રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી હવામાન વિભાગની આગાહી પ્રમાણે વિવિધ જિલ્લાઓમાં કમસોમી વરસાદ વરસી રહ્યો છે. બે દિવસ પહેલા અમરેલી, ગીરમાં ધોધમારમાં વરસાદ વરસ્યા બાદ ગતરોજ રાત્રે અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો હતો. ગતરોજ અરવલ્લી જિલ્લાનાં ખેડૂતો પર આકાશમાંથી આફત વરસી હતી. અરવલ્લીમાં ગતરોજ પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે.
જોકે સવારે વાતાવરણમાં ઠંડક જોવા મળ્યા બાદ બપોર થતા વાદળછાયુ વાતાવરણ થયુ હતુ અને સાંજના સમયે ધોધમાર વરસાદ શરુ થયો હતો. જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા હતા. અરવલ્લી જિલ્લામાં આભમાંથી આફત સ્વરુપે કમોસમી વરસાદ વરસતા ઘઉં, ચણા, વરીયાળી સહિતના પાકને મોટા પાયે નુકસાન થયું છે.
જિલ્લામાં મેઘરજ, ભિલોડા સહિત અનેક જગ્યાએ વરસાદ વરસ્યો હતો. જિલ્લાના ખેડૂતોએ પાકમાં થયેલા નુકસાન સામે સરકાર પાસે વળતર આપવાની માંગ કરી છે. રાજ્યમાં હવામાન વિભાગે માવઠાની આગાહી કરી હતી તે મુજબ અનેક જિલ્લામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. આ કમોસમી વરસાદથી રાજ્યમાં અત્યાર સુધીમાં 5 લોકોએ જીવ ગુમાવ્યો છે. ગુજરાતમાં હાલ અનેક જિલ્લામાં માવઠું થયું છે. આ માવઠા વચ્ચે અનેક જગ્યાએ વીજળી પડવાની ઘટના બની હતી જેમા કુલ 5 વ્યક્તિએના મોત નિપજ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500