આજે રાજ્યનાં 9.5 લાખ ઉમેદવારો જુનિયર કલાર્કની પરીક્ષા આપશે. કુલ 3 હજાર સેન્ટર ઉપરથી 1181 સીટ્સ માટે ઉમેદવારોની પરીક્ષા લેવાશે. પરીક્ષામાં કોઈ ચૂક ન સર્જાય તે માટે સરકારી તંત્ર સજ્જ બન્યું છે. ડમી ઉમેદવારોને ઝડપી લેવા પોલીસ બોડી વોર્ન કેમેરાથી સજ્જ કરાયા છે. કોઈ ગેરરીતિ ન સર્જાય તે માટે CCTV કેમેરાની મદદ લેવાશે. આ માટે રાજ્યમાં 500થી વધુ સ્ક્વોર્ડ તૈનાત કરવામાં આવ્યા છે. જાન્યુઆરી મહિનામાં છેલ્લા સમયે પરીક્ષા મોકૂફ થતા ઉમેદવારોમાં ભારે રોષ હતો. તેવી સ્થિતિ ફરી ન સર્જાય તે માટે સરકારે કમર કસી છે. આ વખતે ઉમેદવારોને મુશ્કેલી ન પડે તે માટે GSRTCએ પણ સ્પેશિયલ બસ ટ્રીપ શરૂ કરી છે. પરીક્ષાખંડમાં ઉમેદવારોના ઇલેક્ટ્રિક ઉપકરણો લઇ જવા ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે.
ઉમેદવારો સિવાય બિનઅધિકૃત વ્યક્તિના પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકાયો છે. તો પરીક્ષા કેન્દ્રોની આસપાસ ઝેરોક્સ સેન્ટર ચાલુ રાખવા ઉપર પણ પ્રતિબંધ છે. જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઇ સ્ટ્રોંગ રૂમમાં એલર્ટ જાહેર કરાયું છે. ગુજરાત કોલેજના સ્ટ્રોંગ રૂમમાં પોલીસ સાથે પરીક્ષા લેનાર સ્ટાફ વહેલી સવારથી તૈયાર કરાયા છે. ટૂંક સમયમાં સ્ટ્રોંગ રૂમમાંથી પેપર લઇ સેન્ટર પર જવા રવાના થશે. સેન્ટર ઉપર પહોંચનારી દરેક ટીમ સાથે પોલીસનો સ્ટાફ અને વિડિઓગ્રાફર પણ તૈનાત રહેશે.
જેથી તમામ બાબતોનું રેકોર્ડિંગ થશે. આજે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્કની પરીક્ષા 12 30 થી 1:30 સુધી યોજાશે. પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે માહિતી આપતા કહ્યું કે, આ પરીક્ષામાં અવસરની જેમ તમામ લોકો સામેલ થઈ રહ્યા છે. પરીક્ષા માટે ફૂલપ્રુફ સિસ્ટમ ગોઠવવામાં આવી છે. હસમુખ પટેલે પરીક્ષા માટેનાં કેટલાક સૂચનો જાહેર કર્યા છે, જો તમે પરીક્ષા આપવા જવાના હોય આ બાબતો ખાસ ધ્યાન રાખજો.
હસમુખ પટેલે આપી ખાસ સૂચનાઓ...
પરીક્ષાર્થીઓને 11:45એ પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જવાનું રહેશે,
12:30એ પરીક્ષા યોજાવાની છે, તો ઉમેદવારોએ 11:45 વાગ્યા સુધી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી જવાનું રહેશે,
ઉમેદવારોએ વર્ગખંડની અંદર અડધો કલાક પહેલાં પહોંચી જવાનું રહેશે. બાદમાં કોઈ પણ ઉમેદવારને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે નહી,
કોઈ પણ ઉમેદવાર ક્યાંયથી પણ દુરથી મુસાફરી કરીને આવ્યા હોય પણ સમયની બહાર પહોંચશે, તો તેમને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મળશે નહીં,
પરીક્ષા કેન્દ્રની અંદર ઉમેદવાર પેન, ઓળખ કાર્ડ (ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ) અને કોલ લેટર આ ત્રણ વસ્તુ સિવાય ઉમેદવાર કશું લઈ જઈ શકશે નહીં. આ સાથે ઉમેદવારને તેના બૂટ-ચંપલ કઢાવીને ચેકિંગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને વર્ગખંડની અંદર જતા પહેલાં ઉમેદવારોના બૂટ-ચંપલ પણ કઢાવી લેવામાં આવશે.
હસમુખ પટેલે જણાવ્યું કે, 15 મિનિટ પહેલાં OMR શીટ આપીએ છીએ અને છેલ્લી ઘડીએ જનાર ઉમેદવારને કારણે, કોઈ અવ્યવસ્થા ન થાય, છેલ્લી ઘડીએ પહોંચીને કોઈ ગેરરીતિ કરવાનો પ્રયત્ન ન કરે એ માટે આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અમે આ બાબતમાં ઘણા સ્પષ્ટ છીએ કે, કોઈ પણ ઉમેદવાર ક્યાંયથી પણ દુરથી મુસાફરી કરીને આવ્યા હોય પણ સમયની બહાર પહોંચશે, તો તેમને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મળશે નહીં. જે ડમી ઉમેદવાર તરીકે આવવાનો પ્રયત્ન કરે, તો તે ત્યાં જ પકડાઈ જશે. એટલે આ એક વધારાની વ્યવસ્થા કરાઈ છે. તેમજ ઉમેદવારોને 254 રૂપિયા જે મળવા પાત્ર છે. તે માટે પોર્ટલ ઉપર સવારે જે કોલ-લેટર ડાઉનલોડ કરવાનો સમયગાળો પૂર્ણ થવાનો છે, એના પછી જે 254 રૂપિયા મળવાના છે એ અંગેની બેન્ક ડિટેઇલનું ફોર્મ તે ભરી શકશે નહીં. ત્યારે જેને ઓટીપી નથી આવતો તેવી ક્વેરી હતી તેમાં એવી શક્યતા છે કે, એમનો જે રજીસ્ટર્ડ મોબાઈલ ફોન હશે, એ બદલાઈ ગયો હશે. તેના કારણે એનો ઓટીપી નંબર ઉપર જતો હોય. બાકી અત્યાર સુધી તે અંગે વધુ કોઈ ફરિયાદો મળી નથી.
જયારે વધુમાં પંચાયત સેવા પસંદગી મંડળ ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું કે, જૂનિયર ક્લર્કની પરીક્ષા આપનાર ઉમેદવારોને કોઈપણ મુશ્કેલી ન પડે તેવા અમારા પ્રયાસ છે. દરેક પરીક્ષા ખંડમાં CCTV કેમેરા લગાવાયા છે. સાથે જ પોલીસ અને અધિકારીઓની તાલીમ આપવામાં આવી છે. આ પરીક્ષાનું પરિણામ જૂનમાં જાહેર થશે. ST વિભાગે વધારાની બસો પણ મુકી છે. વિદ્યાર્થીઓ માટે બસમાં ઓનલાઈન બુકિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈ પોલીસને ખાસ સૂચનો કરાયા છે. પરીક્ષા માટે તંત્ર અને પોલીસ તૈયાર છે. પરીક્ષા માટે અધિકારીઓને પણ ટ્રેનિંગ આપવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500