Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મુખ્યમંત્રી મમતા બેનરજીનું મોટું એલાન : કેન્દ્રનો વક્ફ બિલ કાયદો પશ્ચિમ બંગાળમાં લાગુ કરવામાં નહીં આવે

  • April 09, 2025 

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીનું મોટું એલાન કર્યું છે. તેમણે કહ્યું કે, ‘કેન્દ્રનો વક્ફ બિલ કાયદો પશ્ચિમ બંગાળમાં લાગુ કરવામાં નહીં આવે.’ હું લઘુમતી લોકો અને તેમની સંપત્તિનું રક્ષણ કરીશ.' કોલકાતામાં જૈન સમુદાયના એક કાર્યક્રમમાં મમતા બેનરજીએ કહ્યું કે, 'મને ખબર છે કે તમે વક્ફ કાયદાના અમલીકરણથી દુ:ખી છો. પરંતુ વિશ્વાસ રાખો બંગાળમાં એવું કંઈ નહીં થાય જેનાથી કોઈ ભાગલા પાડીને શાસન કરી શકે. બાંગ્લાદેશની પરિસ્થિતિ જુઓ. વક્ફ સુધારા બિલ હમણાં પાસ નહોતું કરવાનું. પશ્ચિમ બંગાળમાં વક્ફ (સુધારા) બિલ લાગુ નહીં થાય.’ વક્ફ સુધારા બિલ ગત ગુરુવારે લોકસભામાં અને શુક્રવારે રાજ્યસભામાં પાસ થયું હતું.


શનિવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બિલને પોતાની સંમતિ આપી હતી તેથી હવે તે કાયદો બની ગયો છે. કાયદાની તરફેણમાં સરકારે દલીલ એ છે કે, તેનાથી જમીન સંબંધિત વિવાદોમાં ઘટાડો થશે. વક્ફ બોર્ડનું કામ કાર્યક્ષમ, પારદર્શક અને જવાબદાર રહેશે. બીજી તરફ બંગાળના મુર્શિદાબાદમાં વક્ફ સુધારા કાયદાના વિરોધ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. ભાજપે મુખ્યમંત્રી મમતા બેનરજી પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગઈ છે. તમને જણાવી દઈએ કે, મુર્શિદાબાદ જિલ્લાના જંગીપુર વિસ્તારમાં વક્ફ સુધારા કાયદા વિરુદ્ધ હિંસા ભડકી ઉઠી છે.


પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. તેમાં તેમણે દાવો કર્યો હતો કે, 'કેટલાક અસામાજિક તત્વો જાહેર સંપત્તિને સળગાવી રહ્યા છે. તેઓ પોલીસ વાહનોને ફૂંકી રહ્યા છે. વિરોધના નામે અરાજકતા ફેલાવવામાં આવી રહી છે.' સુવેન્દુ અધિકારીએ બંગાળ સરકાર પર વોટ બેંકની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે આ વિસ્તારમાં કેન્દ્રીય દળો તહેનાત કરવાની માંગ ઉઠાવી અને રાજ્યના મુખ્ય સચિવ અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયને હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે. ભાજપના નેતા અમિત માલવિયાએ મુર્શિદાબાદ જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશને પણ પોસ્ટ કર્યો છે. આદેશ હેઠળ અહીં BNSSની કલમ 163 હેઠળ પ્રતિબંધિત આદેશો લાદવામાં આવ્યા હતા. જાહેર સ્થળો પર પાંચ કે તેથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ રહેશે. આદેશ પ્રમાણે પ્રતિબંધક આદેશ 48 કલાક સુધી અમલમાં રહેશે. આ દરમિયાન જંગીરપુર વિસ્તારમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application