લોકસભામાં આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સરકાર પર ખૂબ પ્રહાર કર્યા છે. ગઇ કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં જે વાતો કરી હતી તેના પર પલટવાર કર્યો છે. ખાસ કરીને ખેડૂતો અને ત્રણે કૃષિ કાયદાને લઇને રાહુલ ગાંધી આજે આક્રમક અંદાજમાં જોવા મળ્યા. તેમણે કહ્યું કે આ આંદોલન માત્ર ખેડૂતોનું આંદોલન નથી પરંતુ દેશનું આંદોલન છે. ખેડૂતો તો માત્ર રસ્તો બતાવી રહ્યા છે.
તેમણે નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા કહ્યું કે આખા દેશમાં અમે બે અમારા બેની આ સરકાર સામે અવાજ ઉઠી રહ્યા છે. ખેડૂતો એક ઇંચ પણ પીછેહઠ નહીં કરે, પરંતુ આ જ ખેડૂતો તમને ખસેડી દેશે. તમારે કૃષિ કાયદા પરત લેવા જ પડશે.
લોકસભામાં બોલતા રાહુલ ગાંધીએ કહ્યું કે ગઇ કાલે સદનને સંબોધિત કરતા નરેન્દ્ર મોદીએ વિપક્ષ વિશે કહ્યું હતું કે વિપક્ષ આંદોલનની વાત કરે છે પરંતુ તેને કૃષિ કાયદા વિશે અને તેના લક્ષ્ય વિશે કંઇ ખબર નથી. મને લાગ્યું કે મારે આજે કૃષિ કાયદાની વિષય વસ્તુ ઉપર વાત કરીને તેમને ખુશ કરવા જોઇએ.
રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે ઘણા સમય પહેલા પરિવાર નિયોજનનો એક નારો આપવામાં આવ્યો હતો અમે બે અમારા બે. જેવી રીતે કોરોનાના નવા સ્વરુપ સામે આવે છે તે જ રીતે આ નારો પણ એક અલગ સ્વરુપમાં સામે આવ્યો છે. આજે દેશ માત્ર ચાર લોકો દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે. અમે બે અમારા બે. દેશનો દરેક નાગરિક તેમના નામ જાણે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500