અમરોલી ગુ.હા. બોર્ડ અને સાયણ રોડ તથા તેની આજુબાજુનાં વિસ્તારમાં વહેલી સવાર અને રાતના અંધારામાં એકલ-દોકલ પસાર થતા લોકોને ચપ્પુ વડે ડરાવી ધમકાવી અને હુમલો કરી મોબાઇલ ફોનની લૂંટ કરનાર ત્રણને ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડી ચાર ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે અમરોલીથી ઉત્રાણ જવાના રોડ પર વેણીનાથ મંદિર પાસેથી બાઇક નંબર GJ/05/MW/2257 ઉપર પસાર થઇ રહેલા બસંત ઉર્ફે બાસુ દયાનિધી પ્રધાન (ઉ.વ.23, રહે.શ્યામ રેસીડન્સી,સાયણ,ઓલપાડ,સુરત), દીપક ઉર્ફે દીપ કુમાર જૈના (ઉ.વ.20, રહે.ગુ.હા.બોર્ડ,અમરોલી) અને મીતન ઉર્ફે મિથુન સીમાંચલ બિસોઇ (ઉ.વ.23, રહે.ક્રિષ્નાનગર સોસાયટી,અમરોલી) નાને ઝડપી પાડી તેમની પાસેથી ચાર મોબાઇલ કબ્જે લીધા હતા.
એમ્બ્રોઇડરી કારખાનામાં નોકરી કરતા ત્રણેય જણા અમરોલી ગુ.હા. બોર્ડ વિસ્તાર અને સાયણ રોડ પર વહેલી સવાર અને સાંજના સમયે અંધારાનો લાભ લઇ રાહદારીઓને આંતરી ચપ્પુ વડે ડરાવી ધમકાવી અને હુમલો કરી મોબાઇલ ફોન લૂંટી લેતા હતા. આ રીતે ત્રણેય જણાએ ભેગા મળી સાયણ રોડ પર શેખપુર ગામની સીમમાં, ખોલવડા ગામની સીમમાં અને વસવારી ગામ મોટી કેનાલથી સેગવા ગામ તરફ જવાના રોડ પર ચપ્પુ વડે હુમલો કરી ચાર લૂંટ કર્યાની કબૂલાત કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500