લાકડમાળમાં સ્કૂલના નવા બિલ્ડિંગના બાંધકામ માટે જમીન ફાળવાઈ હોવાની સચિવશ્રીએ માહિતી મેળવી કેન્દ્ર સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલયના સચિવશ્રી અનિલકુમાર ઝાએ ગતરોજ તા.૨૪ ઓગસ્ટે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના માલનપાડા ગામની એકલવ્ય મોડેલ રેસીડેન્સિયલ સ્કૂલ અને વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરની મુલાકાત લઈ નિરિક્ષણ કર્યુ હતું. સાથે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અંગે જરૂરી સૂચનો પણ કર્યા હતા. વલસાડ જિલ્લાની ઉડતી મુલાકાતે આવેલા સચિવશ્રી અનિલકુમાર ઝાએ ધરમપુરના માલનપાડા ખાતે બાવળી ફળિયામાં આવેલી એકલવ્ય મોડેલ રેસીડેન્સિયલ સ્કૂલની મુલાકાત લીધી હતી. આ સ્કૂલમાં ધો.૬ થી ૧૨ના ૧૬૪ કુમાર અને ૧૯૦ કન્યા મળી કુલ ૩૫૪ છાત્રો અભ્યાસ કરે છે. સચિવશ્રીની મુલાકાત વેળા લોબીમાં બેસીને વાંચન કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે તેમણે સંવાદ કર્યો હતો. કેટલાક વિદ્યાર્થીઓ વિજ્ઞાન વિષયના પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા હતા.
તે દરમિયાન સચિવશ્રીએ પ્રકાશના વક્રીભવન બાબતે જરૂરી સવાલ કરતા તેમનો પ્રત્યુતર વિદ્યાર્થીઓએ આપતા તેઓએ પ્રસન્નતા વ્યક્ત કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. ત્યારબાદ વિદ્યાર્થીઓનું રસોડુ (મેસ) અને બાયોલોજી તેમજ કેમેસ્ટ્રી લેબોરેટરીનું પણ નિરિક્ષણ કર્યુ હતુ. ધો.૧૨ સાયન્સના શિક્ષકોને પૂછયુ કે, તમે પ્રેકટીકલ કેવી રીતે કરાવો છો? મેડિકલમાં કેટલા વિદ્યાર્થીઓ જાય છે? વગેરે પ્રશ્નોની માહિતી મેળવી હતી. આચાર્ય પ્રવિણભાઈ ભોયા સાથે વિદ્યાર્થીઓની રહેવા અને જમવા સહિતની સવલતો અંગે ચર્ચા કરી હતી. ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી ગાંધીનગરના કાર્યપાલક નિયામક એસ.બી.વસાવાએ સચિવશ્રીને અત્રેની સ્કૂલનું મકાન જુનુ થયુ હોવાથી લાકડમાળમાં સ્કૂલના નવા બિલ્ડિંગના બાંધકામ માટે જમીન મળી છે તે બાબતે માહિતગાર કર્યા હતા.
સચિવશ્રીએ એકલવ્ય મોડેલ સ્કૂલની કામગીરી બાબતે સંતોષ વ્યકત કર્યો હતો. સચિવશ્રીએ ત્યારબાદ બાજુમાં આવેલા અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ સંચાલિત વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરની મુલાકાત લીધી હતી. આ સેન્ટરમાં ઈલેક્ટ્રીક, કેમિકલ પ્લાન્ટ ઓપરેટર, સિવિંગ મશીન ઓપરેટર, વેલ્ડિંગ અને કમ્પ્યુટર હાર્ડવેર સહિત કુલ ૧૧ ટ્રેડમાં યુવક અને યુવતીઓ મળી કુલ ૪૫૨ વિદ્યાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે. સેમિનાર હોલમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી પૂછયું કે, કેટલા મહિનાની ટ્રેનિંગ લો છો?, કયા ટ્રેડમાં છો?, કયાં વિસ્તારમાંથી આવો છો?, આ સેન્ટર વિશે તમને માહિતી કેવી રીતે મળી? અહીં રહેવા, જમવા માટેની સુવિધા કેવી છે? અને ભણવામાં મજા આવે છે? સહિતના પ્રશ્નો પૂછી સંવાદ કર્યો હતો.
ત્યારબાદ અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડના ટ્રસ્ટી સ્વાતિબેન લાલભાઈ સાથે પણ સચિવશ્રીએ વાર્તાલાપ કર્યો હતો. વિશેષમાં વીટીસીના આચાર્ય કેતનભાઈ ગુપ્તેને વિદ્યાર્થીઓના હિતમાં સૂચન કરતા જણાવ્યું કે, કમ્પ્યુટર અને નર્સિંગ કોર્ષના સ્ટુડન્ટોને તમે કમ્પ્યુટર શીખવો જ છો પરંતુ આ સિવાય અન્ય ટ્રેડના જે વિદ્યાર્થીઓ છે તેમના માટે પણ એક મોડ્યુલ બનાવી કમ્પ્યુટરનું બેઝિક નોલેજ અવશ્ય આપજો. જેથી તેઓને ઉપયોગી થઈ શકે. અંતે સચિવશ્રીએ વીટીસીની વ્યવસ્થા ચકાસી પોઝિટિવ ફીડબેક આપી વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500