Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં એક અઠવાડિયામાં ત્રીજુ અંગદાન

  • January 19, 2024 

સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે છેલ્લા અઠવાડિયા દરમિયાન ત્રીજુ સફળ અંગદાન થયું હતું. આ સાથે અંગદાનની સંખ્યા ૫૫ થઈ છે. સુરત જિલ્લાના માંડવી ખાતે રહેતા આદિવાસી યુવાન ફતેસિંગભાઈ ચૌધરીને બ્રેઈનડેડ જાહેર થતા તેઓના બે કિડની, લિવર તથા ફેફસાનું દાન થયું હતું. જેના થકી ચાર વ્યકિતઓને નવજીવન મળશે. પ્રાપ્ત વિગતો અનુસાર સુરત જિલ્લાના માંડવી તાલુકાના નવાપુરાગામના પરવત ફળિયામાં રહેતા અને મજુરીકામ કરતા ૩૧ વર્ષીય ફતેસિંગભાઇ નરોત્તમભાઇ ચૌધરી તા.૧૩/૦૧/૨૦૨૪ ના સવારે ૧૧:૩૦ વાગે કામરેજ ઉધોગનગર બ્રિજ નિચે બાઇક ચલાવીને જતા હતા ત્યારે અચાનક પાછળથી ટેમ્પાની ટક્કર લાગવાથી પડી ગયા હતા. અજાણ્યા વ્યક્તિ દ્વ્રારા ઘર પરીવારને ફોન કરી જાણ કરવામાં આવી હતી.



ત્યારબાદ કામરેજની સરકારી હોસ્પિટલમાં લઇ આવવામાં આવ્યા. તબિયત વધુ સારી ન હોવાથી ૧૦૮નો સંપર્ક કરી બપોરે ૧:૦૦ વાગ્યે કામરેજની દીનબંધુ હોસ્પિટલ ખોલવાડ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યાંના તબીબોના કહેવાથી તા.૧૪/૦૧/૨૦૨૪ના રોજ ઇમરજન્સીમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવીને ઇમરજન્સીમાં આઇસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તા.૧૮/૦૧/૨૦૨૪ના રોજ બપોરે ૦૨.૫૦ વાગે આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ડો. નિલેશ કાછડીયા, ડો. પરેશ ઝાંઝમેરા તથા ડો કેયુર પ્રજાપતિએ બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.



પરિવારમાં પિતા નરોત્તમભાઇ તથા માતા કંકુબેન ચૌધરી છે. પરિવારજનોને સોટોની ટીમના આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઈકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલા કાથુડએ અંગદાનનું મહત્વ સમજાવ્યું. તેઓની સંમતિ મળતા આજે અંગોનું દાન કરાયું હતું. બ્રેઈનડેડ ફતેસિંગભાઈના બન્ને કિડ્ની અને લિવરને અમદાવાદની આઇ. કે.ડી. ટીમ હોસ્પિટલ અમદાવાદ તથા ફેફસાને મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સિવિલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકરના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ, સિકયુરિટી સ્ટાફ, સફાઈ કર્મચારીઓ તેમજ જાગૃત્ત સ્વયંસેવકોએ અંગદાનમાં જહેમત ઉઠાવી હતી. નવી સિવિલ હોસ્પિટલ તંત્રના સફળ પ્રયાસોના પરિણામે આજે વધુ એક અંગદાન સાથે ૫૫મું અંગદાન થયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application