ધરમપુર તાલુકાનાં ધામણી ગામે પત્ની ઉપર અગમ્ય કારણસર કુહાડીથી હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કરી ઘરેથી ભાગી ગયેલા પતિની લાશ પાંચમા દિવસે ગામની નદીમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ધરમપુરનાં ધામણી ગામનાં બાફળી ફળિયાના 38 વર્ષીય છગનભાઈ બુધિયાભાઈ દેવળીયા નાએ ગત તા.01/08/2022ના રોજ રાત્રે તેમની પત્ની ઉપર કાકડુબેનને ઘરમાં પડેલી કુહાડીના ઘા મોઢા ઉપર તથા છાતી અને પીઠના ભાગે મારી ઘરેથી નાશી ગયો હતો.
ત્યારબાદ કાકડુબેનને ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સમાં ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં લાવી પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં કાકડુબેને આ બાબતે છગનભાઇ વિરુદ્ધ પોલીસ ફરીયાદ કરી હતી. જોકે પત્નીને મારમારી ઘરેથી જતો રહેલા છગનભાઈની શોધખોળ કરી રહ્યા હતા.
જેથી તા.04/08/2022નાં રોજ બપોરે 4.30 વાગ્યે બાફળી ફળિયામાં નાર નદીના પાણીમાં છગનભાઇ ડૂબેલી હાલતમાં મૃત પડેલા મળી આવ્યા હતા. જેની જાણ થતા મૃતકના ભાઈ દેવરામભાઈએ ઓળખ કરી હતી. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500