Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Top 10 news : ખાસ તમારે જાણવા જેવી આજની મહત્વની ખબરો તા.૨૫ જુલાઈ ૨૦૨૪

  • July 25, 2024 

ક્રાઇમ બ્રાન્ચની સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ ચાર્જશીટ રજૂ કરાઈ, 15 આરોપી સામે એક લાખથી વધુ પાનાંની ચાર્જશીટ : રાજકોટ શહેરમાં બાળકો સહિત 27 નિર્દોષ લોકોનો ભોગ લેનાર શહેરના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડને આજે બે મહિના પુરા થયા છે ત્યારે ગઈકાલે બુધવારે ક્રાઇમ બ્રાન્ચની સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ (એસઆઈટી) દ્વારા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. ઇન્વેસ્ટિગેશન ઓફિસર ACP ક્રાઈમ ભરત બસિયા દ્વારા 15 આરોપી સામે એક લાખથી વધુ પાનાંની ચાર્જશીટમાં 365 જેટલા સાહેબોના નિવેદન તેમજ 15 હજારથી વધુ પાનાંના દસ્તાવેજી પુરાવા મૂકવામાં આવ્યા છે. આજે 25મી જુલાઈના રોજ રાજકોટ અગ્નિકાંડને 60 દિવસ પૂર્ણ થયા છે.


કોંગ્રેસની “હાથથી હાથ જોડો” યાત્રા : સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક છે ત્યારે કોંગ્રેસ ગુજરાત આખામાં સક્રિય પણે ચૂંટણી કાર્યમાં લાગી હોય તેવું લાગે છે.આજરોજ તારીખ 25/7/24/ના સવારે 11 કલાકે બનાસકાંઠા જિલ્લાના વડગામ ખાતે “હાથથી હાથ જોડો” સમિતિ પ્રદેશ પ્રમુખ ઇન્દ્રનીલભાઈ રાજગુરુના પ્રમુખ સ્થાને ત્રિવિધ કાર્યક્રમ યોજાયો જેમાં સમગ્ર જિલ્લામાં ન્યાય યાત્રાનો રથ ફરશે. જેને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને હાથ થી હાથ જોડો સમિતિના હોદેદારો દ્વારા લીલી ઝંડી આપી હતી.વડગામ ખાતે ગામમાં સરકારની નિષ્ફળતાની પત્રિકા ઓ વહેચી હતી તેમજ જીલ્લા પંચાયતની ચૂંટણીના શ્રી ગણેશ કર્યા હતા. આ પ્રસંગે પ્રદેશ સમિતિમાંથી હાથથી હાથ જોડોના પ્રદેશના હોદ્દેદાર ઇન્દ્રનીલ રાજગુરુ ભેમાભાઈ ચૌધરી, વશરામભાઈ સાગઠીયા, હરેશભાઈ કોઠારી, મનોજભાઈ ભુપ્તાણી બેન તેમજ બનાસકાંઠા જિલ્લાના પ્રમુખભરત સિંહજી વાઘેલા વડગામ તાલુકા પ્રમુખ અશોકભાઈ પઠાણ રફીક પઠાણે બનાસકાંઠામાં અન્ય તાલુકાના પ્રમુખોએ હાથથી હાથ જોડોના જિલ્લા પ્રમુખ ભરતભાઈ કરેણ ડામરજીભાઈ રાજગોર રાજેશભાઈ સહિત અનેક આગેવાનો હાજર રહ્યાં હતાં. આમ વડગામ ખાતેથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તથા રથનો પ્રારંભ કર્યો હતો.

વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી વટાવી શકે : વડોદરા શહેરમા ગઈકાલે આઠ ઈંચથી વધુ વરસાદ વરસયો હતો જેના કારણે આજે શાળા કોલેજો બંધ રહી છે. શાળાઓમાં આજથી શરૂ થતી પરીક્ષાઓ પણ મુલતવી રહી છે. ગતરોજ પડેલા વરસાદના કારણે શહેરના રાજમાર્ગો પર પાણી ભરાતા DEO કચેરી દ્વારા સ્કુલ કોલેજો બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. જેમાં ગતરોજ શાળાઓ વહેલી છોડવામાં આવતા રસ્તામાં બાળકો ફસાયા હતા. જેમાં સ્કૂલ વાન પાણીમાં ફસાતા બાળકોને લેવા વાલીઓએ દોડધામ કરી હતી. વડોદરા શહેરમા ગઈ કાલે આઠ ઈંચથી વધુ વરસાદ વરસયો હતો જેના કારણે આજવા સરોવરનું લેવલ 212.21 ફૂટે પહોંચ્યું છે. તેમજ ગઈકાલે રાત્રે 11.40 કલાકે 212.08 ફૂટે સપાટી પહોંચતા પાણીનો ઓવરફ્લો શરૂ થયો હતો. ઉપરવાસમાં આખી રાત વરસાદને પગલે આજવા સરોવરના જળસ્તરની સપાટીમાં વધારો થયો છે. આજવા સરોવરમાંથી પાણી ઓવરફ્લો થતાં વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થઇ રહ્યો છે. વિશ્વામિત્રી નદીનું કાલાઘોડા સર્કલ પાસે લેવલ 26 ફૂટે પહોંચ્યું છે. તેમજ વિશ્વામિત્રી નદી ગમેત્યારે ભયજનક સપાટી વટાવી શકે છે.

આગામી ચાર દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી : હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ગુરૂવારે આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અહીં અતિભારે વરસાદ વરસવાની શક્યતા છે. જ્યારે અરાવલ્લી, ખેડા, અમદાવાદમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. શુક્રવારના રોજ આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી, રાજકોટ, અમરેલી, ભાવનગર જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે. આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. દરમિયાન જૂનાગઢ, ગીરસોમનાથ, બોટાદમાં ભારે વરસાદની આગાહી આપવામા આવી છે.શનિવાર અને રવિવાર માટે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી અને ભાવનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે અમરેલી અને બોટાદમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યો છે.

યાત્રાધામ પાવાગઢમાં પ્રવાસીઓ માટે ડુંગર પર જવા પ્રતિબંધ : ગુજરાતમાં ભારે વરસાદ પડવાને લઈને કરવામાં આવેલી આગાહી અનુસાર સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. પંચમહાલ જિલ્લામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. આથી યાત્રાધામ પાવાગઢમાં પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાને લઈને તંત્ર દ્વારા ડુંગર પર જવા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ભારે વરસાદ પડવાને લીધે ડુંગરની સીડીઓ પરથી પાણીઓ વહી રહ્યા છે.સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ ગણાતા પાવાગઢને લઈને તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. પાવાગઢમાં દૈનિક હજારો ભાવિકો દર્શનાર્થે આવતા હોય છે અને આથી કોઇ દુર્ઘટના ન સર્જાય તે માટે પોલીસ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. પાવાગઢ પર પગથિયાં ચડવા ઘણા જ કઠિન છે અને વરસાદ દરમિયાન આ પગથિયાંઓ પરથી ધોધમાર પાણી વહી રહ્યું છે. આથી આ દરમિયાન કોઇ દુર્ઘટના ન સર્જાય તે માટે પોલીસ તંત્ર દ્વારા દર્શન પર પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે.

ભુજવાસીઓ સારા સમાચાર : ભુજવાસીઓ માટે ભારતીય રેલવે ખુશખબર લઈને આવી છે.પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં ભુજ અને દિલ્લી સરાય રોહિલ્લા વચ્ચે એક નવી ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ વિશેની વિગતો જાણીએ તો ટ્રેન નંબર 20983/20984 ભુજ-દિલ્લી સરાય રોહિલ્લા-ભુજ સુપરફાસ્ટ દ્વિ અઠવાડિક સુપરફાસ્ટ એક્સપ્રેસ બીજી ઑગસ્ટથી શરૂ થશે. ટ્રેન નંબર 20983 ભુજ-દિલ્લી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ એક્સપ્રેસ 2 ઓગસ્ટ 2024 થી દરેક મંગળવાર અને શુક્રવારે ભુજથી 17:00 કલાકે ઉપડશે તથા બીજા દિવસે 12:20 કલાકે દિલ્લી સરાય રોહિલ્લા પહોંચશે. આ જ રીતે ટ્રેન નંબર 20984 દિલ્લી સરાય રોહિલ્લા-ભુજ સુપરફાસ્ટ એક્સપ્રેસ 3 ઓગસ્ટ 2024 થી દરેક બુધવાર અને શનિવારે દિલ્લી સરાય રોહિલ્લાથી 15:00 કલાકે ઉપડશે તથા બીજા દિવસે 11:30 કલાકે ભુજ પહોંચશે.માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન અંજાર, ગાંધીધામ, ભચાઉ, ભાભર, ભીલડી, પાલનપુર, આબૂરોડ, ફાલના, મારવાડ જંકશન, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, અલવર, રેવાડી, ગુડગાંવ અને દિલ્લી કેન્ટ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ શ્રેણીના કોચ હશે.

સુરત શહેરનાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા  : સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા દિવસથી સતત વરસી રહેલા વરસાદે બુધવારે રાત્રે વિરામ લીધો હતો. સુરતના અનેક વિસ્તારોમાં કેડસમા પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. તો બીજી તરફ ભારે વરસાદના લીધે ખાડીમાં આવક થતાં ખાડીની સપાટી ભયજનક લેવલે પહોંચી ગઇ છે. સુરતના અનેક વિસ્તારો પાણીમાં જળબંબાકાર થઇ ગયા છે. દુકાનો અને ઘરોમાં પાણી ભરાઇ ગયા છે. જેના લીધે સુરતીઓનું જનજીવન ખોરવાઇ ગયું છે. અનેક પરિવારો ચાર દિવસથી પાણી હોવાથી તેઓ લાઈટ વગર રહી રહ્યાં છે અને અનાજ અને અન્ય સામગ્રી પણ પાણીમાં ભીંજાઈ ગઈ છે. સુરતમાં વરસાદી આફત હવે લોકોના ઘર સુધી પહોંચી ગઈ છે અને લોકોના ઘરોમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે અને ગટરના પાણી બેક મારી રહ્યા હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગંદા પાણીને લીધે મચ્છરોનો ઉપદ્રવ વધી જતાં સુરતીલાલાઓની ઉંઘ હરામ થઇ ગઇ છે.

વિશ્વામિત્રી નદીનાં પાણી નિચાણવાળા વિસ્તારોમાં પ્રવેશતા ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું : વડોદરામાં વિશ્વામિત્રી નદીની સપાટી 28 ફૂટે પહોંચતા શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી પ્રવેશ્યા છે જેને કારણે ફસાયેલા 20 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આજે વહેલી સવારે વિશ્વામિત્રની નદીની સપાટી 28 ફૂટે પહોંચતા કાલાઘોડા, પરશુરામ ભઠ્ઠો, અકોટા, મુજ મહુડા, કારેલીબાગ જલારામ નગર સહિતના વિસ્તારોમાં પાણી ઘુસવા માંડ્યા હતા. મોડી રાતે જ કોર્પોરેશન દ્વારા ઉપરોક્ત વિસ્તારોમાં લાઉડ સ્પીકર દ્વારા લોકોને સ્થળાંતર કરવા સૂચના આપવામાં આવી હતી. જેને કારણે અનેક લોકો સુરક્ષિત સ્થળે ચાલ્યા ગયા હતા. પરંતુ અકોટા ની દેવનગર વસાહતમાં 20 લોકો નીકળી નહી શકતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. ફાયર બ્રિગેડે તમામ લોકોને બોટ મારફતે સલામત સ્થળે પહોંચાડ્યા હતા.

બારડોલીમાં 9 ઈંચ વરસાદને પગલે જિલ્લાનાં 132 જેટલા રસ્તા બંધ : સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના અનરાધાર વરસાદને પગલે જનજીવન ઠપ થઈ ગયું છે. સુરતના ઉમરપાડામાં 24 કલાકમાં 13.15 ઇંચ, પલસાણામાં 9.25 ઈંચ, માંગરોળ અને બારડોલીમાં 9 ઈચ વરસાદને પગલે જિલ્લાના 132 જેટલા રસ્તા બંધ થઈ ગયા છે. કીમ-ગોથાણ વચ્ચે રેલવે ટ્રેક ઉપર પાણી ફરી વળતા ટ્રેન વ્યવહારને અસર થઈ છે. પલસાણા ચલથાણ ખાડીમાં એક તેમજ માંડવીમાં બે વ્યક્તિ તણાઈ ગયા છે. જેમાં બેના મૃતદેહ મળ્યા છે. નવસારીમાં ખેરગામમાં 9.9 ઈંચ અને નવસારી વાંસદામાં 6.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. તાપી જિલ્લામાં ડોસવાડા ડેમ છલકાઈ ગયો છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 5000 જેટલા લોકોનું સ્થળાંતર કરાવાયું છે.

યુવક તમંચા અને કારતૂસ સાથે પકડાયો : ગાંધીનગર શહેર નજીક ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ચંદ્રાલા પાસે લક્ઝરી બસમાંથી અમદાવાદના યુવકને તમંચા અને કારતૂસ સાથે ઝડપી લીધો હતો. રૂપિયા 10 હજારનો મુદ્દામાલ કબજે કરીને તમંચો ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application