નડિયાદનાં મંજીપુરામાં રહેતી પરિણીતાએ પૂર્વ પ્રેમીના પ્રેમ સંબંધ રાખવા દબાણ અને ધાક ધમકીથી કંટાળી ફ્લેટના ચોથા માળેથી પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે બે ઇસમો સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નડિયાદ તાલુકાના મંજીપુરા સુંદર વન સોસાયટીના ચોથા માળે અલ્પેશભાઈ લક્ષ્મણભાઈ વાઘેલા દેવીપુજક પત્ની ભારતીબેન (ઉ.વ.૨૫) સાથે રહે છે. ભારતીબેનને લગ્ન અગાઉ સુરેશ ઉર્ફે અરવિંદભાઈ દેવીપુજક (રહે.અસામલી,તા.માતર) સાથે પ્રેમ સંબંધ હતો.
બાદમાં પરિણીતાએ પ્રેમ સંબંધનો અંત આણ્યો હતો. છતાં સુરેશ પરિણીતાને પ્રેમ સંબંધ રાખવા અવારનવાર ફોન કરી દબાણ કરતો હતો. પરંતુ ભારતીબેન લગ્ન બાદ પ્રેમ સંબંધ રાખવા માગતી ન હતી. ત્યારે સુરેશ ઉર્ફે ભગો પરિણીતાને સાથેના ફોટોગ્રાફ્સ તેના પતિને બતાવી દેવાની ધમકી આપી સંબંધ ચાલુ રાખવા દબાણ કરતો હતો. જેથી ભારતીબેન પૂર્વ પ્રેમીના ત્રાસ અને ધમકીઓથી કંટાળી ગઈ હતી. દરમિયાન તારીખ ૩ સપ્ટેમ્બરની સાંજે સુરેશ ઉર્ફે ભગાએ ભારતીબેન તેમજ તેના પતિ પર ફોન કરી ચારિત્ર બાબતે ગમે તેમ બોલ્યો હતો. જેથી ભારતીબેને પતિને જણાવેલું કે, સુરેશે મારી જિંદગી બરબાદ કરી નાખી છે.
આ લોકો આપણને સુખેથી જીવવા નહીં દે અને મને સમાજમાં બદનામ કરી નાખશે. જેથી મને માફ કરી દો અને મને મારા પિયરમાં મૂકી આવો, મારે મારા માતા પિતાને મળવું છે. તેમ કહી પોક મૂકી હતી ત્યારે પતિ અલ્પેશે તને કંઈ નહીં થાય તેમ કહી શાંત કરી પત્ની માટે ઠંડુ લેવા દુકાને ગયો હતો. ત્યારે ભારતીબેને દુકાને ગયેલ પતિને ફોન કરી આવજે હું જાઉં છું તેમ કહી ચોથા માળેથી મોતની છલાંગ લગાવી હતી. બનાવ અંગે અલ્પેશભાઈ રામાભાઈ વાઘેલા દેવીપૂજકની ફરિયાદના આધારે નડિયાદ ગ્રામ્ય પોલીસે સુરેશ ઉર્ફે ભગો અરવિંદભાઈ દેવીપુજક તેમજ અન્ય એક ઇસમ સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500