ગુજરાતમાં ચોમાસું જામી ગયું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં ભાગોમાં મેઘરાજા ધોધમાર વરસી રહ્યાં છે. ત્યારે રાજ્યમાં આગામી ચાર દિવસ સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આજે સવારથી જ અમદાવાદના વિવિધ ભાગોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. નોંધનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યનાં 191 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ ભાવનગરના મહુવામાં પોણા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે ગુજરાતમાં હવામાન વિભાગે અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. ત્યારે હવે અમદાવાદનાં અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારમાં મેઘરાજાએ સટાસટી બોલાવી છે. સુરતમાં તો મુશળધાર વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય જતા શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
રાજ્યમાં અનેક જિલ્લામાં વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે બપોરે એક વાગ્યા સુધીમાં 8 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમા સૌરાષ્ટ્રનાં ચાર જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમા ભાવનગર, રાજકોટ, અમરેલી અને બોટાદનો સમાવેશ થાય છે. આ સાથે નવસારી, વલસાડ, સુરત અને તાપીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આજે સવારથી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સવારનાં 8 વાગ્યા સુધીમાં 77 તાલુકામાં વરસ્યો છે. જેમાં સૌથી વધુ વલસાડ જિલ્લાનાં વાપીમાં બે કલાકમાં 4 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. વાપીમાં 3.9, મહુવા (સુરત)માં 1.9, સંખેડામાં 1.7, બોડેલીમાં 1.6, સુરત શહેરમાં 1.3, ધોરાજીમાં 1.3, ઉમરગામમાં 1.3, ભરૂચમાં 1.2 ઇંચ વરસાદ ખાબક્યો છે. આજે હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં વરસાદ શરૂ થયો છે.
એસ.જી હાઈવે, પ્રહલાદ નગર, મકરબા સહિતના વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. સુરત અને વલસાડમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત નવસારી શહેર સહિત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. વાવણી લાયક વરસાદ આવતાં ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. અમરેલી જિલ્લામાં ગતરોજ સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બાબરા, લીલીયા, બગસરા તાલુકામાં ધોધમાર વરસાદ છે. ખાંભા શહેર અને ગામડાઓમાં વરસાદ છે. લાઠી શહેર અને આસપાસના ગામડાઓ તાજપર, રામપુર સહિતના વિસ્તારમાં વરસાદ છે. કુકાવાવના અમરાપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે ધોરાજીમાં વહેલી સવારથી જ વરસાદનું આગમન થયુ છે.
વીજળીનાં કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયુ છે. ધોરાજીના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો, જેમા સુપેડી, નાની વાવડી, મોટી વાવડી અને તોરણિયા સહિતના ગામોમાં મેઘમહેર થઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 191 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ ભાવનગરના મહુવામાં પોણા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. જામનગરના ધ્રોલમાં 2.5 ઈંચ વરસાદ થયો છે. વલસાડના ઉમરગામ અને ભરૂચના વાગરામાં 2 ઈંચથી વધુ વરસાદ થયો છે. જ્યારે 31 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ થયો છે. રાજ્યમાં સિઝનનો સરેરાશ 9.25 ટકા વરસાદ થયો છે. સૌથી વધુ કચ્છમાં 14.60 ટકા વરસાદ થયો છે. બીજી તરફ ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 4.24 ટકા વરસાદ પડ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500