Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગીરનારમાં ઉત્તરાખંડ જેવા દ્રશ્યો, પર્વતો ઉપર 16 ઈંચ વરસાદ : નવસારીમાં ગેસ એજન્સીનાં ગોડાઉનની કમ્પાઉન્ડ વોલ તુટી પડતા 350થી વધુ સિલિન્ડર પાણીમાં તણાયા

  • July 23, 2023 

રાજ્યમાં હજુ આગામી ૩ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જયારે ગતરોજ દિવસ દરમિયાન 221 તાલુકામાં વરસાદ પડયો હતો, જેમાં 100 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ હતો. જુનાગઢમાં સવારે 10 વાગ્યે શરૂ થયેલો વરસાદ 2 વાગ્યા સુધીમાં 4 ઈંચ વરસી ગયા બાદ માત્ર 2 કલાકમાં 6 ઈંચ પાણી વરસી ગયું અને ત્યારબાદ વધુ 2 ઈંચ વરસાદથી આખુ શહેર પાણીમાં ગરક થયું હતું. શહેરમાં આવવા જવાના ચોતરફ રસ્તા બંધ થઈ ગયા હતા. પૂરનું જોર એટલું હતુ કે રાયજીબાગ, રાજલક્ષ્મીપાર્ક સહિત વજનદાર મોટરકારો મુખ્ય માર્ગો, શેરીમાં જ તણાવા લાગી હતી અનેક ભેંસો સહિત પશુઓ પાણીમાં તણાતા હોવાના દ્રશ્યો વાયરલ થયા હતા. નાગરિકો શેરી ઓળંગીને આવેલા ઘરે જવું પણ મૂશ્કેલ બની ગયું હતું.



ચોમાસાનાં એક માસમાં જ જ્યાં મોસમનો 125 ટકા વરસાદ વરસી ગયો છે તે જુનાગઢ જિલ્લામાં આ ઉપરાંત મેંદરડા અને વિસાવદરમાં મુશળધાર 7 ઈંચ, મેંદરડામાં 6 ઈંચ, કેશોદ અને વંથલી તાલુકામાં 5 ઈંચ, માણાવદર, ભેસાણમાં 2 ઈંચ સહિત સમગ્ર જિલ્લામાં વ્યાપક વરસાદથી સોરઠ પંથક સતત સુપડાધારે વરસાદથી જળતરબોળ રહ્યો છે. માર્ગ વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે, ટ્રેન વ્યવહાર પણ ખોરવાયો છે અને ખેતરોનું ધોધમાર ધોવાણ થયું હોય લીલા દુષ્કાળની ભીતિ સર્જાઈ છે. ખંભાળિયામાં પણ માત્ર 4 કલાકમાં ધોધમાર 7 ઈંચ વરસાદથી જળબંબાકાર સર્જાયો હતો. મહાપ્રભુજીની બેઠક પાસે ગાયોને નિરણ નંખાતા ગાયો ચરતી હતી ત્યારે 4 કલાકમાં 7 ઈંચ વરસાદથી આવેલા પૂરમાં ગાયો, વાછરડાં, ખુંડીયો સહિત 6 પશુઓ તણાયા હતા.



પૂલ ઉપરથી પાણી પસાર થયા હતા. અમરેલીમાં ચિત્તલ, જસવંતગઢ પંથકમાં બપોરે 1 થી 3 માત્ર 2 કલાકમાં આભ ફાટયું હોય તેમ 10 ઈંચ વરસાદ ખાબકતાં લોકોના ઘરમાં પાણી ઘુસ્યા હતા. વડિયા પંથકમાં તણાયેલ એક યુવાનનો મૃતદેહ આજે 1 કિ.મી.દૂરથી મળ્યો હતો. નવસારી અને જલાલપોરમાં શનિવારે સવારે આભ ફાટયું હોય તેમ સવારે માત્ર 4 કલાકમાં જ 10-10 ઇંચ વરસાદ ખાબકતા અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી જોવા મળતા જનજીવન અસ્તવ્યસ્ત થયું હતુ. શહેરના તમામ માર્ગો પાણીમાં ગરક થવા સાથે લોકોના ઘરો અને દુકાનોમાં 4 થી 5 ફૂટ પાણી ભરાતા ભારે નુકસાન સહન કરવું પડયું હતુ. કમ્પાઉન્ડ વોલ તુટી જતાં 350થી વધુ ગેસ સિલિન્ડરો તણાઈ ગયા હતા.



નવસારી ગ્રીડ પાસે નેશનલ હાઈવે નંબર-48 પર કેડસમા પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો હતો અને લાંબી લાંબી કતારો લાગી ગઇ હતી. ભારે વરસાદને કારણે પાણી ભરાતા જિલ્લામાં 72 માર્ગો બંધ કરવા પડયા હતા. ગુજરાતમાં આ ઉપરાંત ભારે વરસાદ ભરૂચનાં વાગરામાં 6 ઈંચ, વડોદરાનાં કરજણ અને સુરતનાં મહુવામાં 4-4 ઈંચ, સાણંદમાં અને વાપીમાં મોડી સાંજે અઢી ઈંચ, બોટાદમાં 5 ઈંચ ઉપરાંત ગાંધીનગરનાં દહેગામમાં મોડી સાંજે 2 ઈંચ, લીંબડી, અમીરગઢ, પલસાણા, સોજીત્રા 2 ઈંચ સહિત રાજ્યના કૂલ 251 તાલુકા પૈકી 135 તાલુકામાં રાત્રે 8 વાગ્યા સુધીમાં 1થી 12 ઈંચ વરસાદ સહિત કૂલ 221 તાલુકામાં વરસાદ નોંધાયો છે.



રાજ્યમાં આગામી 3 દિવસ ક્યાં ભારે વરસાદની આગાહી છે...

રવિવાર : સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગર, જુનાગઢ, જામનગર, દ્વારકા, કચ્છમાં ભારેથી અતિભારે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, છોટા ઉદેપુર, મહીસાગર, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદમાં ભારે.

સોમવાર : પોરબંદર, દ્વારકા, જુનાગઢ, કચ્છ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે થી અતિભારે. આણંદ, વડોદરા, સુરત, નવસારી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં ભારે.

મંગળવાર : પોરબંદર, દ્વારકામાં ભારે થી અતિભારે. આણંદ, ભરૂચ, સુરત, જામનગર, કચ્છમાં ભારે.



જયારે વધુમાં નવસારી ખાતે આઈ.એલ.ટી.સી.ની પરીક્ષા આપીને પિતા સાથે ઘરે જવા માટે નીકળેલો વીરસીંગ બોબીસીંગ લબાના (ઉ.વ.21, રહે.તલોઘ, બીલીમોરા) પાણી વધારે હોવાથી રાશિ મોલની બાજુમાં આવેલી નગરપાલિકાની શોપીંગ સેન્ટરના પગથિયાનાં સહારે પસાર થતાં હતા ત્યારે બંને પિતા-પુત્ર ધસમસતા જળપ્રવાહમાં ખાબક્યા હતા. પિતાને પકડવાનો આધાર મળતા લોકોએ તેમને સલામત બહાર કાઢ્યા હતા. પરંતુ પુત્ર વીરસીંગ લાપતા બન્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application