Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બુલઢાણામાં સમૃદ્ધિ એક્સપ્રેસ-વે પર ડિવાઇડર સાથે કાર અથડાતા ત્રણ પ્રવાસીઓનાં મોત

  • May 30, 2023 

મહારાષ્ટ્રનાં બુલઢાણામાં સમૃદ્ધિ એક્સપ્રેસવે પર આજે સવારે રસ્તાનાં ડિવાઇડર સાથે કારની અથડામણ બાદ આગ લાગતા ત્રણ પ્રવાસી મોતને ભેટયા હતા. એમાંથી કારમાં જ સળગીને બે જણ મૃત્યુ પામ્યા હતા. કારમાં ડિઝલનું કેન હોવાની પ્રાથમિક માહિતી મળી છે. પોલીસે મામલાની નોંધ લઇ વધુ તપાસ હાથ ધરી છે. કાર નાગપુરથી શિર્ડી તરફ જઇ રહી હતી. પરંતુ બુલઢાણાના દેઉળગામ પાસે આજે સવારે ૫થી ૫.૩૦ વાગ્યા દરમિયાન કારના ડ્રાઇવરે વાહન પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું. કારમાં ત્રણ જણ પ્રવાસ કરી રહ્યા હતા.






કાર ડિવાઇડર સાથે ટકરાતા એક જણ બહાર રસ્તા પર ફેંકાઇ ગયો હતો. ત્યારબાદ કારમાં આગ ભભૂકી હતી. કારમાંથી બે પ્રવાસી બહાર નીકળી શક્યા નહોતા આગમાં ગંભીરપણે દાઝી જતા તેમના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે કારની બહાર ફેંકાઇ ગયેલી ઇજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. પરંતુ તેણે પણ સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, કારમાં ડીઝલ કેન હોવાની પ્રાથમિક માહિતી મળી છે. આગમાં કારને ભારે નુકસાન થયું હતું.






ફાયર બ્રિગેડની મદદથી આગ બુઝાવવામાં આવી હતી. ગત બુધવારે ઔરંગાબાદમાં સમૃદ્ધિ એક્સપ્રેસવે પર કાર દુર્ઘટનામાં પિતરાઇ ચાર ભાઇ કાળનો કોળીયો બની ગયા હતા. તેઓ સંબંધીની અંતિમવિધીમાંથી સુરત ઘરે પાછા જઇ રહ્યા હતા. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ડિસેમ્બર, ૨૦૨૨થી આ વર્ષના એપ્રિલના અંત સુધીમાં મુંબઇ- નાગપુર સમૃદ્ધિ એક્સપ્રેસવે પર અકસ્માતોમાં કુલ ૩૯ લોકોના મોત અને ૧૪૩ ઘાયલ થયા છે.






જયારે ભિવંડી ડેપોની એસટી બસની આજે માલશેજ ઘાટમાં ટેમ્પો સાથે અથડાતા થતા ૧૦ જણ ઘાયલ થયા હતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, એમ જિલ્લા અધિકારીએ જણાવ્યું હતું. આ અકસ્માત માલશેજ ઘાટ વિસ્તારના સાવરડે ગામમાં આજે સવારે ૧૧ વાગ્યે થયો હતો. મુરબાડના તહસીલદાર સંદીપ અવરીએ કહ્યું હતું કે આ દુર્ઘટનામાં બસમાં પ્રવાસ કરતા આઠને અને ટેમ્પોમાં બે જણને ઇજા થઇ હતી. ઇજાગ્રસ્તોને ટોકાવા ડેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઘાયલોના નિવેદન નોંધી આ મામલે કેસ નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application