રાજ્યના ૩૧ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર કરાયા : રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ૩૧ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ ૫૫ ટકા નોંધાયો છે.સરદાર સરોવરમાં હાલમાં ૧,૮૩,૭૨૪ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૫ ટકા જેટલો જળસંગ્રહ જ્યારે આ સિવાય રાજ્યના કુલ ૨૦૬ જળાશયોમાં ૨,૨૩,૬૮૫ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૩૯.૯૩ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.આજે સવારે ૮.૦૦ કલાકના અહેવાલ મુજબ રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે આઠ જળાશયોમાં ૧૫ હજાર ક્યુસેકથી વધુ પાણીની આવક નોંધાઈ છે. જેમાં દમણગંગામાં ૫૧,૭૮૬ ક્યુસેક, ઉકાઈમાં ૩૧,૨૦૬ ક્યુસેક, રાણા ખીરસરામાં ૨૩,૬૫૬ ક્યુસેક, વેણુ-૨માં ૧૮,૯૦૬ ક્યુસેક, ઉમિયાસાગરમાં ૧૮,૪૬૮ ક્યુસેક, ઓઝત-વિઅર(વંથલી)માં ૧૬,૦૨૪ ક્યુસેક, ઓઝત-વિઅરમાં ૧૫,૨૫૬ ક્યુસેક તથા સરદાર સરોવરમાં ૧૩,૪૧૯ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે.
ભરૂચ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં અંકલેશ્વર તાલુકામાં સૌથી વધુ ૮૧ મિ.મી. વરસાદ નોંધાયો : ભરૂચ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમ તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ તા.૨૩લી જુલાઈ,૨૦૨૪ને મંગળવારના રોજ સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન જિલ્લામાં સરેરાશ ૪૦.૬૭ મી.મી.વરસાદ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન વરસાદના આંક જોઇએ તો, ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં-૭૬ મિ.મિ.,ભરૂચ તાલુકામાં ૩૯,વરસાદ નોંધાયો છે. જ્યારે હાંસોટ ૩૬ મિ.મિ,ઝઘડિયા તાલુકામાં- ૩૯ મિ.મિ., અંકલેશ્વર તાલુકામાં ૮૧ ,નેત્રંગ તાલુકામાં ૩૬ મિ.મિ, વાગરા તાલુકામાં ૧૯ મિ.મિ, જંબુસર ૧૬ મિ.મિ., આમોદ ૨૪ મિમિ, મળી ભરૂચ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કુલ – ૪૦.૬૭ મીમી વરસાદ નોંધાયો છે.ભરૂચ જિલ્લાના તાલુકામાં આ મોસમનો કુલ વરસાદની પરિસ્થિતિ જોઈએ તો ભરૂચ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નેત્રંગ તાલુકામાં ૭૭૦ મીમી નોંધાયો છે, જ્યારે જંબુસર તાલુકામાં સૌથી ઓછો ૧૭૧ મી.મી. વરસાદ અને ભરૂચ જિલ્લામાં કુલ વરસાદ ૪૦૭.૨૨ મીમી નોંધાયો હોવાના અહેવાલ ભરૂચ જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.
બે યુવકો વિન્ડફાર્મ બીચ પર ઇન્સ્ટા રીલ્સ બનાવી રહ્યા હતા અને અચાનક : પશ્ચિમ કચ્છના રમણીય દરિયા કિનારે આવેલા માંડવી શહેરના વિન્ડ ફાર્મ બીચ ખાતે ફરી એક વખત જીવલેણ અકસ્માતની ઘટના સર્જાઇ હતી. પ્રવાસીઓ માટે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર એવા માંડવીના રમણીય વિન્ડફાર્મ બીચ ઉપર ગાંધીધામથી ફરવા આવેલા બે યુવકો રફ બનેલા દરિયામાં તણાયા હતા. જોકે સ્થાનિક લોકોએ જીવન જોખમે બંનેને બચાવ્યા હતા.દરિયામાંથી બહાર કઢાયા બાદ તેઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ બંને યુવકોને માંડવીની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલમાં ફિઝિશિયન ડોક્ટર, આર્થોપેડીક ડોક્ટર તથા આંખના ડોક્ટરની જગ્યા લાંબા સમયથી ખાલી પડેલ હોવાથી તબીબી સુવિધા મેળવવામાં સમસ્યા સર્જાય હતી.
સોશિયલ મીડિયા પર સીન-સપાટા કરવા પહેલા આ સમાચાર જરૂરથી વાંચી લેજો : કચ્છના અંજાર તાલુકાના વીડી ગામમાં પોતાના નાનાની પરવાનાવાળી બંદૂક સાથે દોહિત્રાએ ફોટો પડાવ્યો હતો અને આ ફોટાને ફેસબુક પર શેર કરવામાં આવ્યો હતો. આ બાદ અંજાર પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો. ફેસબુક પર વટ પડાવવા માટે શેર કરવામાં આવેલ ફોટાને લીધે પોલીસ કાર્યવાહીનો સામનો કરવો પડ્યો છે.આ બનાવ અંગે અંજાર પોલીસ મથકમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના હેડ કોન્સ્ટેબલ મયૂરસિંહ ઝાલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ફેસબૂકમાં અરવિંદ કોલી નામના શખ્સનો બંદૂક સાથેનો ફોટો જોવા મળતાં તેનો સ્ક્રીનશૉટ લઈને તપાસ કરવામાં આવી હતી.લોકેશન અને આઈ.પી એડ્રેસ ટ્રેસ કરીને વીડી ગામમાં રહેનારા અરવિંદ અભુ કોલીની પૂછપરછ કરવામાં આવી હતી.
સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટની કચેરીનો લાંચીયો શિરસ્તેદાર લાંચ લેતા ઝડપાયો : ખંભાત તાલુકાની સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટની કચેરીનો શિરસ્તેદાર રૂા.૧,૦૦,૦૦૦/-ની લાંચ સ્વીકારતા આજરોજ એસીબીના હાથે ઝડપાઈ ગયો છે.જેને લઇ લાંચિયાઓ ફફડાટ પ્રસરી જવા પામ્યો છે. આણંદ જિલ્લાના ખંભાત તાલુકાની સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટની કચેરીનો શિરસ્તેદાર પ્રિતેશકુમાર મનુભાઈ પટેલએ રૂા.૧,૦૦,૦૦૦/-ની લાંચ સ્વીકારતા એસીબીના હાથે ઝડપાઈ ગયો છે.જેને લઇ લાંચિયાઓ ફફડાટ પ્રસરી જવા પામ્યો છે. જમીન ફરીયાદીના મિત્રને વેચાણ લેવા સારુ તેની દરખાસ્ત તૈયાર કરાવવા તથા હકારાત્મક અભિપ્રાય અપાવવા માટે શિરસ્તેદારએ લાંચ માંગી હતી.આ લાંચિયાને આજરોજ રંગે હાથ ઝડપી પાડવામાં એસીબીને સફળતા મળી છે.
બિગ બૉસ શૉમાં સંપૂર્ણ અશ્લીલતા : OTT 3 પર આવતા બિગ બૉસ શૉ વિરુદ્ધ શિવસેનાના મહિલા નેતા નેતા ડૉ. મનીષા કાયંદેએ બાંયો ચડાવી છે.તેઓ મુંબઈ પોલીસ કમિશનર વિવેક ફણસળકર પાસે બિગ બૉસ OTT 3 વિરુદ્ધ ફરિયાદ લઈને પહોંચ્યા હતા. તેમણે OTT શો બિગ બોસ 3 સામે પોલીસ કમિશનર પાસે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી હતી.મીડિયા સાથે વાત કરતા ડૉ.મનીષા કાયંદેએ કહ્યું કે બિગ બોસ 3 એક રિયાલિટી શો છે. તેનું શૂટિંગ ચાલી રહ્યું છે. આ શોમાં સંપૂર્ણ અશ્લીલતા ચાલી રહી છે અને તે બતાવવામાં પણ આવી રહી છે. તેણે કહ્યું કે આ શોમાં એક YouTube ઈન્ફ્લુઅન્સર પણ ભાગ લઈ રહ્યો છે. હવે તેણે અશ્લીલતાની તમામ હદો વટાવી દીધી છે. શોમાં આવા દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે.
સામાન્ય માણસના ખિસ્સા પર શું બોજ વધ્યો છે અને કઈ જાહેરાતથી રાહત મળી : મોદી 3.0નું પ્રથમ સામાન્ય બજેટ રજૂ કરવામાં આવ્યું છે.નાણામંત્રી નિર્મલા સીતારમણે તેને સંસદમાં રજૂ કર્યું નાણામંત્રી તરીકે આ તેમનું સતત સાતમું બજેટ છે. બજેટમાં વિવિધ ક્ષેત્રો માટે ઘણી જાહેરાતો કરવામાં આવી છે.નાણામંત્રી નિર્મલા સીતારમણે મોટી જાહેરાત કરતા કહ્યું કે કેન્સરની દવાઓ સસ્તી થશે. મોબાઈલ અને મોબાઈલ ચાર્જર સહિત અન્ય ઉપકરણો પર BCD 15ટકા ઘટાડી દેવામાં આવી છે. આ સિવાય સરકારે હવે સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને 6 ટકા કરી દીધી છે. આ પછી સોના અને ચાંદીના ભાવ નીચે આવશે. આ સિવાય ચામડા અને ફૂટવેર પરની કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. બીજી તરફ, ટેલિકોમ સાધનો મોંઘા થયા છે, તેના પર કસ્ટમ ડ્યુટી વધારીને 15 ટકા કરી દેવામાં આવી છે. મોદી 3.0નું પહેલું બજેટ સંસદમાં રજૂ કરવામાં આવી રહ્યું છે.નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પોતાનું બજેટ ભાષણ શરૂ કરતાં કહ્યું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સતત ત્રીજી વખત દેશમાં સરકાર બનાવવી એ ઐતિહાસિક છે.દેશની જનતાએ સરકારમાં વિશ્વાસ દર્શાવ્યો છે. વૈશ્વિક સ્થિતિની અસર ફુગાવા પર પડી છે પરંતુ ભારતમાં ફુગાવો નિયંત્રણમાં છે અને 4 ટકાની રેન્જમાં છે.
સસ્તું શું થયું
-સોનું અને ચાંદી સસ્તા
-પ્લેટિનમ પર કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો
-કેન્સર દવાઓ
-મોબાઇલ ચાર્જર
-ચામડાની વસ્તુઓ
-રાસાયણિક પેટ્રોકેમિકલ
-પીવીસી ફ્લેક્સ બેનર
આવક 7 થી 10 લાખ રૂપિયા હોય તો 10 ટકાના દરે ઈન્કમ ટેક્સ વસૂલવામાં આવશે : નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી રહ્યાં છે. જેમાં તેમણે ઇન્કમ ટેક્સને લઇને મોટી જાહેરાત કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આવકવેરાના સ્લેબમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે. હવે સ્ટાન્ડર્ડ ડિડક્શન લિમિટ 50 હજાર રૂપિયાથી વધારીને 75 હજાર રૂપિયા કરવામાં આવી છે. આ સિસ્ટમમાં 3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. 3 થી 7 લાખ રૂપિયાની કમાણી પર 5 ટકા આવકવેરો ચૂકવવો પડશે. જો આવક 7 થી 10 લાખ રૂપિયા હોય તો 10 ટકાના દરે ઈન્કમ ટેક્સ વસૂલવામાં આવશે.10 થી 12 લાખની કરપાત્ર આવક પર 15 ટકાના દરે આવકવેરો વસૂલવામાં આવશે. 12 થી 15 લાખની કરપાત્ર આવક પર 20 ટકા આવકવેરો લાગશે. 15 લાખથી વધુની કરપાત્ર આવક પર 30 ટકાના દરે આવકવેરો વસૂલવામાં આવશે.
કાર્યપાલક ઇજનેરશ્રી, (મા.મ.) પંચાયત વિભાગ,વ્યારાના જણાવ્યા મુજબ નિઝર તાલુકાના કન્ટ્રકશન ઓફ નિઝર ઇન્ટરનલ રોડ પર બ્રિજનું કામ તા.નિઝર જિ.તાપી કી.મી.૦/૦ થી ૦/૪ રસ્તા પર લોકલ ખાડી પરના હયાત કોઝવેના સ્થાને "માઇનોર બ્રિજ" બનાવવાનું કામ પ્રગતિ હેઠળ હોઇ, ચોમાસાની સીઝનમાં ખાડીમાં પૂરનુ પાણી મોટા પ્રમાણમાં આવતુ હોય, તેવા સંજોગોમાં હાલનુ કામચલાઉ ડાયવર્ઝન ચોમાસા દરમિયાન ઉપયોગમાં લઇ શકાય તેમ નથી.જેથી સદર રસ્તાનો ડાયવર્ઝન આપવા સદરહું રસ્તાનો વાહન વ્યવહાર બંધ કરી ટ્રાફિકને જિલ્લા મથક તથા નિઝર આવવા-જવા માટે વૈકલ્પિક રસ્તા તરીકે ઉચ્છલ નિઝર સ્ટેટ હાઇ-વે રોડ પરથી ડાયવર્ઝન આપવા અંગે જાહેરનામું પ્રસિધ્ધ કરવા દરખાસ્ત કરેલ છે.આ જાહેરનામું તા.૧૯/૦૭/૨૦૨૪ થી તા.૧૯/૦૯/૨૦૨૪ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર સને.૧૯૫૧ના ગુજરાત પોલીસ અધિનિયમની કલમ- ૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.આ હુકમ અન્વયે તાપી જિલ્લામાં ફરજ બજાવતા અનાર્મ હેડ કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરના દરજ્જાના કોઇપણ પોલીસ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ફરિયાદ દાખલ કરવા માટે અધિકૃત કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationકાર્તિક આર્યનની ફિલ્મ 'પતિ, પત્ની ઔર વોહ ટૂ'માં રવિના ટંડનની એન્ટ્રી
November 22, 2024