દિલ્હી સહિત દેશભરમાં એપ્રિલની શરૂઆતથી જ કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં પણ સવારથી જ શરીરને દઝાડતી ગરમીનો અનુભવ થવા લાગ્યો છે. સૌરાષ્ટ્રમાં કંડલા અને રાજસ્થાનનું બાડમેર ૪૫.૬ ડિગ્રી તાપમાન સાથે દેશના સૌથી વધુ ગરમ શહેર રહ્યા છે. હવામાન વિભાગે આગામી ચારથી પાંચ દિવસ સુધી ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, પંજાબમાં હીટવેવની ચેતવણી આપી છે. બીજીબાજુ પૂર્વોત્તરના રાજ્યોમાં ૧૦ એપ્રિલ સુધી વરસાદ, આંધી-તોફોનની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં અલગ અલગ સ્થળો પર લૂની સ્થિતિ સર્જાઈ હતી. બીજીબાજુ અરૂણાચલ પ્રદેશ, અસમ અને મેઘાલય, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ, આંધ્ર પ્રદેશના દરિયા કિનારા, કર્ણાટકના અલગ અલગ સ્થળો પર તિવ્ર પવન ફુંકાવાની સાથે તોફાન જોવા મળ્યું હતું અને કેટલીક જગ્યાએ કરા પડયા હતા. હવામાન વિભાગે કહ્યું કે, ૬થી ૧૦ એપ્રિલ સુધી ગુજરાતમાં કેટલાક સ્થળો પર લૂ ચાલવાની સંભાવના છે. ગુજરાત તેમજ કોંકણ અને ગોવાના દરિયા કિનારાના ક્ષેત્રોમાં ગરમ અને સૂકુ વાતાવરણ રહેવાની શક્યતા છે. આ સિવાય રાજસ્થાન, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં હીટવેવ જોવા મળી શકે છે. દિલ્હીમાં હાલ તાપમાન સામાન્યથી ૩ ડિગ્રી સે. વધુ છે. મહત્તમ તાપમાન ૩૮થી ૪૦ ડિગ્રી સે. વચ્ચે છે. આગામી દિવસોમાં તાપમાન ૪૨ ડિગ્રીથી ઉપર જઈ શકે છે.
જેથી દિલ્હીમાં યલો એલર્ટ જાહેર કરાઈ છે. રાજસ્થાનમાં ભયાનક ગરમીનો કેર ચાલુ રહેશે. આગામી દિવસોમાં રાજ્યના અનેક ભાગમાં હીટવેવની ચેતવણી અપાઈ છે. પશ્ચિમી રાજસ્થાનમાં તાપમાન ૪૨થી ૪૪ ડિગ્રી સે. સુધી જઈ શકે છે. જયપુર, જોધપુર અને બિકાનેર જેવા શહેરોમાં દિવસના સમયે આકરો તડકો અને ગરમ હવાનો પ્રકોપ રહેશે. લોકોને બપોરના સમયે ઘર-ઓફિસની બહાર ન નીકળવા સલાહ અપાઈ છે. પંજાબ અને હરિયાણામાં પણ હીટવેવની ચેતવણી અપાઈ છે. બંને રાજ્યોમાં મહત્તમ તાપમાન ૩૮થી ૪૧ ડિગ્રી સે. વચ્ચે રહી શકે છે. ચંડીગઢ, લુધિયાણા અને હિસાર જેવા શહેરોમાં દિવસના સમયે તાપ અને લૂની અસર જોવા મળી શકે છે.
લઘુત્તમ તાપમાનમાં પણ વધારો નોંધાઈ શકે છે. હવામાન વિભાગે ઉમેર્યું કે, આગામી ચાર દિવસ ઉત્તર-પશ્ચિમ ભારત, મહારાષ્ટ્રના અનેક ભાગોમાં મહત્તમ તાપમાન ૨થી ૪ ડિગ્રી સે. સુધી વધવાની શક્યતા છે. મધ્ય ભારતના અનેક ભાગોમાં મહત્તમ તાપમાનમાં ૨થી ૩ ડિગ્રી સે.નો વધારો જોવા મળી શકે છે. ત્યાર પછીના ત્રણ દિવસ દરમિયાન કોઈ મહત્વપૂર્ણ ફેરફાર જોવા નહીં મળે. આગામી બે દિવસ ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં લગભગ બે ડિગ્રી સે.નો વધારો થશે. ત્યાર પછી ૩ દિવસમાં ૨થી ૪ ડિગ્રી સે.નો ઘટાડો થવાની સંભાવના છે.
હવામન વિભાગે કહ્યું કે, એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી હિમાલયી ક્ષેત્રને પ્રભાવિત કરી શકે છે. જેના કારણે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગીટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદમાં ગાજવીજ સાથે વીજળી અને તીવ્ર પવન સાથે છુટાછવાયાથી લઈને મધ્યમ વરસાદની સંભાવના છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ કેટલાક સ્થળો પર વરસાદ પડી શકે છે. આ સિવાય તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, આંધ્ર પ્રદેશના દરિયા કિનારા પર ૬ એપ્રિલ, કેરળના માહેમાં ૭ એપ્રિલ, કર્ણાટકમાં ૮ એપ્રિલ, પૂર્વોત્તર ભારતમાં ૧૦ એપ્રિલ સુધી વરસાદ-આંધી તોફાનની આશંકા છે તેમ હવામાન વિભાગે કહ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500