Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાત રાજ્યનાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંધવીનાં અધ્યક્ષસ્થાને લોન મેળા અંતર્ગત ચેક વિતરણ યોજાયો

  • March 06, 2023 

રમત-ગમત અને યુવક સેવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન અને સાંકૃતિક પ્રવૃતિઓ તથા રાજ્યકક્ષાનાં મંત્રી અને ગુજરાત રાજ્યના માન.ગૃહરાજ્યમંત્રી હર્ષ સંધવીનાં અધ્યક્ષસ્થાને તથા રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા અને તાપી જિલ્લા પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતીમાં તાપી જિલ્લાના વ્યારા સ્થિત ડૉ.શ્યામા પ્રસાદ ટાઉન હોલ ખાતે લોન/ધિરાણ કેમ્પ અંતર્ગત ચેક વિતરણ કાર્યક્રમ તાપી જિલ્લા પોલીસ અને જિલ્લા પ્રસાશન દ્વારા યોજાયો હતો. કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી ગૃહમંત્રીએ સૌને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, નાગરિકો પોતાની આર્થીક સમસ્યા ઝડપથી હલ કરવા વ્યાજ ખોરો પાસે જતા હોય છે.








જેમાં વ્યાજ ખોરો ભોળા નાગરિકોના વિશ્વાસનો ગેરફાયદો ઉઠાવી તેઓની સંપત્તિ ઝડપી લેતા હોય છે. ગુજરાતીઓ સ્વભાવે ભોળા અને વિશ્વાસ થી બનેલા છે. તેઓને આવા વ્યાજખોરોના ચંગુલથી બચાવવા અને પોલીસ અંગે પ્રવર્તમાન ગેર માન્યતા દુર કરવાનું બીડું ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની સરકારે ઉઠાવ્યું છે. જેમાં પ્રજા પોલીસના દ્વારે નહિ પરંતું પોલીસ પ્રજાની પડખે, પ્રજાને દ્વારે આવે છે. તેમણે પોલીસની કામગીરીની સરાહના કરતા ઉમેર્યું હતું કે, પોલીસે લીધેલુ કામ ક્યારેય અધુરૂ નથી રહેતું.








પોલીસે અનેક માતાઓના દિકરા બનીને તેઓના નાણા, ઘર, દાગીનાને વ્યાજ ખોરોથી બચાવ્યા છે. તેમણે ગુજરાત પોલીસ અને તાપી જિલ્લા પોલીસને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જાહેર જનતાને પણ આ દુષણ દુર કરવા આપ સૌની ભાગીદારી જરૂરી છે એમ આહવાન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ પ્રધાનમંત્રી સ્વનિધી યોજનાના માધ્યમથી અનેક લોકોના જીવન પરિવર્તનનું કામ કર્યું છે. આ યોજના સામાન્ય નાગરિકો માટે નવજીવન સમાન છે. તેમણે તાપી જિલ્લામાં પોલીસ તંત્રએ ૫૯૦ પરિવારોએ ૧૮ કરોડ ૭૩ લાખની લોન આપવામાં આવી છે એમ જણાવી આ કામગીરી માટે સૌને અભિનંદન પાઠવ્યા હતા.








તેમણે તાપી જિલ્લા પોલીસને ખાસ અભિનંદન પાઠવતા પારદર્શક રીતે યુવાનોને સરકારી નોકરી મળે તે અર્થે પરિક્ષાઓની તૈયારી કરાવવા નિ:શુલ્ક વર્ગો શરૂ કરવા બદલ સરાહના કરી હતી. વધુમાં ગુજરાત રાજ્યમાં પરીક્ષાના પેપરો ફુટે નહિ તે માટે કડક કાયદા કરવામાં આવ્યા છે. હવે નવા કાયદાઓ અનુસાર પેપર ફોડનારા જેલની બહારનો સુરજ ન જોશે એમ ખાત્રી આપી હતી. સંધવીએ નવા ચૂંટાયેલા પ્રતિનિધીઓનો ઉત્સાહ અદભુત છે એમ જણાવી તેઓના પ્રયાસો થકી ગૃહ વિભાગમાંથી તાપી જિલ્લામાં નવા ૧૧૦ સીસીટીવી કેમેરાઓ લાગશે એમ જાહેરાત કરી હતી. તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને જિલ્લા તંત્ર તાપી જિલ્લાના વિકાસ માટે આગળ છે એમ સરાહના કરી હતી.








તાપી જિલ્લામાં વિતાવેલી પોતાની રાજકિય કારકિર્દી સમયની યાદો વર્ણવતા વધુમાં ઉમેર્યું હતું કે, તાપી જિલ્લા પાસેથી ઘણું મેળવ્યું છે પરંતું તાપીને કઇક આપવાનો મોકો પહેલી વાર મળ્યો છે.  આ પ્રસંગે જિલ્લા પ્રભારીએ તાપી જિલ્લાનો ચિતાર આપતા વર્ણવ્યું હતું કે, તાપી જિલ્લાની પ્રજા ખુબ જ શાંતીપ્રિય છે. તેમણે જીઆઈડીસી કે અન્ય ઉદ્યોગો જેવાકે સી ફુડ પાર્ક તાપી જિલ્લામાં વિકસાવી સ્થાનિક નાગરિકોને રોજી રોટી મળે તે માટે ખાસ વિનંતિ કરી હતી. તેમણે તાપી જિલ્લાની યુવા શક્તિને સ્થાનિક કક્ષાએ રોજગારી મળે તે માટે આયોજન કરવા ખાસ અનુરોધ કર્યો હતો.








અંતે તેમણે સૌ નાગરિકોને વ્યારા સુગરના પ્રશ્ન અંગે આવતા 3 મહિનામાં સુગર શરૂ થશે એવા આયોજન અંગે જાણકારી આપી હતી. સુરત રેંજના એડીશનલ ડી.જી.પી. પિયુષ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કરતા ગુજરાત સરકારશ્રી દ્વારા કાયદેસર રીતે ઓછા ધિરાણે પૈસા મળી શકે તે માટે વિવિધ લાભો બેંકના માધ્યમ થકી અને સરકારી યોજનાઓ દ્વારા મળતા લાભ અંગે નાગરિકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે એમ જણાવ્યું હતું.  તેમણે છેલ્લા એક મહિનામાં તાપી જિલ્લામાં ૩૬૩ લાભાર્થીઓને ૬.૫ કરોડની લોન આપવામાં આવી છે એમ ઉમેર્યું હતું.








સ્વાગત પ્રવચન કરતા ડી.વાય.એસ.પી સી.એમ.જાડેજાએ લોન મેળા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, તાપી જિલ્લા નૈસર્ગિક સંપદાથી ભરપુર છે. જેમાં નાગરિકોની નાણાકિય જરૂરીયાત સંતોષાય અને લોકો વ્યાજખોરીનો ભોગ ન બને તે માટેની ઝુંબેશ ગુજરાત સરકાર અને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા હાથ ધરાયેલ છે.  આ મુહિમને પ્રજાની વચ્ચે લઇ જઇ સરકાર પ્રજાને દ્વારના લક્ષ્ય સાથે તાપી જિલ્લા દ્વારા સરાહનિય કામગીરી કરવામાં આવી રહી છે.







આ પ્રસંગે લોન મેળાના લાભાર્થી વ્યારાના રહેવાસી બાલક્રિશ્નન ભૈયા તથા આંબિયાના અર્ચના ગામીતે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ મળેલ લોન અંગે પોતાના અનુભવો વર્ણવ્યા હતા. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે ૧૦ નાગરિકોને આજે પ્રતિકાત્મક રૂપે લોનની મંજુરી અંગેના પત્રો અને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. આ લોન મેળામાં જુદી જુદી બેંકોના સ્ટોલો લગાવવામાં આવ્યા હતા. જેથી કરી લોન વાચ્છુકો  પોતાની મનપસંદ બેંકમાંથી લોન માટે અરજી કરી શકે, તથા મુઝવતા સવાલો વગેરે પણ કરી શકે તથા જેમા જે તે બેંક શાખાના માહિતીસભર પેમ્પલેટ્સ પણ વિતરણ કરવામાં આવ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઇ ગામીતે કર્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application