સુરત શહેરનાં ઉધના પોલીસે ઉધના રેલવે સ્ટેશન બહારથી 14 કિલોગ્રામ ગાંજા સાથે બે ઉડિયા યુવકોને ઝડપી પાડી તેમની પાસેથી ગાંજો ઉપરાંત બે મોબાઈલ ફોન, રોકડા રૂ.1100 વિગેરે મળી કુલ રૂ.1.67 લાખનો મુદ્દામાલ કબજે કરી ગાંજો મંગાવનાર ભેસ્તાનના ઓડિશાવાસી અને મોકલનાર ગંજામના વતનીને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઉધના રેલવે પોલીસ ચોકીની સામે ઉધના રેલવે સ્ટેશન પાર્કીંગ ગેટની બહાર રોડ ઉપરથી રૂ.1.46 લાખની મત્તાના 14 કિલો 60 ગ્રામ ગાંજાના જથ્થા સાથે જી.મીટ્ટુ જી.લોકનાથ પાત્રા (ઉ.વ.36) અને કે.રબિન્દ્ર નારાસિંહ પાત્રા (ઉ.વ.39) (બંને રહે.શિવનગર સોસાયટી, સચીન, સુરત. મૂળ રહે.ગંગનાપુર ગોલાસાંઈ જાડબઈ, તા.પુરુષોત્તમનગર, જી.ગંજામ, ઓડિશા)ને ઝડપી પાડી તેમની પાસેથી ગાંજો ઉપરાંત રૂ.20 હજારની મત્તાના બે મોબાઈલ ફોન, રોકડા રૂ.1100, આધારકાર્ડ અને બે રેલવે ટિકિટ સાથે ઝડપી લીધા હતા.
પોલીસે તેમની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેઓ સુરતમાં મજૂરીકામ કરે છે,પણ છેલ્લા કેટલાક સમયથી વતનમાં બકરી ચરાવવાનું કામ કરતા હતા. તેમને સુરત ગાંજો પહોંચાડવા માટે એક ટ્રીપના વ્યક્તિ દીઠ રૂ.10 હજાર આપવાનું કહેતા તેઓ ગંજામના કોદલાના બાબુલા પાસેથી ગાંજો લઈ સુરતમાં ભેસ્તાનમાં રહેતા મૂળ કોદલાના ભેરુગા વાડીગામના કાલુને આપવા પુરી ગાંધીધામ ટ્રેનમાં સુરત આવવા નીકળ્યા હતા. ટ્રેનને ઉધના સ્ટોપેજ નહોતું પણ સિંગ્નલ નહીં મળતા ટ્રેન ઉધના સ્ટેશને ઉભી રહેતા બંને ઉતરી ગયા હતા. ઉધના પોલીસે તેમના વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરી ગાંજો મંગાવનાર ભેસ્તાનના કાલુ અને મોકલનાર ગંજામના બાબુલાને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500