મનિષા એસ. સુર્યવંશી/તાપી : ઉચ્છલનાં માણેકપુર ગામની સીમમાંથી પસાર થતાં ઉચ્છલ-નિઝર હાઇવે રોડ ઉપર પૂરઝડપે પસાર થતાં એક ટેન્કરનાં ચાલકે સામેથી આવતી બાઈકને ટક્કર મારતાં બાઈક સવાર દંપતી અને તેના પુત્ર પૈકી પિતા-પુત્રનું મોત નીપજ્યું હતું, જ્યારે મહિલાને ઇજા થતાં સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. મળતી માહિતી મુજબ, મૂળ ઉચ્છલ તાલુકાનાં કાટીસકુવા ગામનાં રહેવાસી એવાં શુકરિયાભાઈ નંદુરીયાભાઈ કાથુડ (ઉ.વ.32) સુરત નજીક કામરેજ ખાતે પત્ની મથુરાબેન અને પુત્ર સાથે મજૂરી કામ માટે ગયાં હતાં.
જોકે મંગળવારનાં રોજ 15મી ઓગસ્ટ હોય રજા હોવાથી તેઓ પોતાના કબ્જાની બાઈક નંબર GJ/26/AD/5105 પર પત્ની મથુરાબેન કાથુડ અને પુત્ર અર્જુન કાથુડ (ઉ.વ.16)ને બેસાડી વતનનાં ગામે આવવા માટે વ્હેલી સવારે નીકળ્યાં હતાં. તે દરમિયાન બારડોલી સોનગઢ અને ઉચ્છલ થઈ પોતાના ગામ તરફ જઈ રહ્યાં હતાં ત્યારે ઉચ્છલ નિઝર સ્ટેટ હાઇવે પર આવેલા માણેકપુર ગામની સીમમાં સામેથી પૂરઝડપે આવતી એક ટેન્કર નંબર DN/09/S/9900નાં ચાલકે પોતાનું વાહન પુરઝડપે ગફલતભરી રીતે હંકારી સ્પેલન્ડર બાઈકને જોરદાર ટક્કર મારતાં બાઈક સવાર ત્રણે વ્યક્તિઓ રોડ પર ફેંકાઈ ગયાં હતાં અને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જોકે આ અકસ્માત થતાં સ્થાનિક લોકો દોડી આવ્યાં હતાં અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.
જયારે આ અકસ્માતમાં બાઈકની પાછળ બેસેલ પુત્ર અર્જુનને માથામાં અને શરીરે ગંભીર ઇજા પહોચતા સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે બાઈક ચાલક શુકરિયાભાઈ કાથુડને પણ માથામાં ગંભીર ઇજા થવાથી સારવાર અર્થે ઉચ્છલ સરકારી દવાખાને ખસેડાયા હતાં જ્યાં સારવાર દરમિયાન તેમનું પણ મોત થયું હતું, જયારે મથુરાબેનને સામાન્ય ઇજા સાથે બચાવ થયો હતો. બનાવ અંગે અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલ અજાણ્યા ટેન્કર ચાલક સામે નંદર્યાભાઈ રવજીભાઈ કાથુડ નાંએ ઉચ્છલ પોલીસ મથકે ગુનો દાખલ કરાવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500