સુરત શહેર સહિત રાજ્યમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી શહેર - જિલ્લામાં મેઘમહેર યથાવત રહેવા પામી છે.
જેમાં ઉમરપાડા તાલુકામાં મેઘરાજાએ તોફાની બેટીંગ કરી સવારે દસથી બાર બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ઝીંકયો હતો જયારે દિવસ દરમિયાન કામરેજમાં એક, ઓલપાડમાં દોઢ અને સુરત સીટીમાં અડધો ઈંચ વરસાદ નોધાયો હતો. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં કેટલાક તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે.
ભાદરવાના પ્રારંભ સાથે જ સુરત શહેર - જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પાછોતરા વરસાદની હેલીને પગલે ચિંતાતુર ધરતીપુત્રોમાં હવે આનંદની લાગણી સરી જવા પામી છે. છેલ્લા એક સપ્તાહ થી સતત હળવાથી ભારે વરસાદને પગલે ચોમાસુ પાકને પણ જીવતદાન મળવા પામ્યું છે.
અલબત્ત, સુરત માટે જીવાદોરી સમાન ઉકાઇ ડેમની સપાટી પણ રૂલ લેવલની નજીક પહોંચતા ઉનાળામાં સિંચાઇના પાણીની ચિંતા પણ દુર થઇ ચુકી છે. તો બીજી તરફ ગઈકાલે મેઘરાજાએ વિરામ લીધા બાદ આજે દિવસ દરમ્યાન હળવાશથી મધ્યમ વરસાદ નોધાયો હતો પરંતુ ઉમરપાડામાં ધોધમાર પડ્યો હતો અને સવારે દસથી બાર વાગ્યાના બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ઝીકાતા સમગ્ર વિસ્તાર પાણીથી તરબતર થઇ ઉઠ્યો હતો.
જિલ્લા કલેકટર કચેરીના ફ્લડ કંટ્રોલના જણાવ્યા મુજબ વીતેલા ૨૪ કલાક દરમિયાન બારડોલીમાં ૨, ચોર્યાસીમાં ૧૩, કામરેજમાં ૨૫, માંડવીમાં ૫, માંગરોળમાં ૨૯, ઓલપાડમાં ૩૨, પલસાણામાં ૧૧, સુરત સીટીમાં ૧૪ અને ઉમરપાડામાં ૭૧ મી.મી વરસાદ પડ્યો હતો. જ્યારે નવસારીમાં પણ ચીખલીમાં પોણો ઇંચ ગણદેવીમાં અડધો ઇંચ જ્યારે અન્ય તાલુકા હળવાથી ભારે ધીમીધારે ઝાપટા વરસ્યા હતા.
ડાંગ જિલ્લામાં આહવામાં અડધો ઇંચ સુબીર તાલુકામાં અડધો ઇંચ જ્યારે સાપુતારા માં એક ઈંચથી વધારે વરસાદ ઝીંકાયો હતો વલસાડ જિલ્લામાં વાત કરવામાં આવે તો કપરાડામાં પોણો ઇંચ વલસાડ અને વાપીમાં અડધો અડધો ઇંચ વરસાદ નોંધાયો છે અન્ય તાલુકામાં હળવા ઝાપટા વરસ્યા હતા.
તાપી જિલ્લામાં કુકરમુંડામાં દોઢ ઇંચ, સોનગઢમાં પોણો ઇંચ અને વ્યારામાં અડધો ઇંચ વરસાદ ફ્લડ વિભાગના ચોપડે નોંધાયો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500