સરથાણા શ્યામધામ ચોક હરેક્રિષ્ન સોસાયટીમાં આવેલ માણકી જવેલર્સની દુકાનમાં પંદર દિવસ પહેલા ગ્રાહકના સ્વાંગમાં આવેલ ત્રણ ઠગબાજ મહિલાઓઍ અલગ અલગ ડિઝાઈનની ૫૬ જેટલી સોનાની ચેઈન જોયા બાદ સ્ટાફના માણસોની નજર ચુકવી રૂપિયા ઍક લાખના મતાની બે સોનાની ચેઈન ચોરી કરી નાસી ગયા હતા. બનાવ અંગે પોલીસે જવેલર્સના માલીકની ફરિયાદ લઈ સીસીફુટેજમાં આધારે ઠગબાજ મહિલાઓને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.
સરથાણા પોલીસના જણાવ્યા મુજબ સરથાણા નિર્મળનગરની પાછળ પાર્વતિ નગર સોસાયટીમાં રહેતા મૂળ અમરેલીના સાવરકુંડલાના વતની સંજયભાઈ હરજીભાઈ ત્રાડા (ઉ.વ.૩૭) શ્યામધામ ચોક હરેક્રિષ્ન સોસાયટીમાં માણકી જવેલર્સના નામે દુકાન ધરાવે છે. દુકાનમાં ચાર મહિલા સહિત પાંચ જણાનો સટાફ છે. સંજયભાઈની દુકાનમાં ગત તા.૨૮મી મે ના રોજ ત્રણ અજાણી મહિલાઓ ગ્રાહકના સ્વાંગમાં આવી હતી. અને સોનાની ચેઈન બતાવનાનું કહેતા જીગીશાબેન નામની કર્મચારીઍ અલગ અલગ ડિઝાઈનવાળી ૫૬ જેટલી સોનાની ચેઈન બતાવી હતી. ઠગબાજ મહિલાઓઍ જીગીશાબેનને વાતોમાં પાડી તેમની નજર ચુકવી ઍક ૧૩ ગ્રામની અને બીજી ૭ ગ્રામની ઍમ બે સોનાની ચેઈન જેની કિંમત રૂપિયા ૧ લાખ થાય છે જે ચોરી કર્યા બાદ કોઈ ચેઈન ગમતી નથી હોવાનુ કહી દુકાનમાંથી ચાલ્યા ગયા હતા.
દુકાનમાં અન્ય ગ્રાહકો પણ હોવાથી સંજયભાઈ સહિત સ્ટાફના માણસો જેતે સમયે સોનાની ચેઈન ગણી ન હતી અને દુકાનમાં કામ કરતા હતા અને સરકારના જાહેરનામા મુજબ ત્રણ વાગ્યે દુકાન બંધ કરી ઘરે ચાલ્યા હતા.ત્યારબાદ બીજા દિવસે ઍટલે ગત તા.૨૯મીના રોજ સવારે દુકાન ખોલી સોનાના દાગીનાની ગણતરી કરતા બે સોનાની ચેઈન મળી ન આવતા સંજયભાઈઍ સ્ટાફના માણસોની પુછપરછ કર્યા બાદ દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરતા ગ્રાહકના સ્વાંગમાં આવેલ ત્રણ મહિલાઓ સ્ટાફની નજર ચુકવી ચેઈન ચોરી કરી જતા કેદ થયા હોવાનુ બહાર આવ્યું હતું. બનાવ અંગે સંજયભાઈની ફરિયાદ લઈ પોલીસે સીસીફુટેજના આધારે મહિલાઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500