Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ હજીરા ટર્મિનલની મુલાકાત લઈ રો-પેક્સ ફેરી સર્વિસ લોકાર્પણની તૈયારીઓની સમીક્ષા કરી

  • November 08, 2020 

કેન્દ્રીય શિપિંગ, કેમિકલ અને ફર્ટીલાઈઝર રાજ્યમંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયાએ હજીરા અદાણી પોર્ટ ટર્મિનલની મુલાકાત લઈ રો-પેક્સ ફેરી સર્વિસના લોકાર્પણની તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમણે 'સિમ્ફની વોયેજ' વેસલની જાતમુલાકાત લઈ ઉપલબ્ધ સુવિધાઓ અને કામગીરી નિહાળી હતી, લોકાર્પણની પૂર્વસંધ્યાએ શિપને અદ્દભૂત રંગબેરંગી લાઈટીંગથી સજાવવામાં આવ્યું હતું. તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. જેમાં તેમણે જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું. 

 

 

           મંત્રીશ્રીએ મીડિયાકર્મીઓ સાથે સંવાદ કરતાં જણાવ્યું હતું કે, રો-પેક્સ સેવા શરૂ થવાથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેનો ભૌગોલિક, સામાજિક અને વ્યાપારિક સંબંધ વધુ ગાઢ બનશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તા.૦૮મીએ હજીરાથી ભાવનગરના ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરી સેવાનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે, ત્યારે આ સુવિધાથી સુરતમાં વસતા લાખો સૌરાષ્ટ્રવાસીઓને જળમાર્ગે વતન સુધી જવા માટે ઓછો સમય લેતી અને સસ્તી આવાગમન સેવાનો નવો વિકલ્પ મળશે. ઘોઘા-હજીરા વચ્ચેનું માર્ગ અંતર લગભગ ૩૭૦ કિમી છે, જે ઘટીને સમુદ્ર રસ્તે માત્ર ૯૦ કિમી જેટલું થઈ જશે. સામાન્ય રીતે જમીન માર્ગે ૧૦-૧૨ કલાક લેતી હજીરા-ઘોઘા માર્ગ મુસાફરી રો-પેક્સથી ચાર કલાકમાં પૂરી કરી શકાશે. આ સુવિધા થકી રોડ પરનું ભારણ ઘટશે, ટ્રાફિક સમસ્યા હળવી બનશે, અકસ્માતોની સંખ્યા ઘટશે, મુસાફરી સસ્તી થશે અને ઇંધણની મોટી બચત થવાથી પર્યાવરણની જાળવણી થશે એમ તેમણે ઉમેર્યું હતું.

 

 

             શ્રી માંડવીયાએ જણાવ્યું કે, નવા કૃષિ કાયદામાં ખેડૂતોને દેશનું મુક્ત બજાર મળે તેની જોગવાઈ કરાઈ છે, ત્યારે સુરતના બજારમાં સૌરાષ્ટ્રનો કોઈ પણ ખેડૂત પોતાના ખેત ઉત્પાદનો માલવાહક વાહનોમાં ભરી રો-પેક્સ દ્વારા ઓછા સમયમાં પહોંચી શકશે અને સુરતની એ.પી.એમ.સી. અથવા મુક્ત બજારમાં વેચી શકશે. સુરતમાં વસતા ૨૦ લાખ સૌરાષ્ટ્રવાસીઓને વાર-તહેવારે, શુભ પ્રસંગો અને ખેતીવાડીના કામસર વર્ષ દરમિયાન અવારનવાર વતન જવાનું થતું હોય છે, જેઓને દિવાળીની ભેટ સમાન આ આવાગમન સુવિધાથી ખુબ ફાયદો થશે.

 

 

મંત્રીશ્રી સાથે ધારાસભ્યશ્રી હર્ષ સંઘવી, ઈ.કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.કે.કોયા, નિવાસી અધિક કલેકટરશ્રી એસ.ડી.વસાવા સહિત હજીરા પોર્ટ ટર્મિનલ, અદાણી પોર્ટ લિ., હજીરા તેમજ દીનદયાળ પોર્ટના અધિકારીઓ જોડાયાં હતાં.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application