ઝીનત અમાનની ઓટીટી ડેબ્યુ સિરીઝ શોસ્ટોપર વિવાદમાં છે. એવા અહેવાલો છે ક, શોના નિર્માતાઓએ અભિનેત્રી દિગંગના સુર્યવંશી વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરી છે. દિગાંગના સૂર્યવંશી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તેના પર છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો છે. અભિનેત્રીએ દાવો કર્યો હતો કે, તે આ શો માટે અક્ષય કુમાર અને તેની કંપનીને પ્રેજેંટર તરીકે લાવશે. આ શોનાં પ્રોડક્શન હાઉસ MH ફિલ્મ્સે આઈપીસી કલમ 420 અને 406 હેઠળ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો આરોપ લગાવીને પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં કહેવામાં આવ્યું છે દિગાંગનાએ કહ્યું હતું કે, તેના અક્ષય કુમાર, સલમાન ખાન અને શાહરૂખ ખાન સાથે સારા સંબંધો છે. તે આ કલાકારોને શોમાં પ્રેજેંટર તરીકે લાવશે. દિગાંગનાએ અક્ષય કુમારને લાવવા માટે અગાઉથી પૈસા પણ લીધા હતા. આ સિવાય મેકર્સે ફેશન ડિઝાઈનર કૃષ્ણા પરમાર અને એક્ટર રાકેશ બેદી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેના પર શો અંગે જાહેરમાં ખોટું નિવેદન આપવાનો આરોપ છે. આનાથી પ્રોજેક્ટની છબી ખરાબ થઈ છે. તેમણે જાહેરમાં કહ્યું હતું કે, શો બંધ થઈ ગયો છે અને પેમેન્ટ્સ પણ રોકી દેવામાં આવી છે.
હાલમાં જ એવા અહેવાલો આવ્યા હતા કે, શો પૈસાની અછતનો સામનો કરી રહ્યો છે અને શોને સ્થગિત કરી દેવામાં આવ્યો છે. MH ફિલ્મ્સ અને ડિરેક્ટર મનીષ હરિશંકરનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ ફાલ્ગુની બ્રહ્મભટ્ટે પણ આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યુ કે, દિગાંગનાએ નિર્માતાઓ પાસેથી પૈસા પડાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. હરિશંકરને જો તેમની માંગણી નહીં સંતોષાય તો ગંભીર પરિણામો ભોગવવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ ધમકી અંગે પોલીસને પણ જાણ કરવામાં આવી છે. જોકે, આ અંગે કલાકારો તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500