Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલીનાં આફવા ગામેથી ગૌમાંસનાં જથ્થા સાથે બે ઈસમો ઝડપાતા કાર્યવાહી કરાઈ

  • June 12, 2024 

બારડોલીમાં ગૌમાંસ વેચાણ કરાતું હોવાની વાતો સાથે બારડોલીનાં ગૌ રક્ષકો દ્વારા વોચ ગોઠવાતા મોડી રાત્રે તાલુકાના આફવા ગામની સીમમાંથી મોપેડ ઉપર વહન કરાતો 17 કી.ગ્રા ગૌમાસનો જથ્થો ઝડપાયો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નવસારીના ડાભેલ ગામેથી બારડોલીનાં વાંકાનેર ગામના બે ઈસમો તેઓની મોપેડ ઉપર ગૌમાંસનો જથ્થો ભરી બારડોલીના આશિયાના નગર વિસ્તારમાં વેચાણ કરવા આવનાર છે. જે બાતમીનાં આધારે ગૌ રક્ષકોએ બારડોલી તાલુકાના આફવા ગામની સીમમાં વોચ ગોઠવતા તેઓને બાતમી મુજબની ઍક્સેસ મોપેડ નંબર GJ/05/SN/9186 આવતી જોવા મળી હતી.


જેથી ગૌ રક્ષકોએ તેમને ઈશારો કરી રોકવાનો પ્રયાસ કરતા મોપેડ ઉપર બેઠેલા બે ઈસમો બારડોલી તરફ ભાગી છૂટ્યા હતા. પોતાની સાથેના વાહનોમાં ગૌ રક્ષકોએ પીછો કરતા ભાગેડુ ઈસમો આફવા ગામના પટેલ ફળિયા તરફ હંકારી ગયા હતા. આ સમયે ભારે બુમાબુમ અને હો હા થતા મોપેડ ચાલકોએ ફરી ભાગી છૂટવાની પેરવી કરતા મોપેડ ઉપર મૂકેલું પોટલું છૂટી જતા નાના નાના પેકેટ રોડ ઉપર ફેલાયા હતા. ભારે હોબાળા વચ્ચે બારડોલી પોલીસને જાણ કરાતા ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મોપેડ ઉપર બેઠેલા ફારૂક મુસાજી કયાત તથા ગુલામ મુસાજી સુરતી (બંને રહે.વાંકાનેર ગામ, તા.બારડોલી)ને અટકાયતમાં લીધા હતા.


પોલીસે તપાસ કરતા રસ્તા ઉપર વેરાયેલા પેકેટો અને મોપેડની ડીકીમાં તપાસ કરતા મળી આવેલા પેકેટો ગૌમાસ જેવા જણાયા હતા. બંને ઈસમો આશરે 17 કી.ગ્રા કથિત ગૌમાંસનો જથ્થો અને મોપેડ બારડોલી રૂરલ પોલીસ મથકે લઈ જવાયો હતો. તમામ જથ્થો રૂપિયા 56,700/- કબ્જે કરી બારડોલી પોલીસે ઝડપાયેલા જથ્થાનું એફ.એસ.એલ પરીક્ષણ કરાવવાની તજવીજો શરૂ કરી હોવાનું જાણવા મળે છે. બીજી તરફ ગૌમાંસનો જથ્થો બંને ઈસમો 100, 100 ગ્રામની પેકેટો બનાવી બારડોલીના આશિયાના નગરમાં વેચાણ કરવા માટે આવ્યા હોવાની કબૂલાત પણ કરી હતી. જોકે આશિયાના નગરમાં કોણ ગૌમાંસ ખરીદી કરે છે. તે બાબતે હજુ કોઈ કબૂલાત પકડાયેલા આરોપીઓ દ્વારા કરવામાં આવી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application