હાલ સુરત જિલ્લામાં આંખો સંબંધિત ‘વાઈરલ કન્ઝક્ટીવાઈટીસ’ના કેસો વધુ નોંધાઇ રહ્યા છે. આંખોમાં જોવા મળતી આ વાઈરલ બીમારીથી ગભરાવાની જરૂર નથી પણ, આંખોની સમયસર સારવાર અને વધુ ન ફેલાય તે માટે સાવચેતી સાથે સ્વચ્છતા રાખવી ખુબ જરૂરી છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, સબ-જિલ્લા હોસ્પિટલ, જિલ્લા કક્ષાની હોસ્પિટલ ખાતે વાઈરલ કન્ઝક્ટીવાઈટીસની સારવાર માટે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
કન્ઝક્ટીવાઈટીસના લક્ષણો અને સાવચેતીના પગલા....
આ વાઈરસના લક્ષણોની વાત કરવામાં આવે તો આંખ લાલ થઈ જવી,
આંખમાંથી પાણી પડવું,
ખંજવાળ આવવી તેના માટે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે,
‘વાઈરલ કન્ઝક્ટીવાઈટીસથી બચવા સૌથી મહત્વની બાબત વ્યક્તિગત સ્વચ્છતા છે,
જેમાં પોતાના હાથ અને મોં ચોખ્ખા રાખવા,
સાબુથી સમયાંતરે હાથ અને મોં ધોવા,
ખાસ કરીને ભીડ-ભાડવાળી જગ્યાઓ જેમ કે, હોટેલ, હોસ્ટેલ, થિયેટર, એસ.ટી.- રેલ્વે સ્ટેશન, મોલ, વગેરે જાહેર સ્થળોએ સ્વચ્છતા બાબતે ખાસ ધ્યાન રાખવું અને શક્ય હોય તો આવા સ્થળોએ જવા-આવવાનું ટાળવું જોઈએ,
આંખોમાં લાલાશ જણાય, દુ:ખાવો થાય અથવા ચેપડા વળે તો નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા નેત્રરોગ વિશેષજ્ઞ પાસે જઈ સારવાર કરાવવી. પોતાની જાતે ડોકટરની સલાહ વિના વગર મેડિકલ સ્ટોરમાંથી આંખના ટીપા લઈને નાખવા નહીં. ડોક્ટરે દર્શાવેલ ટીપા નાખતા પહેલા અને પછી સાબુથી હાથ ધોવા જરૂરી છે.
ચેપગ્રસ્ત દર્દીઓએ ગભરાવાની જરૂર નથી...
પરિવારના કોઈ સભ્યને કન્ઝક્ટીવાઈટીસની અસર થઈ હોય તો તેને પોતાનો હાથ રૂમાલ, નાહવાનો ટુવાલ તથા વ્યક્તિગત વપરાશની તમામ ચીજો અલગ રાખવી તેમજ અન્યનો સંપર્ક ટાળવાનો પ્રયત્ન કરવો. આ બીમારીની અસર ઓછા સમય માટે રહેતી હોવાથી અસરગ્રસ્ત દર્દીઓએ ગભરાવાની જરૂર નથી, પણ તબીબના માર્ગદર્શન હેઠળ સારવાર લેવી અને ડોક્ટરની સૂચના મુજબ નિયમિતપણે હોસ્પિટલમાં તપાસ કરાવતા રહેવું. અસરગ્રસ્ત દર્દીઓએ આંખોને ચશ્માથી રક્ષિત કરવી જોઈએ એમ તાપી જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો.પાઉલ વસાવા દ્વાર જણાવાયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500