Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આજે રાષ્ટ્રીય હિન્દી દિવસ : વિદ્યાર્થીઓને હિન્દી માધ્યમથી શિક્ષણ સાથે જીવન ઘડતરના પાઠ ભણાવતી સુરતના ભટારની ૬૧ વર્ષ જૂની વિદ્યાભારતી હિન્દી વિદ્યાલય

  • September 14, 2024 

ઈ.સ.૧૯૪૭માં ભારત સ્વતંત્ર થયું, ત્યારે દેશની સામે સૌથી મોટો પ્રશ્ન સત્તાવાર ભાષાની પસંદગીનો હતો. ભારત હંમેશા વિવિધતાનો દેશ રહ્યો છે, અહીં સેંકડો ભાષાઓ અને બોલીઓ બોલાય છે. તત્કાલીન સરકારે રાષ્ટ્રભાષા અંગે ઘણો વિચાર વિમર્શ કર્યા બાદ હિન્દી અને અંગ્રેજી ભાષાને નવા રાષ્ટ્રની ભાષા તરીકે પસંદ કરી હતી. બંધારણ સભાએ અંગ્રેજોની સાથે દેવનાગરી લિપિમાં લખેલી હિન્દીને રાષ્ટ્રની સત્તાવાર ભાષા તરીકે સ્વીકારી, ત્યારથી આ દિવસને હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હિન્દી દિવસે સુરતના ગોપીપુરા વિસ્તારમાં ઈ.સ.૧૯૬૩માં સ્થપાયેલી દક્ષિણ ગુજરાતની એક માત્ર અને સૌપ્રથમ હિન્દી વિદ્યાલય હિન્દી ભાષાના ગૌરવને વધુ દિવ્ય બનાવી રહી છે.


સોલાર સિસ્ટમ, સ્માર્ટ બોર્ડ, કમ્પ્યૂટર લેબ, લાઈબ્રેરી, ફાયર સેફ્ટી, RO પાણી, CCTV કેમેરા, ગાર્ડન, રમતગમતના મેદાન જેવી આધુનિક સુવિધા ધરાવતી વિદ્યાભારતી હિન્દી વિદ્યાલયમાં ૫,૫૦૦ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે. અહીં નેપાળથી કન્યાકુમારી સુધીના બાળકો અભ્યાસ કરવા આવે છે. વિદ્યાભારતી હિન્દી વિદ્યાલયના આચાર્યશ્રી અર્જુનસિંહ પરમારે જણાવ્યુ હતું કે, ૭૦ના દાયકની વાત છે, જ્યારે સુરત શહેર કાપડ ઉદ્યોગમાં ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધી રહ્યું હતું. દેશના હિન્દી ભાષા પ્રાંતોના વેપારીઓ સુરતમાં આવી કાપડના વેપારમાં જોડાયા હતા, તેમની સૌથી મોટી સમસ્યા એમના બાળકોના શિક્ષણની હતી.


આ સમય દરમિયાન શહેરમાં એવી કોઈ પણ શાળા ન હતી, જેમાં હિન્દી ભાષામાં શિક્ષણ પ્રદાન થતું હોય. જેને ધ્યાનમાં રાખીને કાપડ ઉદ્યોગના હરબંસલાલ સેઠી, મુરારીલાલ જૈન, રામસ્વરૂપ સચદેવ, રામચન્દ્ર તુલસ્યાન અને શ્રવણકુમાર સાહની જેવા પ્રતિષ્ઠિત લોકોએ ભેગા મળીને ઈ.સ ૧૯૬૩માં વિદ્યાભારતી નામના એક ટ્રસ્ટની સ્થાપના કરી ગોપીપુરા વિસ્તારના સોનીફળિયામાં એક ભાડાનું મકાન રાખી પાંચ વિદ્યાર્થીઓથી વિદ્યાભારતી હિન્દી વિદ્યાલયની શરૂઆત કરી હતી. ધીરે-ધીરે વિદ્યાર્થીઓની સંખ્યા વધતા શિક્ષણ બોર્ડ દ્વારા શાળાને માન્યતા આપવામાં આવી હતી, ત્યારબાદ ટ્રસ્ટીઓની મહેનત અને સામાજિક ચેતનાના પરિણામે વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત વધારો થતા સોનીફળિયાનું શાળાનું મકાન નાનું પડવા લાગ્યું હતું.


જેથી ઈ.સ.૧૯૮૫માં ભટાર રોડ પર જગ્યાની ખરીદી કરી વિદ્યાલય ભવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આજે સોનિફળિયાથી ભટાર ખાતે સ્થળાંતરિત થયેલી આ સ્કુલ હાલ ૫૦ હજાર સ્કેવર ફુટ વિસ્તારમાં કાર્યરત છે. આચાર્યશ્રીએ કહ્યું કે, અગાઉ ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ હિન્દી માધ્યમની વિદ્યાલય થકી માતૃભાષા હિન્દીનો પ્રચાર-પ્રસાર કરવાનો હતો, ત્યારબાદ બદલાતા સમયમાં સામાજિક ઉત્થાન અને વધતી પ્રતિસ્પર્ધામાં ટકી રહેવા માટે અંગ્રેજીનું જ્ઞાન જરૂરી બન્યું હતું, જેથી વિદ્યાલયમાં હિન્દી અને અંગ્રેજી બન્ને માધ્યમમાં વિદ્યાર્થીઓને શિક્ષા આપવામાં આવી રહી છે.


વધુમાં તેમણે જણાવ્યું કે, આજે હિન્દી વિદ્યાલય એક વટવૃક્ષ બની ગયું છે. શિક્ષણની સાથે જીવન ઘડતરના પાઠ ભણાવતી વિદ્યાભારતી હિન્દી વિદ્યાલયમાં મલ્ટીપ્લે સ્ટેશન, ડિજીટલ બોર્ડ, ક્રોમ બુક, ફાયર સેફટીના સાધનો, 3-D એજ્યુકેશનલ ચાર્ટ, પ્રોજેક્ટર, પ્રી એજ્યુકેશનલ કીટ, અભ્યાસ માટે જરૂરી વર્કિંગ મોડેલ, ગણિત, વિજ્ઞાન અને જુદી જુદી આધુનિક લેબ, ફ્યુચર ક્લાસરૂમ અને આઉટડોર રબર મેટ, ફેન્સી બેન્ચ, ઈન્ડોર મેટ, વ્હાઈટ બોર્ડ, સ્પોર્ટ્સ કીટ પણ બાળકો માટે ઉપલબ્ધ છે. વધુમાં એમણે ઉમેર્યું હતું કે, આજથી ૬૧ વર્ષ પહેલા શરૂ થયેલી આ શાળામાં ધો.૧ થી ૮ હિન્દી માધ્યમ નોન ગ્રાન્ટેડ, ધો ૯ થી ૧૨ હિન્દી માધ્યમ ગ્રાન્ટેડ અને ધો.૧ થી ૧૨ અંગ્રેજી માધ્યમ નોન-ગ્રાન્ટેડ મળીને કુલ ૫,૫૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.


શાળામાં ૧૫૬ શૈક્ષણિક, ૧૪ બિન શૈક્ષણિક અને ૩૦ સેવક મળી કુલ ૨૦૦નો સ્ટાફ છે. શાળાની પ્રવૃતિની વાત કરતાં તેમણે કહ્યું કે, શાળાનું પરિણામ ૧૦૦ ટકા આવે છે. યોગ, સાંસ્કૃતિક પ્રવૃતિઓ અને રમતગમત ક્ષેત્રે વિદ્યાર્થીઓ નેશનલ લેવલ સુધી પહોંચ્યા છે. વિદ્યાલયમાં NCCનું પ્રશિક્ષણ આપવામાં આવે છે. વર્ષમાં બે વાર નિયમિતપણે આરોગ્ય ચકાસણી કરવામાં આવે છે. ગરીબ બાળકોને નિ:શુલ્ક શિક્ષણ, ગણવેશ અને પાઠ્યપુસ્તકો શાળા તરફથી આપવામાં આવે છે. વિદ્યાર્થીઓના જીવનમાં ખેલકૂદ પણ અગત્યનો ભાગ ભજવે છે, એ વાતને ધ્યાને રાખીને સ્કુલ મેનેજમેન્ટ દ્વારા ગવિયરમાં સ્પોર્ટ્સ એકેડેમી બનાવવાની યોજના પર કામ ચાલી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application