શહેરમાં વૈભવશાળી જીવનશૈલી હોવા છતાં સાચે જ કીધું છે કે ખરૂં ભારત તો ગામડામાં જ વસે છે ભારત સરકારની મહત્વકાંક્ષી યોજના પૈકી ની એક છે વાંસ મિશન.વિશ્વ ની સૌથી ઝડપી વિકાસ પામતી વનસ્પતિ માં વાંસની ગણના થાય છે.આ વાંસ એક દિવસ માં ત્રણ ફૂટ જેટલા વધતાં હોય છે.ત્યારે દેશના જુદા જુદા ક્ષેત્રોમાં આ મિશન થકી વાંસની ખેતી અને વાંસ થી બનતા ઉત્પાદનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ મિશન હેઠળ રાજ્યના સુરત જિલ્લાના માંડવી તાલુકાના વિસડાલિયા ગામની પસંદગી કરવામાં આવી છે. કારણ કે આ ક્ષેત્રમાં વાંસને લઈ અનેક નવા નવા પ્રયોગો થઈ રહ્યા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આદિવાસી બહુસંખ્યક આ વિસ્તારમાં વાંસને લઈ જે નવો વાયરો જોવા મળી રહ્યો છે તેની પાછળ એક વન અધિકારીની મહત્વની ભૂમિકા રહી છે. આ અધિકારી નું નામ છે પુનિત નૈયર, તેઓ ગુજરાત કેડર ના વર્ષ ૨૦૧૦ ની બેચના અધિકારી છે. ક્લાસ વન અધિકારી હોવા છતા અત્યંત સાદગીથી રહેવા ટેવાયેલા છે. તાબાના અધિકારી અને કર્મચારીઓમાં પણ એટલું જ માન-સન્માન ધરાવે છે. જેઓ આજીવિકા, સમૂહ આધારિત વન સંરક્ષણ અને જળ સંરક્ષણ માં ખાસ રુચિ ધરાવે છે.
જોબ બન્યું જુનુંન......એક પરફેક્ટ અને આલીશાન જીવનની ઈચ્છા દરેક યુવાન ને હોય છે, પરંતુ તેમનું લક્ષ્ય કંઇક બીજું જ હતું. એક સારી નોકરી અને વેતન હોવા છતાં કોર્પોરેટ વર્ક માં તેઓ પોતાના આત્માને સંતોષજનક મેહસૂસ કરી શક્યા ન હતા .
તેમને જણાવ્યું કે, હું જ્યારે પણ આપણા સમાજ અને આસ-પાસ બનતી ઘટનાઓ અને લોકોને જોતો તો મને અંદરથી એક બેચેની જેવો અનુભવ થતો હતો. મને લાગતું હતું કે મારે કંઇક અલગ કરવું છે, પણ શું કરવું છે એ ગડમથલ માં ખબર નહોતી પડતી. મારી સફળતા અને રૂઆબ મને બેમાની જેવો લાગતો હતો,આવી સ્થિતિમાં મે સિવિલ સેવા માટેની તૈયારીઓ શરૂ કરી પહેલા તો પરિવારના સભ્યોને પણ લાગ્યું કે આટલી સારી નોકરી હોવા છતાં હું શા માટે સિવિલ સેવામાં મારો સમય વ્યર્થ બરબાદ કરી રહ્યો છું ? પરંતુ જ્યારે યુપીએસસી માટે મારૂ સમર્પણ જોયું તો સહયોગ કરવા લાગ્યા. યુપીએસસીની તૈયારી મે નોકરી સાથે કરી. હું ઓફિસ માં જતાં પહેલાં ત્રણ-ચાર કલાક અભ્યાસ કરતો અને ઓફિસ થી આવ્યા બાદ જેટલો સમય મળતો ત્યારે ફરી અભ્યાસ કરતો. હું પહેલેથી પોતાને પ્રકૃતિ ની નજીક મેહસૂસ કરતો, એટલે જ મેં વન વિભાગ ઉપર પ્રથમ પસંદગીનો કળશ ઢોળ્યો અને આખરે મારા લક્ષ્ય સુધી પહોંચવા માં સફળતા મળી અને ૨૦૧૭ માં સુરતમાં વન વિભાગના ડી.એફ.ઓ તરીકે જોડાયો.આ વિભાગ માં કામ કરવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તે હું કોર્પોરેટ ક્ષેત્ર માં ન મેળવી શક્યો હોત.
કોટવાળીયા નો સંબંધ ગુજરાત ના આદિવાસી સમુદાય સાથે છે, જે ડાંગ અને સુરત જિલ્લામાં વસે છે. કોટવાળીયા સમુદાયના લોકો વાંસની કલાત્મક ચીજ વસ્તુઓ બનાવવામાં માહેર હોય છે. નાયબ વન સંરક્ષક પુનિત નૈયર ની નિમણુક જ્યારે આ ક્ષેત્રમાં થઈ ત્યારે તેમને જોયું કે અહીં નાં લોકો ખૂબ મહેનતકશ પણ છે અને તેમનામાં ક્ષમતા પણ છે. પરંતુ માર્ગદર્શન ના અભાવે તેઓ પોતાની અંદર રહેલી પ્રતિભાને બહાર લાવી શકયા નથી.
સૌ પહેલાં તેમને ગરીબ મહેનતકશ લોકો ના કૌશલ્ય નો વિકાસ કરવા માટે પ્રારંભિક તબક્કામાં ફર્નિચર મેકિંગ અને વાંસની કલાત્મક વસ્તુઓ બનાવવા ની તાલીમ આપી,જેથી તેઓ વાંસમાંથી અલગ અલગ ચીજ વસ્તુઓ બનાવી શકે. પહેલા તેઓ વાંસ થી માત્ર ટોપલી, ચટાઈ જ બનાવતા હતા. આમાં કોટવાળીયા સમુદાયને પણ લાગ્યું કે વાંસ થી ઘણી બધી ચીજ વસ્તુઓ બનાવી શકાય છે. પ્રથમ તો તેમની કળા ને નિખારવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું. કોટવાળીયા વાંસના કામને "વિનાન" કહે છે ત્યારે તેમના દ્વારા તૈયાર કરાયેલા ફર્નિચર ને બ્રાન્ડ નામ પણ આ જ આપવામાં આવ્યું. આ બ્રાન્ડ નું વર્ષ ૨૦૧૯-૨૦ નું ટર્ન ઓવર એક કરોડ રૂપિયા રહ્યું છે. આપણને આપણી જાત ઉપર વિશ્વાસ હોય તો સ્વર્ગ ને પણ કાળા માથાનો માનવી ધરતી ઉપર ઉતારી શકે છે.અને લોકોને તમારા વખાણ કરવા માટે મજબૂર બનવું પડે છે. ગ્રામ્ય કક્ષાએ બનતી વાંસ ની વિવિધ વસ્તુઓ જોઈને આપણને એ વિચાર સ્ફુરે છે કે વારૂ, વાંસ માંથી આ પણ બની શકે, ખરેખર યોગ્ય માર્કેટીંગ થાય તો શહેરી ફર્નિચરને તગડી કૉમપિટીશન આ વાંસ ની બનાવટો પુરી પાડી શકે એમાં કોઈ સંદેહ ને સ્થાન નથી.
નાયબ વન સંરક્ષક પુનિત નૈયર ની પહેલ થી વન વિભાગ દ્વારા સંયુક્ત વન સંયોજન સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિના માધ્યમથી કોટવાળીયા સમુદાયના લોકો માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું , જેના થકી તેઓ પોતાનો સામાન સીધો જ ગ્રાહકોને યોગ્ય કિંમત માં વેચી શકે. આમ,વચેટિયાઓ દ્વારા થતું આર્થિક શોષણ પણ અટક્યું અને હવે પોતાના ઉત્પાદનની યોગ્ય કિંમત પણ તેઓ મેળવી શકે છે.
વિસડાલિયા ના ફર્નિચર હવે માત્ર સુરત સુધી સીમિત નથી રહ્યા, પણ અમદાવાદ, મુંબઈ, વડોદરા,જુનાગઢ,છતિસગઢ, દિલ્લી સુધી પહોંચી રહ્યા છે. એટલે કે આંતરરાજ્ય સુધી વેચાણ પ્રસરી રહ્યું છે. આ તમામ પ્રયત્નો નું એક સારું પરિણામ એ રહ્યું કે જ્યારે અન્ય સમુદાયના લોકોએ જોયું કે વાંસના કામથી કોટવાળીયા સમુદાયના લોકોને રોજગારી મળી રહી છે ત્યારે અન્ય લોકો પણ આ કામમાં જોડાવા લાગ્યા. જ્યારે જોવા મળ્યું કે આ કાર્ય કરવા માટે અન્ય લોકો પણ ઉત્સાહી છે તો વિસડાલિયા માં એક વર્કશોપ તૈયાર કરવામાં આવ્યો, જ્યાં હવે આસ-પાસ ના ૩૨ ગામડાઓ ના તમામ સમુદાયના લોકો એક સાથે મળીને ફર્નિચર તૈયાર કરી રહ્યા છે.
વિસડાલિયા ખાતે રૂરલ મોલ શરૂ કરવામાં આવ્યો છે. અને વિસડાલિયા ક્લસ્ટર ગ્રામીણ વિકાસ સમિતિ દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે. આ મોલમાં તમામ ચીજ વસ્તુઓ સ્થાનિક લોકો દ્વારા તૈયાર કરાયેલી જ મળશે. મોલમાં એક રેસ્ટોરન્ટ પણ છે,જેમાં કોટવાળીયા મહિલાઓ પોતાના પારંપારિક વ્યંજનો બનાવી ને પીરસે છે. રૂરલ મોલમાં અથાણું, વાંસ ની બનેલી વસ્તુઓથી લઈને કૂકીઝ પણ સ્થાનીય લોકો દ્વારા તૈયાર કરવામાં આવે છે. આ મોલ શરૂ થવા પાછળ વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની જ મહત્વપૂર્ણ સહિયારી ભૂમિકા રહી છે. તેઓ અત્યંત ખુશી વ્યક્ત કરતા કહે છે કે, આ બદલાતી દુનિયા સાથે આદિવાસી સમાજ ને જોડવાના ઉદ્દેશ્ય સાથે આ મોલની શરૂઆત કરવામાં આવી છે. રૂરલ મોલમાં કામ કરનારા સ્થાનિક લોકો આનાથી ખૂબજ ખુશ છે.
સાહસિકતા નો વિકાસ - વન વિભાગ ના સહિયારા પુરુષાર્થથી આદિવાસી બહુ સાંખ્યક ક્ષેત્રમાં ' સમુદાય સુવિધા કેન્દ્ર પણ શરૂ કરવામાં આવ્યું છે. જેના થકી લોકોને રોજગારી તરફ વાળવા માં આવી રહ્યા છે.આ મોડેલ ને જોવા એક વર્ષ પહેલાં જાપાનનું પ્રતિનિધિ મંડળ પણ આવ્યું હતું. જેમણે ભરપૂર પ્રશંસા કરી હતી.સુવિધા કેન્દ્ર વિશે નાયબ વન સંરક્ષક પુનીત નૈયર કહે છે કે અહીંના લોકોમાં અનેક સંભાવનાઓ છે,ફક્ત તેમને સાચી દિશા બતાવવાની જરૂર છે. આ કેન્દ્રમાં દરેક વ્યક્તિ પોતાની રીતે યોગ્ય માહિતી અને માર્ગદર્શન મેળવી શકે છે.
નાયબ વન સંરક્ષક પુનીત નૈયર ની સુરત નિમણૂક પહેલાં વિસડાલિયા ક્લસ્ટર ની સ્થિતિ એટલી સારી ન હતી.પહેલા અહીંના લોકો વાંસની તસ્કરી માં સામેલ હતા તો કેટલાક પલાયન માટે મજબૂર હતા.કારણ કે તેમની પાસે રોજગારી માટેના સાધનો ઉપલબ્ધ ન હતા. ત્યારે તેમનાં સઘન પ્રયાસો ના કારણે પહેલાં જે લોકો તસ્કરી અને પલાયન માટે મજબૂર હતા આજે તેઓ આત્મસન્માન સાથે જીવી રહ્યા છે. અને ૧૫૦ લોકો પ્રત્યક્ષ તેમજ ૩૦૦ અપ્રત્યક્ષ રોજગારી મેળવી આત્મનિર્ભર બન્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application