Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજ્યની સગર્ભા માતાઓ અને કિશોરીઓના પોષણ સ્તરમાં સુધારો લાવવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ

  • September 09, 2023 

વડાપ્રધાનશ્રીનાં ″સહી પોષણ, દેશ રોશન”નાં આહવાનને ચરિતાર્થ કરવા રાજ્ય સરકારે પોષણલક્ષી અનેક નવતર આયામો હાથ ધર્યા છે. ભારતને કુપોષણ મુક્ત બનાવવાની નેમ સાથે દર વર્ષે સપ્ટેમ્બર મહિનાને “પોષણ માહ” તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે "સુપોષિત ભારત, સાક્ષર ભારત, સશક્ત ભારત’’ થીમ પર સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે. આ સંદર્ભે રાજ્યની સગર્ભા માતાઓ અને કિશોરીઓના પોષણ સ્તરમાં સુધારો લાવવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. આઇ.સી.ડીએસ.ના લાભાર્થીના આરોગ્ય માટે અન્ન સલામતી કાયદો-૨૦૧૩ની જોગવાઇ પ્રમાણે દૈનિક જરૂરીયાતના ત્રીજા ભાગનો આહાર આ યોજનાઓ દ્વારા પુરો પાડવાનો છે. રાજ્ય સરકાર દ્વારા લાઇફ સાઇકલ એપ્રોચને ધ્યાને લઇ કુપોષણમાં ઘટાડો થાય એ માટે વિવિધ યોજનાઓ દ્વારા પોષણ સહિતની સુવિધાઓ પુરી પાડવામાં આવે છે.



મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આઇ.સી.ડી.એસ. યોજના હેઠળ ૬ માસથી ૩ વર્ષ સુધીના તમામ બાળકો, ૬ માસ થી ૫ વર્ષના અતિ ગંભીર કુપોષિત બાળકો, સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ અને કિશોરીઓને પૂરક પોષણ આહાર તરીકે બાલશકિત, માતૃશકિત અને પૂર્ણાશકિતના પેકેટ્સ ટેક હોમ રેશન (THR) તરીકે આપવામાં આવે છે. આ આહાર ઉચ્ચ ગુણવત્તાવાળો અને નિયમિત મળી રહે તે માટે મહિલા અને બાળ વિકાસ વિભાગે એગ્રીમેન્ટ પણ કર્યો છે. આ ઉપરાંત આંગણવાડીમાં ૩ થી ૬ વર્ષના આશરે ૧૬ લાખથી વધુ બાળકોને દૈનિક ૫૦ ગ્રામ ગરમ નાસ્તો અને ૮૦ ગ્રામ ગરમ રાંધેલું બપોરનું ભોજન તથા અઠવાડિયામાં બે દિવસ સિઝનલ ફ્રુટ આપવામાં આવે છે. ડાંગ જિલ્લામાં પણ ૨૪ હજાર ૩૮૭ બાળકોને આ લાભ અપાઈ રહ્યો છે. ટેક હોમ રાશનમાં હવે આયુર્વેદિક ઔષધિઓનો ઉપયોગ કરી મૂલ્યવર્ધિત THRના પેકેટ્સ આપવાનો પાઇલટ પ્રોજેકટ અમલમાં મુક્યો છે.



આ માટે વર્ષ૨૦૨૧-૨૨માં ૬ જિલ્લાઓ અને ૨ કોર્પોરેશન એટલે કે નર્મદા, દાહોદ, ભાવનગર ગ્રામ્ય અને અર્બન, ડાંગ, જામનગર અને દેવભુમિ દ્વારકામાં બાળકોને બાલશક્તિ+, સગર્ભા અને ધાત્રી માતાને માતૃશક્તિ+ આપવામાં આવે છે. આ ઉપરાંત દૂધ સંજીવની યોજના રાજ્યના ૨૦ જિલ્લાના ૫૫ આદિજાતિ તાલુકાઓના ૧૦૬ ઘટકો અને ૨૪ વિકાસશીલ તાલુકાઓના ૩૬ ઘટકોમાં એમ કુલ ૧૪૧ ઘટકોમાં અમલમાં છે. જે અંતર્ગત આંગણવાડી કેન્દ્રોમાં નોંધાયેલા ૬ માસથી ૬ વર્ષના બાળકોને અઠવાડીયામાં ૫ દિવસ ૧૦૦ મિલી.પેશ્યુરાઇઝડ ફલેવર્ડ ફોર્ટીફાઇડ દૂધ આપવામાં આવે છે. આ ઉપરાંત સગર્ભા, ધાત્રી માતાઓને અઠવાડીયામાં ૨ દિવસ ૨૦૦ મી.લિ પેશ્યુરાઇઝડ ફલેવર્ડ ફોર્ટીફાઇડ દૂધ આપવામાં આવે છે. માતાના ગર્ભમાં રહેલા શિશુ માટે તેમજ શિશુના જન્મ બાદ તેને સ્તનપાન કરાવવા માટે માતાને વધુ પ્રમાણમાં પોષણની જરૂરિયાત રહે છે.



આ જરૂરિયાતને સમજીને રાજ્યના ૧૪ આદિજાતિ જિલ્લાઓમાં પોષણ સુધા યોજના (PSY) અમલમાં છે. આ કાર્યક્રમ અંતર્ગત ૧૦૬ આઇસીડીએસ ઘટકમાં તમામ સગર્ભા અને ધાત્રીમાતાઓને (૬ માસ સુધીનું બાળક હોય તેવી માતા) રોજ એક વખત સંપુર્ણ ભોજન આપવામાં આવે છે. ભોજન લીધા પછી આંગણવાડી કાર્યકરની દેખરેખમાં આઇ.એફ.એ. ગોળી ગળવાની હોય છે. તેમજ દિવસમાં કેલ્શિયમની ૨ ગોળી ઘરે લઇ જવા માટે આપવામાં આવે છે. માતા અને બાળકના પોષણ સ્તરમાં સુધાર લાવવા માટે મહિલા ગર્ભ ધારણ કરે તે ૨૭૦ દિવસ, અને બાળકના જન્મથી ૨ વર્ષ સુધીના ૭૩૦ દિવસના સમયગાળાને ૧૦૦૦ દિવસ “First Window of Opportunity” તરીકે ઓળખાય છે. આ બાબતના મહત્વને સમજીને ગુજરાત સરકાર દ્વારા ૧૦૦૦ દિવસ માટે “મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના કાર્યરત છે. આ યોજના અંતર્ગત ૪.૬૦ લાખ લાભાર્થીને (પ્રથમ સગર્ભા અને પ્રથમ પ્રસૂતા માતાને) દર માસે આંગણવાડી કેન્દ્ર ઉપરથી આંગણવાડીની વિવિધ સેવાઓની સાથે-સાથે રો-રાશનમાં ૨ કિલો ચણા, ૧ કિલો તુવેર દાળ અને ૧ લીટર સીંગતેલ આપવામાં આવે છે.



કુપોષણ નિવારણને અનુલક્ષીને ગુજરાત સરકાર દ્વારા ફુડ ફોર્ટીફિકેશની અસરકાર નીતિ અમલમાં છે. જે અંતર્ગત રાજ્યના તમામ આંગણવાડી કેન્દ્રના ૩ થી ૬ વર્ષના બાળકોને આંગણવાડી કેન્દ્રમાં અપાતા ગરમ નાસ્તા માટે વપરાતા ચોખામાં ફોર્ટીફિકેશન કરી, ફોર્ટીફાઇડ ચોખા આપવામાં આવે છે. તમામ આંગણવાડી કેન્દ્રોમાં વિટામીન–એ અને વિટામીન-ડીથી ફોર્ટીફાઇડ સીંગતેલ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા પુરુ પાડવામાં આવે છે. રાજ્યના તમામ આંગણવાડી કેન્દ્રોમાં ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના માધ્યમથી જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘોને સાંકળીને ઘઉંનુ ફોર્ટીફિકેશન કરી ફોર્ટીફાઇડ લોટ આપવામાં આવે છે. પોષણલક્ષી યોજનાઓને ગુજરાતના છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવા ઉપરાંત પોષણની સંવેદનશીલ બાબત માટે સમગ્ર સીસ્ટમને પારદર્શક બનાવવા તેને રિયલ ટાઇમ મોનીટરીંગ સાથે જોડી છે. જેમાં આંગણવાડી કક્ષાથી પુરક-પોષણની માંગણીથી લઇ વિતરણ સુધીની તમામ પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવી છે.



આ સમગ્ર બાબતનું મોનીટરીંગ સ્ટેટ મેનેજમેન્ટ સેન્ટરના માધ્યમથી કરવામાં આવે છે. આમ, સ્વસ્થ અને તંદુરસ્ત મહિલાઓ તેમજ સ્વસ્થ બાળકો દ્વારા તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય છે, એ બાબતનું મહત્વ સમજીને ગુજરાત સરકાર દ્વારા મહિલાઓ તથા બાળકોના પોષણ અને સ્વાસ્થ્ય સંભાળ માટે અનેક સંવેદનશીલ યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. જેનો લાભ છેવાડામાં વસતી મહિલાઓ તથા બાળકો લઈ રહ્યા છે. ત્યારે રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લાના ICDS ના ચોપડે નોંધાયેલા ૨૪ હજાર ૩૮૭ બાળકો, ૨ હજાર ૭૪૬ સગર્ભા, અને ૧ હજાર ૯૪૭ ધાત્રી માતાઓ સુધી પણ, આ યોજનાઓનો લાભ સુપેરે પહોંચાડવામાં આવી રહ્યો છે તેમ, પ્રોગ્રામ ઓફિસએ એક મુલાકાતમાં જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application