તાપી જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં દિન પ્રતિદિન ઉછાળો આવી રહ્યો છે ત્યારે ગંભીર સ્થિતિના દર્દીઓ માટે રેમડેસીવીર ઇજેક્શન આપવા જરૂરી બની જાય છે. તાપીમાં શનિવારે આ ઇજેક્શનોની અછત સર્જાઇ હતી. હોસ્પિટલમાં પણ રોજના રેમડેસીવીર ઇન્જેકશનોની જરુરીયાત સામે માત્ર 50 ટકા જેટલા ઇન્જકશનો ફાળવવામાં આવતા હોવાની પણ ફરિયાદો ઉઠવા પામી છે.ત્યારે આ જથ્થો પર્યાપ્ત સંખ્યામાં વધારવા માંગ ઉઠી છે.
વ્યારાની એક હોસ્પિટલ દાખલ કોવિડ-19 પોઝીટીવ દર્દીના સગા વાળાએ નામ જાહેર નહી કરવાની શરતે જણાવ્યું હતું કે, દર્દીને પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે ત્યારબાદ 1-1 કરીને આપવાના થતા ડોઝ માટે આજે સવારથી વ્યારાની મેડીકલો સહિત તમામ સ્થળોએ રેમડેસીવીર ઈન્જેક્શનો માટે તપાસ કરી પરંતુ કોઇપણ જગ્યા પરથી રેમડેસીવીર ઇન્જેક્શન મળ્યું નથી. રેમડેસીવીર તાત્કાલિક જરૂરિયાત દર્દીઓને મળે તે બહુ જરૂરી છે.
સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જ્યારે વધી રહ્યો છે, ત્યારે તાપીમાં પણ કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે એક તરફ કોરોનાનો કહેર તો બીજી તરફ કોરોનામાં ઉપયોગ લેવાતી રેમડેસીવીર ઈન્જેક્શનની ભારે અછત અને અછતને લઈને રેમડેસીવીરના કાળા બજાર થતાં હોવાનું પણ પંથકમાં ચર્ચાઈ રહ્યું છે. જોકે તે એક તપાસનો વિષય બન્યો છે. રેમડેસીવીર ઈન્જેક્શનો પૂરતો સ્ટોક આવનારા દિવસોમાં નહીં મળે તો તાપીમાં સારવાર લેતા દર્દીઓ માટે બહુ મોટી સમસ્યા ઉભી કરી શકે તેમ છે.
તાપીમિત્ર દ્વારા તપાસ કરતા વ્યારાની જનક સ્મારક હોસ્પિટલમાં રેમડેસીવીર ઇન્જેક્શનનો સ્ટોક પૂરો થઈ ગયો હોવાના જાણવા મળ્યું હતું.જોકે રેમડેસીવીરનો નવો ઓર્ડર કરવામાં આવ્યો છે પરંતુ એ સ્ટોક ક્યારે આવી પહોંચશે તે નકકી નથી.
તાપી જીલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓ ખુબ જ મોટી સંખ્યામાં વધી રહ્યા છે. ધીરે ધીરે હોસ્પિટલોના બેડ ફૂલ થઈ રહ્યા છે. ત્યારે આટલી મોટી સમસ્યાઓ વચ્ચે સૌથી મોટી એક સમસ્યા સારવાર આપનાર ડોક્ટરો સામે એ છે કે, કોરોનાની સારવારમાં વાપરવામાં આવતા રેમડેસીવીર ઈન્જેક્શનોની ખુબ જ મોટી અછત ઉભી થવા પામેલ છે. તાપી જીલ્લામાં હાલમાં રેમડેસીવીર ઈન્જેક્શનોને લઈને દર્દીઓના સગા દોડાદોડી કરી રહ્યા છે, ત્યારે રેમડેસીવીર તાત્કાલિક જરૂરિયાત દર્દીઓને મળે તે બહુ જરૂરી બન્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500