Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બોલિવૂડ સ્ટાર આમિર ખાનના પુત્ર જુનૈદ ખાનની પહેલી ફિલ્મ 'મહારાજ'ની રિલીઝ પર પ્રતિબંધ મુકાયો

  • June 14, 2024 

બોલિવૂડ સ્ટાર આમીરખાનના પુત્ર જુનૈદ ખાનને લોન્ચ કરતાં અને આજે ઓટીટી પર રિલીઝ થનારી મહારાજ ફિલ્મમાં વૈષ્ણવ સંપ્રદાયને લઈ વિવાદીત ટિપ્પણીઓ અન હિન્દુ ધર્મની લાગણીઓને ઠેસ પહોંચાડતી બાબતો વણાયેલી હોવાના વિવાદને લઈ ગુજરાત હાઈકોર્ટમાં અરજન્ટ રિટ અરજી દાખલ થઈ છે.જેની સુનાવણીમાં જસ્ટિસ સંગીતા વિશેણે મહારાજ ફિલ્મને રિલીઝ કરવા સામે વચગાળાનો મનાઈ હુકમ ફરમાવી દીધો છે.


ભગવાન શ્રીકૃષ્ણના ભકતો અને વલ્લભાચાર્યજીના અનુયાયીઓ તરફથી હાઈકોર્ટમાં કરાયેલી રિટ અરજીમાં પુષ્ટિમાર્ગ સંપ્રદાય તરફથી આક્ષેપભરી રજૂઆત કરાઈ હતી કે, મહારાજ ફિલ્મ એ મહારાજ બદનક્ષી કેસ 1862 પર આધારિત ફિલ્મ છે અને તેમાં વૈષ્ણવ-પુષ્ટિમાર્ગીય સંપ્રદાય અને હિન્દુ ધર્મની આસ્થા અને લાગણીને ઠેસ પહોંચાડતી વાતો અને ટિપ્પણીઓ, બાબતો રજૂ કરવામાં આવી છે. જેના કારણે જાહેર વ્યવસ્થાને વિપરીત અસરો થશે અને હિન્દુ ધર્મ સામે હિંસા ભડકાવવાની દહેશત છે.


અરજદારપક્ષ તરફથી હાઈકોર્ટનું ધ્યાન દોરાયું કે, મહારાજ બદનક્ષીનો કેસમાં 1862માં એ વખતે બોમ્બેની સુપ્રીમકોર્ટના અંગ્રેજ ન્યાયાધીશો દ્વારા હિન્દુ ધર્મની નિંદા કરતો અને ભગવાન શ્રીકૃષ્ણના ભક્તિગીતો-સ્તોત્રો વિરૂધ્ધ નિંદાકારક ટિપ્પણી કરતો ચુકાદો આપ્યો હતો, તેના આધાર પર આ ફિલ્મ બનાવાઈ છે અને જો ફિલ્મ રિલીઝ થાય તો હિન્દુઓની લાગણીને મોટો આઘાત પહોંચશે.


વાસ્તવમાં, ફિલ્મનું ટ્રેલર કે કોઈ પ્રમોશનલ ઈવેન્ટ કર્યા વિના જ બારોબાર ગુપ્ત રીતે ઓટીટી પર આ વિવાદીત ફિલ્મ રિલીઝ કરી દેવાની ચાલ છે, તેથી હાઈકોર્ટે વિશાળ જનહિતમાં તાત્કાલિક તેના રિલીઝ પર રોક લગાવવી જોઇએ. હાઇકોર્ટે આ દલીલો ગ્રાહ્ય રાખી આજે રિલીઝ થનારી મહારાજ ફિલ્મના રિલીઝ પર રોક લગાવી દીધી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application