ભાવનગર શહેરનાં હાદાનગર વિસ્તાર ખાતે આવેલ સર્વોદય સોસાયટી ખાતે રહેતા અને છેલ્લા ૨૦ વર્ષથી અલગ અલગ જગ્યાએ હીરાની દલાલીનું કામ કરતા યુવાનને તળાજામાં હીરા ખરીદવાની પાર્ટી છે તેમ કહી ત્રણ શખ્સોએ ૧૮ કેરેટના રૂપિયા ૫.૨૦ લાખના હીરા સાથે કારમાં બેસાડી તળાજા તરફ લઈ જઈ ટુવાલથી ગાળા ફાંસો આપી મોતને ઘાટ ઉતારી દેતા ભારે ખળભળાટ થઈ ગયો છે. હત્યા કર્યા બાદ ધરાઈ ગામ નજીક કૃષ્ણનગરથી મોટા દેવળીયા જવાના રસ્તે અવાવરું જગ્યામાં ડીઝલ છાંટી સળગવવા જતા બાબરા પોલીસે ત્રણ શખ્સોને ઝડપી લેતા સમગ્ર બનાવ પ્રકાશમાં આવ્યો છે.
આ બનાવની જાણવા મળતી માહિતી અનુસાર, ભાવનગર શહેરના હાદાનગર વિસ્તાર ખાતે આવેલ સર્વોદય સોસાયટી ખાતે રહેતા અને છેલ્લા ૨૦ વર્ષથી અલગ-અલગ જગ્યાએ હીરાની દલાલીનું કામ કરતા ધીરુભાઇ ઉકાભાઈ રાઠોડ (ઉ.વ.૩૬) તારીખ ૨૧ સપ્ટેમ્બરનાં રોજ બપોરના ત્રણેક વાગ્યાના સુમારે ઘરેથી નીકળી કિસન પૂર્વે કાનો ઘનશ્યામભાઈ ચુડાસમા (રહે.નારી સરકારી દવાખાના પાસે,ભાવનગર), મનહર ઈશ્વરભાઈ ખસિયા (રહે.જવેલર્સ સર્કલ પાસે,ભાવનગર), રાહુલ રમેશભાઈ પરમાર (રહે.બોર તળાવ પાસે ભાવનગર) સાથે રૂપિયા ૫,૨૦,૦૦૦/-ની કિમતના ૧૮ કેરેટ હીરા લઈ કારમાં બેસી તળાજા ખાતે હીરા વેચવા માટે નીકળ્યા હતા. દરમિયાનમાં ભાવનગર શહેરની સરિતા સોસાયટી ખાતે રહેતા અને નિર્મળનગર ક્રિસ્ટલ બિલ્ડિંગમાં ઓફિસ ધરાવતા દિનેશભાઈ જશાભાઇ જાદવ સાથે હીરાની લે-વેંચ માટે વાતચીત થઈ હોઈ દિનેશભાઈએ રાત્રીના ફોન કર્યો.
ત્યારે ધીરૂભાઈનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. ઉપરાંત, પિતા ધીરુભાઈ રાત્રિના નવ કલાક સુધી ઘરે નહીં આવતા પુત્ર દેવેનભાઈએ પિતાને ફોન કર્યો ત્યારે પિતા ધીરૂભાઈનો ફોન સ્વીચ ઓફ આવ્યો હતો. આથી એક તરફ ભાવનગરમાં પુત્ર પિતાની શોધખોળ કરી રહ્યો હતો તો બીજી બાજુ અમરેલી જિલ્લાના બાબરા પોલીસ નાઇટ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલ ધરાઈ ગામ નજીક કૃષ્ણનગરથી મોટા દેવળીયા જવાના કાચા રસ્તે અવાવરૂં જગ્યામાં સફેદ કલરની કાર પાર્ક કરેલી હતી અને દૂર સળગતું હોવાનો ભડકો જણાઈ આવતા પોલીસે તુરંત જ સ્થળ પર પહોંચી ચકાસણી કરી ત્યારે ત્રણ શખ્સો મૃતદેહને ડીઝલ છાંટી સળગાવી રહ્યા હતા. બાબરા પોલીસે ત્રણેય શખ્સને ઉઠાવી લઈ સઘન પૂછપરછ કરતા ત્રણેય શખ્સે કબૂલાત કરી હતી કે, તળાજાના ગોપનાથ રોડ પર ધીરૂભાઇને ટુવાલ વડે ગાળા ફાંસો આપી મોતને ઘાટ ઉતારી દીધા હતા.
બાબરો પોલીસે ત્યાર બાદ ભાવનગર નિલમબાગ પોલીસ મથકને વિગતે જાણ કરી ત્રણેય શખ્સની સોંપણી કરી હતી. નિલમબાગ પોલીસે મૃતકના પુત્ર દેવેનભાઈની ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરી હતી. ભાવનગર શહેરના હાદાનગર વિસ્તાર ખાતે રહેતા હીરાના દલાલ ધીરુભાઈ રાઠોડ ભાવનગરથી ત્રણ શખ્સ સાથે કારમાં બેસીને તળાજા ખાતે હીરા વેંચવા માટે ગયા હતા દરમ્યાનમાં ત્રણ શખ્સ અને ધીરુભાઈ વચ્ચે હીરા વેંચવા બાબતે મને દુઃખ થઈ ગયું હતું. આ મન દુઃખને લઈ ત્રણ શખ્સે ધીરુભાઈને ટુવાલ વડે ગળાફાંસો આપી મોતને ઘાટ ઉતારી દીધા હતા અને બાબરા નજીક આવેલી અવાવરૂ જગ્યામાં સળગાવવા જતા પોલીસના હાથે ચડી ગયા હતા.
તદપરાંત, પોલીસે ૧૮ કેરેટના હીરા, કાર સહિતનો મુદ્દામાલ રિકવર કરી લીધો છે. તેમ ડીવાયએસપી આર.આર. સિંઘલે જણાવ્યું હતું. ભાવનગર હીરા બજારના દલાલનું મોત નીપજાવ્યું હોવાની જાણ થતાની સાથે જ હીરા બજારના વેપારીઓ અને દલાલ મોટી સંખ્યામાં નીલમબાગ પોલીસ મથકે દોડી ગયા હતા અને મૃતક અંગે પૃચ્છા કરવા લાગ્યા હતા. તદ્દપરાંત હીરા બજારના વેપારીઓ અને દલાલ સાથે વારંવાર આવી ઘટનાઓ બનતી રહેતી હોવાની રજૂઆતો પણ પોલીસમાં કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500