Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આ નવું ભારત છે, આ ભારત અટકતું નથી, આ ભારત થાકતું નથી, આ ભારત હાંફતું નથી અને આ ભારત હારતું નથી :- લાલ કિલ્લા પરથી વડા પ્રધાન મોદી

  • August 15, 2023 

આજે સમગ્ર ભારત ૭૭માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યું છે. સ્વતંત્રતા દિવસ નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પર રાષ્ટ્ર ધ્વજ ફરકાવી દેશવાસીઓને શુભકામના પાઠવી હતી. તેમણે આજે લાલ કિલ્લા પરથી 10મી વખત રાષ્ટ્રને નામ સંબોધન કર્યું હતું. વહેલી સવારે રાજઘાટ પહોંચી તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી ત્યાર બાદ લાલ કિલ્લા પર પહોંચ્યા હતા. રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યા બાદ તેમણે સમગ્ર દેશના લોકોને પોતાનો પરિવાર ગણાવીને સંબોધનની શરૂઆત કરી. ભાષણની શરૂઆતમાં જ વડાપ્રધાને હિંસાગ્રસ્ત મણિપુરનો ખાસ ઉલ્લેખ કર્યો હતો.



વડા પ્રધાન મોદીએ કહ્યું કે, કેટલાક દિવસોથી મણિપુરમાં હિંસા ચાલી રહી છે. અનેક લોકોએ જીવ ગુમાવવો પડ્યો, માતા-દીકરીઓની ઈજ્જત સાથે છેડછાડ થઇ રહી છે. પરંતુ થોડા દિવસોથી સતત શાંતિના સમાચાર આવી રહ્યા છે. દેશ મણિપુરના લોકોની સાથે છે. શાંતિથી જ માર્ગ મળશે. કેન્દ્ર અને રાજ્ય સરકારો શાંતિ જાળવવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે અને કરતી રહેશે.



વડાપ્રધાન મોદીએ વિકસિત રાષ્ટ્રના સંકલ્પનું પુનરાવર્તન કરતા કહ્યું કે, જ્યારે દેશ આર્થિક રીતે સમૃદ્ધ થાય છે ત્યારે માત્ર દેશની તિજોરી જ નથી ભરાતી પણ દેશની તાકાત પણ વધે છે. ત્રિરંગાને સાક્ષી માનીને હું મારા દેશવાસીઓને 10 વર્ષનો હિસાબ આપી રહ્યો છું. આજે હું લાલ કિલ્લા પરથી તમારા આશીર્વાદ લેવા આવ્યો છું.આજે આપણે કેટલીક બાબતોને ગંભીરતાથી લેવી પડશે.2047માં જ્યારે દેશ આઝાદીના 100 વર્ષની ઉજવણી કરશે, તે સમયે વિશ્વમાં ભારતનો ત્રિરંગો ધ્વજ વિકસિત ભારતનો ત્રિરંગો ધ્વજ હોવો જોઈએ.



અતિવૃષ્ટિ અને અન્ય કુદરતી આપદાઓ અંગે વડા પ્રધાન મોદીએ કહ્યું કે કહ્યું, આ વર્ષે કુદરતી આફતોના કારણે દેશના ઘણા ભાગોમાં અકલ્પનીય સંકટ સર્જાયું છે. હું આફતમાં અસરગ્રસ્ત થયેલા તમામ પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. હું ખાતરી આપું છું કે રાજ્ય-કેન્દ્ર સરકાર સાથે મળીને તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી અને ઝડપી વિકાસ તરફ આગળ વધશે.



વડા પ્રધાન મોદીએ દેશના યુવાનોનો જુસ્સો વધારતા કહ્યું કે, આજે જે સૌભાગ્ય દેશના યુવાનોને મળ્યું છે તે ભાગ્યે જ કોઈને મળે છે. આવનારો સમય ટેકનોલોજીથી પ્રભાવિત રહેવાનો છે. આપણાં નાનાં શહેરો અને નગરો વસ્તીમાં ભલે નાનાં હોય પણ તેમની ક્ષમતા કોઈ કમી નથી. દેશમાં તકોની કોઈ કમી નથી. આ દેશમાં તમને જોઈએ તેટલી તકો પૂરી પાડવાની ક્ષમતા છે. આવતા મહિને સરકાર પરંપરાગત કૌશલ્ય ધરાવતા લોકો માટે વિશ્વકર્મા યોજના શરૂ કરશે. વિશ્વકર્મા યોજનામાં 15 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે.



દેશના આર્થીક વિકાસ અંગે વડા પ્રધાને કહ્યું કે વર્ષ 2014માં આપણે વિશ્વના અર્થતંત્રોમાં 10મા ક્રમ પર હતા. આજે આપણે 5મા ક્રમે પહોંચી ગયા છીએ. ભ્રષ્ટાચારના રાક્ષસે દેશને પકડી લીધો હતો, ત્યારે અમે તેને અટકાવ્યો અને મજબૂત અર્થવ્યવસ્થા બનાવી. અગાઉ ગરીબો માટે ઘર બનાવવા માટે રૂ.90 હજાર કરોડનો ખર્ચ થતો હતો. આજે ચાર લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે. છેલ્લા સાડા પાંચ વર્ષમાં 13.50 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. આયુષ્માન ભારત યોજના હેઠળ 70 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.



સ્વતંત્રતા પર્વના દિવસે પણ વડા પ્રધાને વિપક્ષ અને કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું, પરિવારવાદ અને તુષ્ટિકરણે આપણા દેશને બરબાદ કરી દીધો છે. રાજકીય પક્ષનો પ્રભારી માત્ર એક જ પરિવાર કેવી રીતે હોઈ શકે? તેમનો જીવન મંત્ર છે – પરિવારની પાર્ટી, પરિવાર દ્વારા અને પરિવાર માટે. દેશના વિકાસ માટે પરિવારવાદમાંથી મુક્તિ જરૂરી છે. તુષ્ટિકરણની રાજનીતિએ સામાજિક ન્યાયને મારી નાખ્યો.



તેમણે વધુમાં કહ્યું, અમે ભારતનું નવું સંસદ ભવન સમય સીમા પહેલા તૈયાર કરી દીધું. આ નવું ભારત છે, આ ભારત અટકતું નથી, આ ભારત થાકતું નથી, આ ભારત હાંફતું નથી અને આ ભારત હારતું નથી. મોંઘવારીએ આખી દુનિયાને પોતાની ઝપેટમાં લીધી છે પરંતુ ભારતે મોંઘવારી પર અંકુશ મેળવવા માટે ઘણા પ્રયાસો કર્યા. અમે દેશમાં ફુગાવાને કાબૂમાં લેવા માટે અનેક પગલાં લીધાં છે અને આ દિશામાં અમારા પ્રયાસો ચાલુ રહેશે.



તેમણે કહ્યું આજે દેશ કૃષિ ક્ષેત્રે આગળ વધી રહ્યો છે. દેશને આધુનિકતા તરફ આગળ વધારવા પાછળ મારા દેશના શ્રમિકોનો મોટો ફાળો છે. કૃષિ ક્ષેત્રે ટેકનોલોજી મહત્વનો ફાળો ભજવી રહી છે. અમે ખેડૂતોને ડ્રોનની તાલીમ આપીશું. આપણે આજે જે પણ કરીશું, જે પણ પગલાં લઈશું, તે અગામી 1000 વર્ષ સુધી ભારતની દિશા નક્કી કરશે.



વડા પ્રધાને કહ્યું ગામડામાં બે કરોડ ‘લખપતિ દીદી’ બનાવવાનું મારું સપનું છે. એટલા માટે અમે નવી યોજના વિશે વિચારી રહ્યા છીએ. શરૂઆતથી જ અમારો ઉદ્દેશ્ય મહિલા શક્તિને આગળ વધારવાનો રહ્યો છે. એક વસ્તુ જે દેશને આગળ લઈ જશે તે છે મહિલાઓના નેતૃત્વમાં વિકાસ. મહિલા વૈજ્ઞાનિકો ચંદ્રયાન મિશનનું નેતૃત્વ કરી રહ્યા છે. G20 દેશો પણ મહિલાઓના નેતૃત્વમાં વિકાસના મહત્વને ઓળખી રહ્યા છે.



વડા પ્રધાને ભાષણ સમાપ્ત કરતાં કહ્યું, ‘ચલતા ચલતા કાલ ચક્ર, અમૃત કાલ કા ભાલ ચક્ર, સબકે સપને અપને સપને, પનપે સપને સારે, ધીર ચાલે વીર ચાલે, ચાલે યુવા હમારે, નીતિ સહી રીતિ નયી, ગતિ સહી રાહ નયી, ચૂનો ચુનૌતી સીના તાન, જગમે બઢાઓ દેશકા નામ.


‘હું આગામી 15મી ઓગસ્ટે ફરી આવીશ.’

આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ અને સાથી પક્ષો ફરીથી જીત મેળવશે અને પોતે ફરીથી વડાપ્રધાન બનશે એવો વિશ્વાસ વ્યક્ત કરતા વડા પ્રધાન મોદીએ કહ્યું કે, 2014માં મેં પરિવર્તન લાવવાનું વચન આપ્યું હતું. તમે દેશવાસીઓએ મારા પર વિશ્વાસ કર્યો. મેં તમને આપેલા મારા વચનનોને વિશ્વાસમાં ફેરવી દીધા. 2019માં તમે મને ફરીથી આશીર્વાદ આપ્યા. હું તમારા બધા સપના પૂરા કરીશ. હું આગામી 15મી ઓગસ્ટે ફરી આવીશ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application