અમદાવાદના જીવરાજ પાર્ક ચાર રસ્તા નજીક જ્ઞાનદા સોસાયટીમાં એક AC ગોડાઉનમાં ભયંકર આગ લાગી હતી. આગ લાગ્યા બાદ મકાનમાંથી એક બાદ એક 10થી વધુ બ્લાસ્ટ થયા હતા. આ ઘટનામાં એક મહિલા અને તેના પુત્રનું મોત થયું છે, જ્યારે અન્ય કેટલાક લોકો દાઝી ગયા છે. આ બ્લાસ્ટના કારણે આસપાસના મકાનો અને વાહનો પણ બળીને ખાક થઈ ગયા હતા, જેથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ બંને મૃતક ગોડાઉન માલિકના જ પરિવારજનો છે. આગ લાગ્યા બાદ ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓ તાત્કાલિક રવાના કરવામાં આવી છે. નવરંગપુરા, પ્રહ્લાદનગર અને જમાલપુર વિસ્તારના ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર વિભાગના જવાનોએ ઘટનાસ્થળેથી માતા અને બે વર્ષના બાળકને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. જોકે હોસ્પિટલમાં બંનેએ જીવ ગુમાવ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, રહેણાક મકાનમાં જ ACનું ગોડાઉન બનાવી દેવામાં આવ્યું હતું જેમાં આગ લાગી હતી. આગ લાગવાના સાથે મકાનમાં એક બાદ 10થી વધુ વખત બ્લાસ્ટ થયા જેના કારણે સ્થાનિક રહીશોમાં ભારે દોડધામ મચી ગઈ. ભીષણ આગની જ્વાળાઓએ આસપાસના વાહનોને પણ પોતાની ઝપેટમાં લીધા હતા.
આ ઘટનામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારી પણ ઉડીને આંખે વળગી રહી છે. ગેસના બાટલાઓના કારણે આગ બાદ ધડાકા થયા હતા. જોકે સમગ્ર ઘટનામાં તપાસ બાદ જ સત્ય સામે આવશે. નોંધનીય છે કે રહેણાક સોસાયટી હોવા છતાં મકાનમાં ACનું ગોડાઉન ચલાવવામાં આવી રહ્યું હતું. સોસાયટીના ચેરમેને આ મુદ્દે માર્ચ મહિનામાં જ ફરિયાદ કરી હતી. પરંતુ તંત્રના અધિકારીએ તેની કોઈ નોંધ ન લીધી અને આજે બે લોકોએ જીવ ગુમાવ્યા. જયારે જગદીશ મેઘાણી અને કર્તવ્ય મેઘાણી આ મકાનમાં ગોડાઉન ચલાવી રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500