દિલ્હી એરપોર્ટ પર થાઇલેન્ડથી આવેલી બે મહિલાઓની પાસેથી ૩૯ કરોડ રૂપિયાના માદક પર્દાથો મળી આવ્યા છે. આ માદક પર્દાથોને ભારતના વિવિધ વિસ્તારોમાં પહોંચાડવાના હતાં પરંતુ એરપોર્ટ પર તૈનાત કસ્ટમ અધિકારીઓની સતર્કતાથી આ પદાર્થો કબ્જે કરી લેવામાં આવ્યા હતાં. મળતી માહિતી મુજબ, નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ મોટી કાર્યવાહી કરી ૩૬.૮૯ કિલો હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યો છે. આ ગાંજો થાઇલેન્ડની બે મહિલા યાત્રીઓની પાસેથી જપ્ત કરવામાં આવ્યો છે.
જે બેંગકોકથી ફલાઇટ નંબર ટીજી-૩૨૩ દ્વારા પહોંચી હતી. કસ્ટમ અધિકારીઓએ પ્રોફાઇલિંગના આધારે બંને યાત્રીઓને ગ્રીન ચેનલ પર રોક્યા હતાં અને તેમની ઝીણવટભરી તપાસ કરી હતી. તપાસ દરમિયાન એક ગ્રે રંગ અને એક ઓલિવ ગ્રીન રંગની ટ્રોલી બેગમાંથી કુલ ૪૨ પોલિથીન પાઉચ જપ્ત કર્યા હતાં. જેમાંથી માદક પર્દાથો મળી આવ્યા હતાં. જેનું કુલ વજન ૩૬,૮૯૩ ગ્રામ હતું.
થાઇલેન્ડની મહિલાઓની ટ્રોલી બેગમાંથી મળેલા પદાર્થોની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, જપ્ત કરવામાં આવેલ માદક પદાર્થ ગાંજો છે. તપાસ પછી અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ હાઇડ્રોપોનિક ગાંજો છે. જેનું મૂલ્ય આંતરરાષ્ટ્રીય બજારમાં ૩૯ કરોડ રૂપિયા આંકવામાં આવ્યું છે. હાઇડ્રોપોનિક ગાંજાને સ્થાનિક સ્તરે ઓઝીના નામથી પણ ઓળખવામાં આવે છે. છેલ્લા થોડાક સમયમાં સમગ્ર ભારતમાં તેનો ક્રેઝ વધી ગયો છે. હાઇડ્રોપોનિક ગાંજામાં ટેટ્રાહાઇડ્રોકૈનાબિનોલ (ટીએચસી)નું પ્રમાણ ૩૦થી ૪૦ ટકા હોય છે જ્યારે સામાન્ય ગાંજામાં તેનું પ્રમાણ ૩થી ૪ ટકા હોય છે. આ ગાંજો કોકીન જેટલું શક્તિશાળી હોય છે. તેની કીંમત લગભગ ૮૦ લાખથી ૧ કરોડ રૂપિયા પ્રતિ કિલોગ્રામ હોય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500