ભરૂચ જિલ્લામાં ગુરૂપૂર્ણિમાનાં દિવસથી સોમવાર સુધીના 18 કલાકમાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. જોકે આ 18 કલાકમાં અંકલેશ્વર તાલુકામાં સવા પાંચ ઇંચ, વાલિયામાં સાડા ત્રણ ઇંચ, ભરૂચ નેત્રંગ અને ઝઘડિયામાં અઢી ઇંચ, હાંસોટમાં બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. મુશળધાર વરસાદ પડતા અંકલેશ્વરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. અંકલેશ્વરમાં વરસાદને કારણે કેટલીક શાળાઓએ બપોર બાદ નીચાણવાળા વિસ્તારમાં રહેતા બાળકોને રજા આપી દીધી હતી.
બે દિવસના વરસાદથી બલદેવા ડેમ ૯૫ ટકા પાણી ભરાતા ઓવરફલો સપાટીની નજીક આવી ગયો છે. પીંગોટ ડેમ ૫૫.૭૧ ટકા અને ધોલી ડેમમાં ૮૪.૧૨ ટકા પાણી સંગ્રહ થયો છે. હવામાન વિભાગે ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે જેને લઈને વહીવટી તંત્ર સતર્ક થઇ થયું છે. ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક મુશળધાર મેઘ મહેર થતા નદી નાળા અને તળાવોમાં પાણી આવી ગયા છે. રવિવારે રાત્રે જ સાંબેલાધાર વરસાદથી ખાસ કરીને અંકલેશ્વર અને ભરૂચ શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રવિવાર અને સોમવારે 18 કલાકમાં જ અંકલેશ્વરમાં સવા પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો.
ભરૂચ નગરમાં વરસાદને લઈને સેવાશ્રમ રોડ અને કસક વિસ્તારમાં પાણી ભરાયા બાદ થોડા સમયમાં તેનો નિકાલ થઇ ગયો હતો. ભારે વરસાદને લઈને અંકલેશ્વર શહેરમાં ગોલવાડમાં એક જર્જરિત મકાનનો આગળનો ભાગ ધરાશાયી થયો હતો જોકે કોઈ જાનહાની કે ઈજા થઇ ન હતી. અંકલેશ્વરમાં જલારામનગર સોસાયટી અને રાજેશનગર સોસાયટીના મેઈન રોડ પર પાણી ભરાયા હતા. તેમજ સંજયનગર સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500