ગરમી, ઉકળાટ, બફારાથી હેરાન પરેશાન થઇ રહેલા મુંબઇગરાં માટે થોડા રાહતના સમાચાર છે. આગામી બે દિવસ મુંબઇ સહિત નજીકના થાણે, પાલઘર, રાયગઢમાં મેઘ ગર્જના, વીજળીનાં કડાકા સાથે હળવો વરસાદી માહોલ સર્જાય તેવાં કુદરતી પરિબળો ઘુમરાઇ રહ્યાં છે એવો વરતારો હવામાન ખાતાએ આપ્યો છે.
મધ્ય મહારાષ્ટ્ર-મરાઠવાડામાં ત્રણ દિવસ વર્ષાની તો વિદર્ભમાં તીવ્ર ગરમીની આગાહી જયારે બીજીબાજુ હવામાન ખાતાએ એવો સંકેત પણ આપ્યો છે કે આવતા ત્રણ દિવસ દરમિયાન મધ્ય મહારાષ્ટ્ર જેમાં નાશિક, પુણે, જળગાંવ, અહમદનગર, પુણે, સાતારા, સાંગલી અને સોલાપુર તેમજ મરાઠવાડા જેમાં સંભાજીનગર, ધારાશિવ, જાલના, હિંગોળી, પરભણી, નાંદેડ અને લાતુરમાં પણ મેઘ ગર્જના, વીજળીનાં પ્રચંડ ચમકારા, તીવ પવન સાથે હળવી વર્ષા થાય તેવાં પરિબળો આકાર લઇ રહ્યાં છે.
જ્યારે તારીખ ૩ અને ૪ જૂન દરમિયાન વિદર્ભનાં અકોલા, ચંદ્રપુર, નાગપુર, વર્ધા, ગઢચિરોળીમાં હીટ વેવ (ગરમીનું મોજું)ની પરિસ્થિતિ સર્જાય તેવી પણ શક્યતા છે. ત્રીજી બાજુ હવામાન ખાતાએ એવો વરતારો પણ આપ્યો છે કે, 5મી જૂન દરમિયાન અરબી સમુદ્રનાં અગ્નિ હિસ્સામાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાય તેવાં પરિબળો છે.
આ જ પરિબળોની ભારે અસરથી લગભગ 7મી જૂન દરમિયાન અરબી સમુદ્રનાં અગ્નિ દિશામાં હવાના હળવા દબાણનું કેન્દ્ર સર્જાય તેવી સંભાવના છે. ૨૦૨૩નું નૈઋત્યનું ચોમાસુ આજે અરબી સમુદ્રના અને માલદીવના સમુદ્રના અમુક ભાગમાં, લક્ષદ્વિપ અને કોમોરીનનાં સંપૂર્ણ હિસ્સામાં આગળ વધ્યું છે સાથોસાથ મેઘરાજાની સવારી બંગાળનાં ઉપસાગરના દક્ષિણ અને પૂર્વ-મધ્ય ભાગમાં પણ આગળ વધી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500