Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજ્ય સરકારે આદિવાસી સમાજના વિકાસ માટે બજેટમાં રૂપિયા ૪૭૭૪ કરોડની જોગવાઇ કરી છે : આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ

  • August 09, 2024 

આદિવાસી સમાજ સર્વાંગી વિકાસ સાધી શકે એ માટે રાજ્ય સરકારે બજેટમાં રૂ.૪૭૭૪ કરોડની જોગવાઇ કરવામાં આવી છે એમ આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર તથા ગ્રામ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિએ જણાવ્યું હતું. માંડવી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલી વિશ્વ આદિવાસી દિનની ઉજવણીમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મંત્રી કુંવરજીભાઇ હળપતિએ આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા અમલી અનેકવિધ યોજનાઓની વિગતે છણાવટ કરી રાજ્ય સરકાર દ્વારા આદિવાસી સમાજના બાળકો ભણી ગણી આગળ આવે એ માટે શિક્ષણ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરતાં આદિવાસી સમાજના બાળકો હવે ડૉક્ટર, એન્જિનિયર તેમજ પાયલોટ બનતા થયા છે એમ કહી તેમણે બાળકો-યુવાનોને ભણી ગણી સમાજને વિકાસની રાહ પર અગ્રેસર કરવા સૌને આહ્વાન કર્યું હતું.


વધુમાં તેમણે પ્રકૃતિની પૂજા કરતો આદિવાસી સમાજ પ્રકૃતિ અને સંસ્કૃતિ સાથે જીવવાવાળો સમાજ હોઇ આ સમાજના લોકોને બંધારણમાં ખાસ હકો અને અધિકારો આપવામાં આવ્યા છે, જેની જાળવણી માટે સરકાર કટિબદ્ધ છે એમ કહી તેમણે આદિવાસી દિનની ઉજવણી પ્રસંગે માંડવી વિધાનસભા વિસ્તારમાં જંગલ જમીન ખેડતા ૬૬૨ લોકોને જંગલ જમીનની સનદો આપવા આવશે તેમજ ભવિષ્યમાં પણ બાકી રહેલા લોકોને સનદ આપવાનું આયોજન કરાયું છે એમ ઉમેર્યુ હતું. ઉપરાંત, તેમણે માંડવી તાલુકામાં નાહરી હોટલ થકી સ્વરોજગાર માટે ઈચ્છુક સખી મંડળની બહેનો માટે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા નાહરી હોટલ શરૂ કરી આપવામાં આવશે એમ જણાવી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગે મંત્રીએ ઉપસ્થિત સૌને સમાજના વિકાસની સાથે સામાજિક અને સાંસ્કૃતિક વિરાસતની જાળવણી માટે પણ હાકલ કરી હતી.


સાંસદ પ્રભુભાઈ વસાવાએ કેન્દ્ર અને રાજ્ય સરકારે આદિવાસી સમાજને કેન્દ્રમાં રાખી અનેક યોજનાઓ અમલમાં મૂકી છે એમ કહી આ યોજનાઓનો બહોળો લાભ લેવા અનુરોધ કર્યો હતો. ઉપરાંત, તેમણે આદિવાસી સમાજમાં પણ અતિ પછાત એવા આદિમ જૂથના લોકોના સર્વાંગી વિકાસ માટે પી.એમ.જનમન યોજના અમલી બનાવી છે એમ જણાવી આદિવાસી સમાજમાં વ્યાપક પ્રમાણમાં જોવા મળતા સિકલસેલના ઉન્મુલન માટે વિશેષ કાર્યક્રમનો ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત તેમણે આદિવાસી સમાજની સામાજિક અને સાંસ્કૃતિક વિરાસત જળવાય રહે એ માટે ભગવાન બિરસા મુંડાના જન્મદિવસ તા.૧૫મી સપ્ટેમ્બરને જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે એમ જણાવ્યું હતું.


આ પ્રસંગે માંડવી ઈ.પ્રાયોજના વહીવટદાર રામનિવાસ બુગાલિયાએ જણાવ્યુ કે, યુનો યુનો ઘોષિત તા.૯મી ઓગષ્ટ-વિશ્વ આદિવાસી દિવસની વિશ્વભરમાં દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે. દેશની આઝાદીમાં અંગ્રેજો સામેની લડાઈમાં આદિવાસી બિરસા મુંડા જેવા ક્રાંતિવીરોનો ખુબ મોટો ફાળો છે. તેમજ આદિજાતિ બાંધવો માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી છે, જે આદિજાતિ નાગરિકોના ઉત્થાન માટે આશીર્વાદરૂપ બની છે. આ પ્રસંગે ગુજરાત રાજ્ય આદિજાતિ મોરચાના પ્રમુખ અર્જુનભાઈ ચૌધરીએ પણ પ્રસંગોચિત ઉદ્દબોધન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન મંત્રી અને અન્ય મહાનુભાવોએ રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ વ્યક્તિલક્ષી યોજનાના લાભાર્થીઓને સહાયના ચેક અને મંજુરીપત્ર એનાયત કર્યા હતા. તેમજ આદિવાસી સમાજમાંથી આવતા અને જુદા જુદા ક્ષેત્રોમાં સિદ્ધિ પ્રાપ્ત કરનાર વ્યક્તિવિશેષનું શાલ ઓઢાડી તેમજ પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application