બારડોલી ખાતે જિલ્લા ભાજપ દ્વારા આજે તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. બારડોલીના બાબેન ગામથી 75 જેટલા ટ્રેક્ટર સાથે યાત્રા નીકળી હતી. જેનો ડૉ.આંબેડકર સર્કલ ખાતે સમાપન થયું હતું. દેશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થતાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી ઠેર-ઠેર કરવામાં આવી રહી છે.રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સ્વતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.
સુરત જિલ્લાના બારડોલી ખાતે પણ દેશભક્તિનો માહોલ છવાયો હતો. સુરત જિલ્લા ભાજપ દ્વારા અનોખી રીતે તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું.બારડોલીના બાબેન ગામથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન થયું હતું આ તિરંગા યાત્રામાં આઝાદીને 75 વર્ષ પુરા થતા 75 જેટલા ટ્રેક્ટરો તિરંગા યાત્રામાં જોડાયા હતા. અને આ યાત્રા બાબેન ગામ થી નીકળી સ્ટેશન રોડ થઈ ડૉ. આંબેડકર સર્કલ સુધી પહોંચી હતી.
યાત્રામાં જિલ્લા ભાજપ આગેવાનો સહીત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયાં હતા. આ પ્રસંગે મંત્રી મુકેશ પટેલે સૌને સ્વતંત્ર પર્વનો શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે ખેડૂતો પણ મોટી સંખ્યામાં જોડાય તે માટે ટ્રેકટર સાથેની અનોખી તિરંગા યાત્રા યોજવામાં આવી છે.
સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈએ જણાવ્યું હતું કે સરદારની કર્મભૂમિ પર યોજાયેલી આ યાત્રાને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો છે. લોકો વરસતા વરસાદમાં પણ યાત્રામાં જોડાઈ દેશભક્તિની અનોખી મિશાલ રજૂ કરી હતી. તેમણે જિલ્લાવાસીઓને સ્વતંત્ર પર્વની શુભકામના પાઠવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500