વલસાડના મોગરવાડીમાં આવેલી સોસાયટીમાં રહેતા ખાનગી ફાઈનાન્સ કંપનીમાં નોકરી કરતા રીલેશનશીપ મેનેજરના બંધ મકાનમાં ત્રાટકેલા ચોરટાઓએ સોના-ચાંદીના ઘરેણાં સહીત કુલ રૂપિયા 1.74 લાખની ચોરી કરી હોવાની ફરિયાદ વલસાડ સિટી પોલીસ મથકમાં નોંધાઈ હતી.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મોગરવાડીના મણીનગર સોસાયટીમાં આવેલા રાધાસ્વામી હાઉસમાં પત્ની, બાળકો અને માતા-પિતા સાથે રહેતા પ્રાજલભાઈ સુરેશભાઈ બારોટ, વાપી ખાતે આવેલી આઈ.સી.એલ. ફાઈનાન્સ કંપનીમાં રીલેશનશીપ મેનેજર તરીકે નોકરી કરે છે. પ્રાજલભાઈ તથા પરિવારના સભ્યો વતન બોરસદ ખાતે આવેલા મંદિરનો ઉત્સવ હોય ઘર બંધ કરીને વહેલી સવારે બોરસદ નીકળી ગયા હતા. ત્યારબાદ પડોશમાં રહેતા ધવલભાઈ દેસાઈએ પ્રાજલભાઈના ઘરના દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં અને ઘરનો સામાન વેર-વિખેર હાલતમાં જોતા જ પ્રાજલભાઈને ફોન કરીને જાણ કરી હતી. જેથી પ્રાજલભાઈ તથા તેમના પરિવારના સભ્યો પ્રવાસ ટૂંકાવીને ઘરે આવી ગયા હતા અને ઘરે આવીને તપાસ કરી તો, કબાટની તિજોરી તોડીને અંદરથી સોનાનો એક સેટ, બે ચેઈન, બે બંગડી, કાનની સેર, એક વીંટી તથા રોકડા 24 હજાર મળી કુલ રૂપિયા 1.74 લાખની ચોરી કરી ગયા હોવાનું જણાવ્યું હતું.
આ ઘટના અંગે પ્રાજલભાઈ બારોટએ વલસાડ સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500