ઉત્તર પ્રદેશના હાથરસમાં નારાયણ સાકાર હરીના એક ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા ભક્તોની ભાગદોડને કારણે અત્યાર સુધીમાં ૧૦૦ લોકોનાં મોત થયા છે જોકે મૃતકોનો આંક હજુ પણ વધે તેવી આશંકા છે.મૃતકોમાં મોટાભાગે બાળકો, વૃદ્ધો અને મહિલાઓનો સમાવેશ થાય છે.
હાલ પ્રાપ્ત વિગતો અનુસાર હાથરસના ફૂલરઈ ગામમાં નારાયણ સાકાર હરીના આશ્રમમાં સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું.સત્સંગ માટે ખૂબ ઓછી જગ્યા હતી અને લોકોની ભીડ વધી ગઇ હતી. આ દરમિયાન થયેલી ભાગદોડને કારણે મોટી હોનારત સર્જાઈ છે.ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં આજે મંગળવારે નારાયણ સાકાર હરિના નામથી ખ્યાત ભોલે બાબાના કાર્યક્રમમાં લાખોની સંખ્યામાં ભક્તોની ભીડ એકઠી થઈ હતી.કાર્યક્રમના સ્થળ પર તંત્રની મંજૂરીથી વધુ સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા અને આ કાર્યક્રમ દરમિયાન જ ભાગદોડ મચી હતી.ઘાયલોને સારવારઅર્થે એટાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ મુદ્દે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન આદિત્યનાથે નોંધ લીધી છે તેમ જ મૃતકો અને ઘાયલ લોકો અંગે સંવેદના વ્યક્ત કરી છે. આદિત્યનાથ યોગીએ તમામ અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચીને તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી હાથ ધરવાનો આદેશ આપ્યો છે.મુખ્ય સચિવ મનોજ સિંહા અને ડીજીપી પ્રશાંત કુમાર ઘટનાસ્થળે પહોંચવા માટે રવાના થઈ ચૂક્યા છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર હાથરસમાં જે બાબાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો તેના પર ઘણા ગુનાહિત આરોપો લાગેલા છે. હાલ પ્રાપ્ત થતી વિગતો અનુસાર જેમનો સત્સંગ હતો તે બાબાનું નામ ભોલે બાબા છે. હવામાનને કારણે પંડાલમાં ખૂબ જ ભેજ અને ગરમી હતી અને તેના કારણે ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને આ ભાગદોડમાં ૧૦૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા.જેમના સત્સંગમાં આ દુર્ઘટના સર્જાય છે તેમનું નામ નારાયણ હરિ છે અને તેમના છેડા છેક રાજકારણ સુધી હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે.ઘણા પ્રસંગોમાં તેમને યુપીના અનેક દિગ્ગજ નેતાઓ સાથે જોવા મળ્યા છે.નારાયણ સાકાર હરિ મૂળ ઉત્તર પ્રદેશના એટા જિલ્લાના બહાદુર નગરી ગામના રહેવાસી છે.અહી જ તેમનું શિક્ષણ પૂર્ણ થયું છે અને બાદમાં તેમણે IB એટલે ગુપ્તચર વિભાગમાં ખૂબ જ લાંબો સમય નોકરી પણ કરી હતી અંતે તે આધ્યાત્મ તરફ વળ્યા હતા. આધ્યાત્મિક જીવનમાં વળ્યા બાદ તેને પોતાનું નામ પણ બદલી નાખ્યું હતું.
નારાયણ સાકર હરિ અન્ય ધાર્મિક બાબાઓની જેમ ભગવા વસ્ત્રો કે અન્ય પોશાકમાં જોવા મળતા નથી. નારાયણ હરિ ઘણીવાર સફેદ સૂટ, ટાઈ અને શૂઝ પહેરે છે અને કેટલીકવાર કુર્તા-પાયજામા પણ પહેરે છે. સાકર હરિ પોતે કહે છે કે તેમના કામકાજના દિવસોમાં તેમનું મન વારંવાર આધ્યાત્મિકતા તરફ દોડતું હતું, તેથી જ તેમણે નિઃસ્વાર્થ ભાવે સેવા કાર્ય શરૂ કર્યું હતું. સાકર હરીએ જણાવ્યું કે તેમણે ૧૯૯૦ના દાયકામાં પોતાની સરકારી નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું. તેમના સમાગમ કે સત્સંગમાં જે પણ દાન, દક્ષિણા કે અર્પણ કરવામાં આવે છે, તે પોતાની પાસે રાખતા નથી, પરંતુ અનુયાયીઓ માટે ખર્ચ કરે છે,
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500