ્લા એક અઠવાડિયાથી તેજ ફૂંકાઇ રહ્યા છે. જયારે 9 થી 13 કિમીનાં ઝડપે ફુંકાતા પવનને લઇ કાંઠા વિસ્તારો તેમજ તિથલ બીચ પર સ્ટોલ્સના મંડપો પણ તૂટી પડ્યા હતા.
જોકે દિવસ દરમિયાન ભારે બફારો અને ઉકળાટથી એક સપ્તાહથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા હતા. તાપમાન પણ આ દિવસો દરમિયાન 35 ડિગ્રી સુધી નોંધાઇ રહ્યો હતો. જેમાં હવામાં ભેજનું પ્રમાણ પણ 70 થી 75 ટકા વચ્ચે નોંધતા દિવસે લોકોને બેચેની, પરસેવો અને ઉકળાટનો સામનો કરવો પડી રહ્યો હતો. ખાસ કરીને વહેલી સવારે આકાશમા કાળ વાદળોનું પરિભ્રમણ જોવા મળી રહ્યું છે. દરમિયાન દક્ષિણ પશ્ચિમનાં તેજ પવનો વચ્ચે વરસાદ પડતાં રસ્તાઓ ભીંજાયા હતા.
હવામાન વિશેષજ્ઞના મત મુજબ આ ચોમાસાનો વરસાદ નથી પરંતુ વેસ્ટર્ન ડિર્સ્ટબન્સની અસરથી વરસાદ થયો છે. વૈશાખી વાયરા વચ્ચે ચોમાસું પૂર્વે બીલીમોરા શહેરમાં મંગળવાર સવારે એકાએક 20 મિનિટ સુધી વરસાદ પડ્યો હતો. રાજમાર્ગો ભીના થયાં થયાં હતાં. તો બીજી તરફ આંબાવાડીમાં તૈયાર કેરીનો પાક લણતા ખેડૂત પરીવાર, ઘરનું બાંધકામ કરનારા અને લગ્ન માંડી બેઠેલા પરિવારો ચિંતાતુર બન્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500