કોસંબા પોલીસ મથકના તરસાડી નગર ખાતે આવેલા દાદરી વિસ્તારમાં મહાકાળી માતાના મંદિર પાસે રસ્તા પરથી પૂરઝડપે જતાં બે મોટર સાયકલ ચાલકોને આંગણું સાફ કરી રહેલી મહિલાએ ટોકતાં બંને મોટર સાયકલ ચાલકોએ મહિલા સાથે ગાળાગાળી કરી બહાર સફાઈ માટે મુકેલ ઘર વખરીના સામાનમાં તોડફોડ કરી નુકસાન પહોંચડ્યુ હતું. ઘટના અંગે પોલીસને જાણ થતાં સ્થળ પર આવેલી પોલીસ સાથે પણ બંને ઇસમોએ ઝપાઝપી કરતાં ત્રણ પોલીસકર્મીને ઇજા પહોંચી હતી. કોસંબા પોલીસે બંને યુવકોની ધરપકડ કરી તેમની સામે પોલીસ પર હુમલો તેમજ એટ્રોસીટી એક્ટ હેઠળ બે અલગ અલગ ગુના નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી અનુસાર તરસાડીના દાદરી ફળિયામાં રહેતી તારાબેન મોહનભાઈ વસાવા રવિવારે દિવાળીની સાફસાફઇ કરતી હોય ઘરવખરીનો સામાન બહાર કાઢ્યો હતો. સાંજે તે ઘર આંગણાનો કચરો વાળી રહી હતી તે સમયે બુલેટ અને સ્પ્લેંડર એમ બે મોટર સાયકલ વાળા તેની નજીકથી પૂરઝડપે પસાર થતાં તારાએ તેઓને કેમ દેખાતું નથી, જોઈને ચલાવો એવી બૂમો પડતાં બંને મોટર સાયકલ વાળા પરત આવી તારા સાથે ગાળાગાળી કરી જાતિવિષયક અપશબ્દો કહ્યા હતા અને ઉશ્કેરાટમાં આવી જાનથી મારી નાખવાની ધમકી આપી બહાર સાફ સફાઈ માટે મુકેલ ઘરવખરીમાં તોડફોડ કરી હતી. અંદાજિત પાંચ હજાર રૂપિયા જેટલું નુકસાન પહોંચાડી નાસી છૂટ્યા હતા.
દરમ્યાન આ અંગે પોલીસને જાણ થતાં કોસંબા પોલીસ મથકના પો.કો. ગોવિંદસિંહ શિવાસિંહ જાળીયા, મહેશભાઈ લક્ષ્મણભાઈ,ટાઉન બીટ જમાનદાર અરવિંદ જોકતા અને પો.કો ભરત મહાદેવ બે અલગ અલગ મોટર સાયકલ પર બનાવના સ્થળે જવા નીકળ્યા હતા. તે સમયે સામેથી બે મોટર સાયકલ પર ગાળો દેતાં દેતાં જતાં હોય પોલીસ જવાનોએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેઓ આગળ હંકારી ગયા હતા. ચારેય પોલીસ જવાનો તારાબેનના ઘર પાસે જતાં હતા ત્યારે બંને મોટરસાયકલ વાળા પાછળ વળીને પોલીસ જવાનો તરફ આવેલા અને પોલીસને રોકી કેમ અમોને રોકવાનો પ્રયાસ કરેલ છે તેમ જણાવી પોલીસ સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા. જે પૈકી એક શખ્સે પો.કો.ગોવિંદનો કોલર પકડી ઢીકમુક્કીનો માર મારી નીચે પાડી દીધો હતો. બચાવવા આવેલા પો.કો. મહેશને પણ કમરના ભાગે જોરથી ઢીક મારી દેતા તે નીચે પટકાયો હતો. બાદમાં બુલેટવાળા ચાલકે પો.કો. ભરતભાઇ સાથે ઝપાઝપી કરી માથામાં બચકું ભરી દીધું હતું. તેને છોડાવવા ગયેલા અરવિંદભાઈ સાથે પણ મારમારી કરી હતી. દરમ્યાન ઘટનાની જાણ થતાં કોસંબા પોલીસ મથકમાંથી હે.કો. હિમાંશુભાઈ, નરપત, રાહુલ, સંજય અને ઈશ્વરસિંહ આવી જતાં તેમની સાથે પણ મારમારી કરવા લાગ્યા હતા.
મારમારી દરમ્યાન પો.કો.સંજય પાલજીને હાથમાં તથા ગળામાં ઇજા પહોંચી હતી. પોલીસ સાથે મારમારી કરી ભાગવા જતાં બંનેને પોલીસે પકડી લઈ તેમના નામ પૂછતાં સ્પ્લેંડર ચાલકે તેનુ નામ આબિદ ઇલ્યાસ શેખ (રહે સમર્પણ એપાર્ટમેંટ,તરસાડી,તા.માંગરોળ) અને બુલેટ ચાલકે તેનું નામ શાહનવાઝ ઉર્ફે સદ્દામ ઝલીલ સૈયદ (રહે સરકારી દવાખાનાની પાછળ,કોસંબા,તરસાડી,તા. માંગરોળ) જણાવ્યા હતા. પોલીસે બંનેની ધરપકડ કરી હતી. તેમની સામે તારાબેનની ફરિયાદના આધારે એટ્રોસીટી એક્ટ અને પો.કો. ગોવિંદસિંહની ફરિયાદના આધારે સરકારી કર્મચારી પર હુમલો તેમજ ફરજમાં રૂકાવટ એમ બે અલગ અલગ ગુના નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ મારમારીમાં ઇજાગ્રસ્ત પો.કો મહેશ લક્ષ્મણ, પો.કો. ભરતભાઇ મહાદેવભાઈ, અને પો.કો. સંજયભાઈ પાલજીભાઈને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500