ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાના ગામમાં ધાર્મિક કાર્યક્રમમાં ભાગદોડમાં સેંકડો લોકોનાં મોત થવાની સાથે અનેક લોકો ગંભીર રીતે ઘવાયા છે.સિકંદરારાઉ તાલુકાના ફુલરાઈ ગામમાં સાંજના સમયે એક ધાર્મિક કાર્યક્રમમાં અચાનક દોડધામ મચી ગઈ હતી, જેમાં અનેક મહિલાઓ ભોગ બની છે.આ મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્ય પ્રધાન આદિત્યનાથ યોગીએ દુખ વ્યક્ત કર્યું છે,જ્યારે મૃતકોના પરિવારને વળતર આપવાની જાહેરાત કરી છે.અત્યાર સુધીમાં મૃતકની સંખ્યા 122 થઈ છે, જ્યારે તેની સંખ્યામાં વધારો થઈ શકે છે એવી અધિકારીએ આશંકા વ્યક્ત કરી છે. એટા હોસ્પિટલની આસપાસ મૃતદેહો જોવા મળી રહ્યા છે. આ ઘટના અંગે એક સાક્ષીએ કહ્યું હતું કે સત્સંગનો કાર્યક્રમ પૂરો થયા પછી લોકોને બહાર નીકળવાની ઉતાવળ હતી. રસ્તો પણ પહોળો હતો નહીં. અચાનક અમને પાછળથી ધક્કો માર્યો અને ભાગદોડ મચી ગઈ.
એક યુવતીએ કહ્યું હતું કે અચાનક થયેલી ધક્કામુક્કીમાં અનેક લોકોને ઈજા પહોંચી છે. અમે સત્સંગમાં હતા. સત્સંગ પૂરો થયા પછી અચાનક લોકોએ ધક્કામુક્કી કરી હતી. રસ્તામાં જામ લાગ્યો હતો, જ્યાંથી બહાર નીકળવાની લોકોને જગ્યા મળી નહોતી. અન્ય એક યુવકે કહ્યું હતું કે અમે ખેતર તરફ આગળ વધી રહ્યા હતા, ત્યારે ઘણી બધી બાઈક હતી.હું અને મારી મમ્મી બહાર નીકળી રહ્યા હતા, પરંતુ પગ મૂકવાની જગ્યા નથી અને અચાનક બધા પડ્યા હતા. અમારી સાથે અન્ય એક મહિલાનું મોત થયું હતું. પગ મૂકવાની જગ્યા નહોતી, ત્યારે લોકોએ ધક્કામુક્કી કરતા લોકો અમારા ઉપર પડ્યા હતા. એ જ મારી મમ્મી પડી ગઈ હતી. બદાયુથી પરિવાર સાથે હાથરસ આવેલા સુરેશ નામના યુવાને કહ્યું કે ભાગદોડ પછી મારો ભાઈ અને પત્ની ગુમ છે. પરિવારના ગુમ સભ્યો અંગે માઈક લઈને જાહેરાત કરી છે, પરંતુ કોઈ મદદ મળી નહોતી.
જિલ્લા પ્રશાસને સામાન્ય લોકોની મદદ માટે હેલ્પલાઈન નંબર જારી કર્યો
પીડિતોને મૃત અવસ્થા, બેભાન અવસ્થામાં ટ્રક તથા અન્ય વાહનમાં સિકંદરારાઉ ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા. મૃતદેહોને આરોગ્ય કેન્દ્રની બહાર મૂકવામાં આવ્યા હતા, જ્યાં અનેક લોકો એકત્ર થઈ ગયા હતા. હાથરસ જિલ્લામાં થયેલી દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસને સામાન્ય લોકોની મદદ માટે હેલ્પલાઈન 05722227041 અને 05722227042 જારી કરી છે.
સહાય જાહેર કરી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાના સત્ર વખતે આ સમાચાર અંગે ખેદ વ્યક્ત કર્યો હતો. એની સાથે મૃતકોના પરિવારને બે લાખ અને ઘાયલ લોકોને સારવાર અર્થે પચાસ-પચાસ હજાર આપવાની જાહેરાત કરી હતી. દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી, અખિલેશ યાદવ, ચંપઈ સોરેન સહિત અન્ય રાજ્યના નેતાઓએ ધાર્મિક કાર્યક્રમ અંગે દુખ વ્યક્ત કર્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500