Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 'CRS' એટલે કે સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી

  • October 30, 2024 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે 'CRS' એટલે કે, સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે. હવે આ એપની મદદથી જન્મ અને મૃત્યુ પ્રમાણપત્ર ઓનલાઈન અરજી કરીને મેળવી શકાશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ઓનલાઈન સુવિધાની મદદથી બંને પ્રકારના પ્રમાણપત્રો મેળવવામાં લાગતો સમય ઘટાડવામાં પણ મદદ મળશે. પ્રમાણપત્ર મેળવવા માટે યૂઝરે ઓનલાઈન રજિસ્ટ્રેસન કરવું પડશે. રજિસ્ટ્રેશન આ લિંક https://crsorgi.gov.in/web/index.php/auth/signUpની મદદથી કરી શકાશે. સાઈન અપ માટે યૂઝરે નામ, મોબાઈલ નંબર, ઈમેઈલ આઈડી, જન્મ અથવા મૃત્યુનો સમય અને એડ્રેસ સબંધિત જાણકારી આપવી પડશે. ઘરે જન્મની સ્થિતિમાં માતા-પિતા દ્વારા નિયત પ્રોફોર્મામાં એક ઘોષણાપત્ર આપવાનો રહેશે.


આ સાથે જ સરનામાનો પુરાવો આપવાનો રહેશે. તેના માટે વોટર આઈડી કાર્ડ, વીજળી બિલ, ગેસ બિલ, પાણીનું બિલ, ફોન બિલ, પાસપોર્ટ, રેશન કાર્ડ, આધાર કાર્ડ, બેંક એકાઉન્ટ જેવા દસ્તાવેજોમાંથી કોઈપણ એક આપી શકાય છે. હોસ્પિટલમાં જન્મની સ્થિતિમાં જાણકારી આપવાની જવાબદારી પરિવારની રહેશે નહીં. તેના માટે સંસ્થાના ડ્યુટી ઈન્ચાર્જને જન્મની જાણકારી સબંધિત રજિસ્ટ્રારને આપવાની રહેશે. જન્મ અંગેની જાણકારી 21 દિવસની અંદર આપવાની રહેશે. જો આમ ન કરી શકો તો માતા-પિતાએ સંબંધિત રજિસ્ટ્રાર પાસે જવું પડશે. જો 21 દિવસથી વધુ અને 30 દિવસથી ઓછા સમયનો વિલંબ થાય તો લેટ ફી અને નિયત પ્રોફોર્મામાં માહિતી એટલે કે ફોર્મ 1 આપવું પડશે.


જો વિલંબ 30 દિવસથી વધુ અને 1 વર્ષથી ઓછો હોય, તો ફોર્મ 1, નોન અવેલેબિલિટી સર્ટિફિકેટ એટલે કે ફોર્મ 10, લેટ ફી, એફિડેવિટ અને સંબંધિત સત્તાધિકારીની પરવાનગી સબમિટ કરવાની રહેશે. એક વર્ષથી વધુ વિલંબ થાય તો ફોર્મ 1, ફોર્મ 10, લેટ ફી, એફિડેવિટ અને ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ પાસેથી આદેશ મેળવવાનો રહેશે. ઘરમાં થયેલા મૃત્યુની માહિતી 21 દિવસની અંદર આપવાની રહેશે. આ માટે પરિવારના સભ્યોએ ઘોષણાપત્ર, ફોર્મ 2 દ્વારા જાણકારી અને મૃતકનું એડ્રેસ પ્રૂફ આપવાનું રહેશે. જો હોસ્પિટલમાં મૃત્યુ થશે તો તેની જવાબદારી ડ્યૂટી ઈન્ચાર્જને આપવાની રહેશે.


ખાસ વાત એ છે કે, મૃત્યુની જાણકારી ઘટનાના 21 દિવસની અંદર આપવાની રહેશે. જો આ સમય મર્યાદા પૂરી થઈ જાય, તો સંબંધિત રજિસ્ટ્રારનો સંપર્ક કરવાનો રહેશે. 21 દિવસથી વધુ અને 30 દિવસથી ઓછા વિલંબ માટે, લેટ ફી અને નિયત પ્રોફોર્મા એટલે કે ફોર્મ 2 દ્વારા જાણકારી આપવાની રહેશે. 30 દિવસથી વધુ અને 1 વર્ષથી ઓછા સમયના વિલંબ માટે ફોર્મ 2, નોન અવેલેબિલિટી સર્ટિફિકેટ એટલે કે ફોર્મ 10, લેટ ફી, એફિડેવિટ અને સંબંધિત સત્તાધિકારી પાસેથી પરવાનગી મેળવવાની રહેશે. જો એક વર્ષથી વધુ વિલંબ થાય તો ફોર્મ 2, ફોર્મ 10, લેટ ફી, એફિડેવિટ અને ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ પાસેથી આદેશ લેવાનો રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application