દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે વહીવટી સેવાઓ પર કોનો અધિકાર એ અંગે ચાલી રહેલા વિવાદ પર સુપ્રીમકોર્ટે ચુકાદો આપી દીધો છે. સુપ્રીમકોર્ટે ઉપરાજ્યપાલને કહ્યું છે કે તેઓ દિલ્હી સરકારની સલાહ અનુસાર કામ કરે. તેની સાથે જ સુપ્રીમકોર્ટે મહત્ત્વનો ચુકાદો આપતા કહ્યું કે અધિકારીઓની પોસ્ટિંગ અને ટ્રાન્સફરનો અધિકાર દિલ્હી સરકાર પાસે રહેશે. સુપ્રીમકોર્ટે કહ્યું હતું કે લોકશાહી રીતે ચૂંટાયેલી સરકારને અધિકારો મળવા જોઈએ.
દિલ્હીમાં મુખ્યમંત્રી વિરુદ્ધ ઉપરાજ્યપાલ મામલે સુપ્રીમકોર્ટે ગુરુવારે મોટો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમકોર્ટે કહ્યું કે અધિકારીઓની પોસ્ટિંગ અને બદલીનો અધિકાર દિલ્હી સરકાર પાસે જ હોવો જોઈએ. નહીંતર અધિકારીઓ સરકારના કાબૂમાં નહીં રહે. સુપ્રીમકોર્ટના આ ચુકાદાથી સ્પષ્ટ થઈ ગયું છે કે હવે દિલ્હીના અસલી બોસ ઉપરાજ્યપાલ નહીં પરંતુ મુખ્યમંત્રી જ રહેશે.
ચીફ જસ્ટિસે બંધારણીય બેન્ચનો ચુકાદો સંભળાવતા કહ્યું કે દિલ્હી સરકારની શક્તિઓને મર્યાદિત કરવા માટે કેન્દ્ર સરકારની દલીલોનો નિકાલ લાવવો જરૂરી છે. એનસીડીટી એક્ટની કલમ 239એએ ખૂબ જ વિસ્તૃત અધિકારોની વ્યાખ્યા કરે છે. 239એએ વિધાનસભાની શક્તિઓની પણ સંપૂર્ણ વ્યાખ્યા કરે છે. તેમાં ત્રણ વિષયોને સરકારના અધિકાર ક્ષેત્રથી બહાર રખાયા છે.
સીજેઆઈએ કહ્યું કે આ નિર્ણય બધા જજોની સંમતિથી લેવાયેલો નિર્ણય છે. આ મામલો ફક્ત સર્વિસિઝ પર નિયંત્રણનો છે. અધિકારીઓની સેવાઓ પર કોનો અધિકાર છે? તેના પર સીજેઆઈએ કહ્યું કે અમારી સામે મર્યાદિત મુદ્દો એ છે કે કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હીમાં સેવાઓ પર કોનું નિયંત્રણ રહેશે? 2018નો ચુકાદો એ મુદ્દે સ્પષ્ટતા કરે છે પણ કેન્દ્ર દ્વારા ઊઠાવાયેલા તર્કનો નિકાલ લાવવો જરૂરી છે. કલમ 239એએ વ્યાપક સુરક્ષા પૂરી પાડે છે. સીજેઆઈએ કહ્યું કે એનસીટી એક પૂર્ણ રાજ્ય નથી. એવામાં રાજ્ય પ્રથમ યાદીમાં નથી આવતું. એનસીટી દિલ્હીના અધિકાર બીજા રાજ્યોની તુલનાએ ઓછા છે. સીજેઆઈએ કહ્યું કે તંત્રને જીએનસીટીડીના સંપૂર્ણ પ્રશાસન તરીકે ન સમજી શકાય. નહીંતર ચુંટાયેલી સરકારની શક્તિ નબળી પડશે
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500