સુરતના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત યુરોલોજિસ્ટ ડો.સુબોધ કાંબલેએ કરોડરજ્જુની જન્મજાત ખામીથી પીડાતા ૧૮ વર્ષીય કિશોરની પેશાબના લિકેજ એટલે કે 'ન્યુરોજેનિક બ્લેડર'ની અતિ કઠિન અને રાજ્યમાં સૌપ્રથમ સફળ સર્જરી કરીને તેને ૧૮ વર્ષ પછી નવી 'ડાયપર ફ્રી' જિંદગીની ભેટ આપી છે. અમદાવાદમાં રહેતાં એન્જિનિયરિંગના વિદ્યાર્થી એવા કિશોરનો પરિવાર આ ખાસ પ્રકારની સર્જરી કરાવવા માટે સુરત આવ્યો હતો. કિશોરને નવું જીવન આપનાર ડો. સુબોધ કાંબલે થોડા મહિનાઓ પહેલા જ યુ.કે. થી સુરત સ્થાયી થયા છે.
કોઈ યુવાન એના જન્મના ૧૮ વર્ષ બાદ પણ દરરોજ ડાયપર પહેરતો હોય ત્યારે તેના માટે કેવી વિચિત્ર પરિસ્થિતિનું સર્જન થતું હશે? તેની માનસિક અને ભાવનાત્મક સ્થિતિની કલ્પના કરવી જ મુશ્કેલ છે. પ્રતિક (નામ બદલ્યું છે) નામના કિશોરે તેના જન્મ બાદ ૧૮ વર્ષ પછી પ્રથમવાર સફળ ઓપરેશન પછી ડાયપર પહેર્યા વિનાની ઘસઘસાટ ઊંઘ માણી હતી. શસ્ત્રક્રિયાની પ્રથમ રાત્રે ૧૦ થી સવારે ૦૭ વાગ્યા દરમિયાન તેણે શાંતિથી મૂત્રાશયની પીડા વગર ઊંઘ માણી હતી. પ્રતિક અને તેના માતાપિતાને આ બધું એક ચમત્કાર જેવું લાગતું હતું. ડૉ. સુબોધ કાંબલેએ આપેલી નવી જિંદગી અને શસ્ત્રક્રિયાની સફળતાથી પ્રતિક અને માતાપિતા ખુબ આનંદિત થયા છે.
૧૮ વર્ષના એન્જિનિયરિંગના હોનહાર વિદ્યાર્થી પ્રતિકની આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે તેના પરિવારે શક્ય તમામ પ્રયત્નો કર્યા હતા. પ્રતિકના પિતા વિજયભાઈ (નામ બદલ્યું છે)એ જણાવ્યું કે, અમે અમદાવાદ, દિલ્હી, બેંગ્લોર સહિતના ઘણાં ક્લિનિકમાં નિષ્ણાત તબીબોની સારવાર મેળવી, પણ પૈસા ખર્ચવા છતાં નિરાશા જ હાથ લાગી હતી. દરેક હોસ્પિટલમાં કહેવામાં આવતું કે, આ સમસ્યાની કોઈ સારવાર નથી, અને તેનું નિવારણ અશક્ય છે. આવું તમામ જગ્યાએ સાંભળી અમે પુત્રના સામાન્ય જીવન જીવવાની આશા છોડી દીધી હતી. એવામાં સુરતના ડો.સુબોધ કાંબલે અને આ દર્દમાં તેમની સારવાર અંગે સાંભળ્યું, એટલે પુત્રના નવા જીવનની આશા સાથે સુરત આવ્યાં. તેમની સફળ સર્જરી અને અને પરિણામથી અમે અત્યંત ખુશ છીએ'
પ્રતિક જણાવે છે કે, યોગ્ય સારવારના અભાવે મેં અભ્યાસના સ્થળે અને ઘરે દૈનિક પ્રવૃત્તિઓમાં અનેક તકલીફો અને અવરોધો વચ્ચે ૧૮ વર્ષ ગુજાર્યા છે. ક્યારેક જાહેરમાં પેશાબ થઇ જતાં શરમજનક સ્થિતિમાં મૂકાવું પડતું હતું. ઈમરજન્સી વખતે મૂત્રાશયમાં સખત દુ:ખાવો થાય, એવી વિકટ સ્થિતિમાં શરીર પરનો કાબુ જ ન રહે. અમે ઇલાજ કરાવ્યો પરંતુ ઠોસ નિદાન અને સારવાર જ ઉપલબ્ધ ન હોવાથી મારે આ બિમારીને તેમણે જીવનનો એક ભાગ બનાવ્યા વિના છૂટકો ન હતો. એક સમયે મારે દિવસમાં ૨૫ વાર અને રાત્રે ૧૦ વાર પેશાબ કરવા જવું પડતું હતું. હું મારી આ હાલતથી એટલો કંટાળી ગયો હતો કે મારો એન્જિનિયરિંગનો અભ્યાસ પણ છોડી દેવા માંગતો હતો. પરંતુ ડો.કાંબલેએ મને નવું જીવન આપ્યું હોવાનું તે જણાવે છે.
ડૉ.સુબોધ કાંબલે આ સર્જરીના અનુભવ અંગે જણાવે છે કે, 'પ્રતિકનો જન્મ મેનીંગોમિએલોસેલ (સ્પાઈના બિફિડા) જન્મજાત ખામી સાથે થયો હતો. આ બિમારીમાં બાળકના જન્મ પહેલાં સ્પિનલ કેનાલ અને કરોડરજ્જુ નજીક હોતા નથી. આ પ્રકારની જન્મજાત ખામીને 'ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ' પણ કહેવામાં આવે છે. એક હજાર બાળકોમાંથી બે થી ત્રણ બાળકો આ ખામી સાથે જન્મે છે. કમનસીબે પ્રતિકનો જન્મ સ્પાઈના બિફિડા સાથે થયો હતો. જેથી તેને ૩ મહિનાની ઉંમરે અને ત્યારબાદ ફરીથી ૮ વર્ષની વયે તેની સ્પાઈના બિફિડાની સર્જરી કરાવવી પડી હતી. સ્પાઈના બિફિડા સાથે જન્મેલા બાળકને વધુ ઈજા અને ચેપ અટકાવવા માટે કરોડરજ્જુની સર્જરી કરવી પડે છે. જેમાં ન્યુરલ પેશીઓને કરોડરજ્જુની કેનાલમાં ફરી રાખવામાં આવે છે અને પછી સ્નાયુ અને ત્વચાને સીવી લેવામાં આવે છે.
આ અલગ પ્રકારની શારીરિક સમસ્યા અને પેશાબના લીકેજ વિષે ડો.કાંબલે જણાવે છે કે, સ્પાઈના બિફિડા ધરાવતાં ૬૦.૯% યુવાઓને પેશાબનું લિકેજ એટલે કે 'ન્યુરોજેનિક બ્લેડર'ની સમસ્યા હોય છે. જેમને મગજ, કરોડરજ્જુ અથવા નસોની સમસ્યાને કારણે પેશાબ પર નિયંત્રણ રહેતું નથી. આ સમસ્યામાં મૂત્રાશય ખાલી થવા માટે તૈયાર ન થાય ત્યાં સુધી પેશાબ રાખવા માટે સ્નાયુઓ અને મસલ્સને એક સાથે શ્રમ કરવો પડે છે. 'ન્યુરોજેનિક બ્લેડરમાં મૂત્રાશયથી નસોને સંદેશા મળે છે. સદી, કરોડરજ્જુ અને મગજ જે રીતે કરવું જોઈએ તે રીતે કામ કરતા નથી. કેટલાક કિસ્સાઓમાં શૌચાલય સુધી પહોંચતા પહેલા પેશાબ લિક થઈ જાય છે.
ડો.કાંબલે કહે છે કે, ઘણા યુવા છોકરા-છોકરીઓ પ્રતિક જેવી સમાન સમસ્યાઓથી પીડાય છે, જેમને આ પ્રકારની અસામાન્ય સર્જરીથી જીવનમાં નવી ઊર્જાનો સંચાર થશે. આ ઓપરેશન ટેલિસ્કોપ દ્વારા કરી શકાય છે; તેથી તે શરીર પર કોઈપણ પ્રકારના કાપ કરવામાં આવતું નથી. દર્દી થોડા દિવસમાં જ સમસ્યાથી મુક્ત બની પુન: નોર્મલ લાઈફ શરૂ કરી શકે છે. નાના બાળકો, કિશોર-કિશોરીઓ અને યુવાનોએ આ પ્રકારની સમસ્યા હોય તો યોગ્ય અને સમયસરની સારવાર મેળવી સમસ્યાથી છૂટકારો મેળવી શકે છે. કારણ કે હવે સ્પિન બિફિડા અને ન્યુરોજેનિક બ્લેડરની સારવાર ગુજરાતમાં શક્ય છે. આ બિમારીની યોગ્ય સારવારથી હાલમાં, તેઓ ગુજરાતના એકમાત્ર યુરોલોજિસ્ટ છે, જે આ પ્રક્રિયાના નિષ્ણાત હોવાનું જણાવે છે.
સ્પાઈના બિફિડા અને ન્યુરોજેનિક બ્લેડર ધરાવતા ઘણા યુવાનો પેશાબ લિકેજની તકલીફને કારણે કંટાળીને શાળા-કોલેજ છોડી દે છે, અને કેટલાક આત્મહત્યા પણ કરે છે. મિત્રો સાથે બહાર ફરવા, વેકેશન લેવું અથવા રોજિંદા કામ કરવા તેમના માટે ખૂબ મુશ્કેલ બની જાય છે. તેમને સતત ચિંતા સતાવે છે કે જરૂર પડે ત્યારે તેઓ બાથરૂમ શોધી શકાશે કે નહીં. પેશાબ લીક થવાને લીધે ચામડીની સમસ્યા અને ઇન્ફેકશન પણ લાગી શકે છે.
ડો.કાંબલેએ ભારત, યુ.કે., ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ અને બેલ્જિયમમાં આ બિમારીના ઈલાજ માટેની વ્યાપક તાલીમ મેળવી હોવાથી તેમની કુશળતા અને અનુભવના કારણે આ કેસને હાથમાં લઈ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં આખરે તેમને સફળતા મળી હતી. જીવનમાં સતત વિક્ષેપિત થયેલા આ કિશોરના જીવનમાં નવી ઊર્જાનો સંચાર થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application