ભરૂચનાં પાલેજની સીટી પોઈન્ટ હોટલ પાસેથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતો રૂપિયા 69 લાખનાં વિદેશી દારૂનાં મુદ્દામાલ સાથે બે ઇસમો ઝડપાતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, ભરૂચ એલ.સી.બી.નો સ્ટાફ આગામી રથયાત્રાનાં તહેવારને ધ્યાનમાં રાખી સ્પેશયલ પ્રોહીબીશન ડ્રાઈવના પેટ્રોલીંગમાં પાલેજ વિસ્તારમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, સુરતથી વડોદરા તરફ ટ્રક નંબર MH/12/LT/5918માં વિદેશી દારૂનો જથ્થો ભરી બે ઈસમો જઈ રહ્યા છે.
જે બાતમીનાં આધારે ભરૂચ એલ.સી.બી.નાં હેડ કોન્સ્ટેબલને સહિતનો સ્ટાફ પાલેજની સીટી પોઈન્ટ હોટલ પાસે વોચ ગોઠવી ઉભો હતો. તે દરમિયાન બાતમી વાળી ટ્રક આવતા પોલીસે તેને અટકાવી અંદર રહેલ ડીજી સેટ જનરેટરનાં પ્લાયના બોક્સમાં સંતાડેલ વિદેશી દારૂની 69,696 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 69 લાખનો દારૂ અને 2 નંગ મોબાઈલ તેમજ ટ્રક મળી કુલ રૂપિયા 81 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મધ્યપ્રદેશના બાલસમદ મેજરપુર કોલોની નુરાની મસ્જીદ પાસે રહેતો ટ્રક ચાલક મોસીનખાન સિરાજખાન મેવાતી અને ક્લીનર રવિ કમલેશ ડામરાને ઝડપી પાડયો હતો.
જયારે ઝડપાયેલ બંનેની પોલીસે પુછપરછ કરતા મધ્યપ્રદેશનાં બાલસમદનાં આરીફખાન રહેમાનખાન અને તેના ભાણેજે ગોવાથી વિદેશી દારૂનો જથ્થો ભરી આપી વડોદરાની ગોલ્ડન ચોકડીથી હાલોલ રોડ ઉપર હોટલ કે ગામમાં લઇ જવાનું કહ્યું હોવાની કબુલાત કરી હતી. આમ, પોલીસે વિદેશી દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર સહીત ચાર ઈસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500