નવસારીના ખેરગામના રોહિતવાસમાં રહેતો રિક્ષા ચાલક મનિષભાઈ નટુભાઇભાઈ ચૌહાણ જે સવારે 7.30 વાગ્યે પેસેન્જર લઇને વલસાડ આવ્યો હતો અને ત્યારબાદ 10 વાગ્યાના અરસામાં વલસાડથી 2 પેસેન્જર લઇને કલવાડા પહોંચી બંને પેસેન્જરને ઉતાર્યા હતા અને ત્યાંથી ખાલી રિક્ષા લઇને અટગામ ધોબીકુવા 3 રસ્તા પાસે વલસાડ-ખેરગામ રોડ ઉપર આવી રસ્તાની બાજૂમાં રિક્ષા ઉભી રાખી પેસેન્જરની રાહ જોઇ રહ્યો હતો.
તે દરમિયાન ખેરગામના નાધઇ વાડી ફળિયાનો એક યુવક અશ્વિન પટેલ પોતાની બાઇક ઉપર પિતા રમણભાઇને પાછલી સીટ પર બેસાડી વલસાડ આવી રહ્યો હતો ત્યારે અટગામ ધોબીકુવા 3 રસ્તા પર રોંગ સાઇડથી પૂરઝડપે ધસી આવી સામે ઉભી રહેલી રિક્ષા સાથે ધડાકાભેર અથડાતા બાઇક ચાલક અને તેના પિતા રોડ ઉપર ફેંકાઇ ગયા હતા. જેમાં બાઇક ચાલક અશ્વિનને આંખ અને શરીરે નાની મોટી ઇજા થઈ હતી જયારે પિતા રમણભાઇને માથા અને પગના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.
આ અકસ્માત સર્જાતા આસપાસના લોકોએ દોડી આવી ઇજા પામનાર રમણભાઇને 108ની મદદથી વલસાડ કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બાઇક ચાલકના પિતાનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે રિક્ષા ચાલકે બાઇક ચાલક વિરુદ્ધ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500