Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહુવાનાં અનાવલ ખાતેથી ૨૫૦ ગુણીમાં શંકાસ્પદ નીમકોટેડ યુરિયાનાં જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

  • March 18, 2023 

સુરત જિલ્લાનાં મહુવા તાલુકાના અનાવલ ખાતે બિરસા મુંડા સર્કલ પાસેની ચેકપોસ્ટ પર મહુવા પોલીસના ચેકિંગ દરમિયાન ચીખલી તરફ જઈ રહેલા એક આઈશર ટેમ્પામાં ૪૫ કિ.ગ્રા વાળી ૨૫૦ બેગોમાંથી સબસિડીયુક્ત ખેતવપરાશ માટેના રૂ.૬૬,૬૨૫ ના મૂલ્યનો શંકાસ્પદ નીમકોટેડ યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો હતો. મહારાષ્ટ્રનાં નંદુરબાર જિલ્લામાંથી નીમકોટેડ યુરિયાનો જથ્થો બિલીમોરા લઈ જનાર ડ્રાઈવર અને ક્લીનરની અટકાયત કરવામાં આવી છે. મહુવા પોલીસે બનાવ સંદર્ભે નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)ને જાણ કરતા આ કચેરી દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.






પ્રાપ્ત વિગતો અનુસાર તા.૧૪/૦૩/૨૦૨૩ના રોજ મહુવા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના અનાર્મ પોલીસના જવાનો બિરસા મુંડા સર્કલ પાસે વાહન ચેકીંગ કરી રહ્યા હતા, તે દરમિયાન સાંજે ૫.૩૦ વાગે અનાવલથી ચીખલી તરફ જતો એક ભુખરા રંગના આઈશર ટેમ્પા નંબર એમએચ/૧૮/બીઝેડ/૭૮૩૧નું ચેકીંગ કરતા ૨૫૦ જેટલી ગુણીમાં નીમકોટેડ યુરીયા ખાતરનો જથ્થો મળી આવ્યો હતો. ટેમ્પાચાલક વિજય ભગવાનભાઈ બાગુલ (પાટીલ) રહે. ડોંગારવાવ, તા.શાહદા, જિ.નંદુરબાર(મહારાષ્ટ્ર) અને ક્લીનર કિરણ સંતોષ પાટિલ, રહે.જખાની, તા.શિંદખેડા, જિ.ધુલિયા (મહારાષ્ટ્ર)ની સઘન પૂછપરછ કરતા તેઓ પાસે બિલ ન હોવાનું જણાયું હતું.






આ જથ્થો બિલીમોરા ખાતે આપવાનો હોવાનું તથા આ જથ્થો મહારાષ્ટ્રના નંદુબાર જિલ્લાના શાહદા તાલુકાના ડોંગારગાંવ ગામના યોગેશભાઈ બાગુલ(પાટીલ) પાસેથી લાવ્યાનું ખુલ્યું હતું. આ શંકાસ્પદ ખાતરનો જથ્થો જે ખેતીના ઉપયોગની જગ્યાએ અન્ય કે ઔદ્યોગિક વપરાશ કરવામાં આવતો પ્રાથમિક દ્રષ્ટિએ જણાયું છે. જેથી બંને આરોપીઓની ધરપકડ કરી મહુવા પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા હતા. આમ શંકાસ્પદ રાસાયણિક યુરીયા એક ગુણની રૂ.૨૬૬.૫૦(સબસિડીયુક્ત ભાવ) લેખે કુલ ૨૫૦ ગુણની કિમત રૂ.૬૬,૬૨૫ સાથે મુદ્દામાલ મહુવા પોલીસની કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે.






પ્રાથમિક દ્રષ્ટિએ જોતા ઈફ્કો યુરિયા ૪૬ ટકા નીમ કોટેડ તેમજ નર્મદા બાયોકેમ લિ.-અમદાવાદ દ્વારા ઉત્પાદિત થયેલ યુરિયા ૪૬ ટકા નીમકોટેડ ખેતીમાં વપરાતા ખાતરનો જથ્થો ઔદ્યોગિક હેતુસર વપરાશ કરતા હોવાનું જણાયું છે. ખાતરના ટેસ્ટીંગ માટેના નમુના લઈ બારડોલી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. બનાવ સંદર્ભે મહુવા તાલુકાના ખેતી અધિકારી કોમલબેન ચૌધરીએ ગેરકાયદેસર રીતે રાસાયણિક યુરીયાની હેરફેર બદલ મહુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application